સોમવારે ભવ્ય વરઘોડો, મંગળવારે ઘ્વજારોહણ તથા બુધવારે રુક્મિણી મંદિરમાં લગ્નવિધિ
પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ચૈત્ર સુદ નૌમથી અગિયારસ દરમિયાન દ્વારકાધીશજી અને રુક્મિણીજીનો ભવ્ય લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ પરંપરાગત ઉત્સવ દર વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવે છે.
તા. ૭ મી એપ્રિલે સવારે ૯થી ૧૨ દરમિયાન રુક્મિણી માતાજીના મંદિરે અગિયારી અને ગ્રહશાંતિનો કાર્યક્રમ યોજાશે. સવારે ૧૧થી ૧૨ વાગ્યા સુધી માતાજીના છપ્પનભોગ મનોરથ દર્શન થશે. સાંજે ૭થી ૯ વાગ્યા સુધી દ્વારકાધીશના જગતમંદિરેથી રૂક્મિણી માતાજીનો વરઘોડો નીકળશે.
તા. ૮ મી એપ્રિલે સવારે ૭થી ૯ વાગ્યા સુધી દ્વારકાધીશ જગતમંદિર અને રૂક્મિણીજી મંદિરે ધ્વજારોહણ થશે. સાંજે ૭ થી ૯:૩૦ દરમિયાન રૂક્મિણી મંદિરના પટાંગણમાં વિવાહ વિધિ યોજાશે. રાત્રે ૮:૩૦થી ૧૦ વાગ્યા સુધી ગુગ્ગુળી બ્રાહ્મણ બ્રહ્મપુરીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
રૂક્મિણી માતાજીના વારાદાર પૂજારી અરુણભાઈ દવે અને કંદર્પભાઈ દવેએ સર્વ દ્વારકાવાસીઓને લગ્નોત્સવમાં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું છે. આ વર્ષે સમગ્ર રુક્મિણી વિવાહ ઉત્સવના મુખ્ય યજમાન અમદાવાદના ચિરાગભાઈ પટેલ પરિવાર છે.