૨૬ લોકોના મોત બાદ પહેલગામ છાવણીમાં ફેરવાયું, પીએમ મોદી યાત્રા પડતી મૂકી સાઉદીથી પરત ફર્યા, ઉરીમાં બે આતંકી ઠાર

  • April 23, 2025 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સાઉદી અરેબિયાથી પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલગામ આતંકવાદી હુમલા અંગેની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવ સાથે ઈમરજન્સી બેઠક યોજી અને સમગ્ર પરિસ્થિતિનો તાકીદનો અહેવાલ મેળવ્યો હતો.

આ હુમલાને ગંભીરતાથી લેતા, પીએમ મોદીએ અધિકારીઓને કડક સૂચના આપી હતી કે આતંકવાદનો સામનો કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવે અને ઘાયલોને તાત્કાલિક તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવે. આ આતંકવાદી હુમલાને કારણે, પીએમ મોદીએ સાઉદી અરેબિયાની બે દિવસીય મુલાકાત ટૂંકી કરવાનો નિર્ણય લીધો. પીએમ મોદી સાઉદી અરેબિયા દ્વારા આયોજિત સત્તાવાર રાત્રિભોજનમાં હાજરી આપી ન હતી અને તેમની મુલાકાત ટૂંકાવીને દેશ પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો.


અગાઉ, પીએમ મોદીએ ટ્વીટર પર આતંકવાદી હુમલાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે આતંકવાદીઓને બક્ષવામાં આવશે નહીં. તેમણે એક્સ પર કહ્યું, હું જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલ લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી હું કામના કરું છું. અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે કહ્યું, આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. તેમને છોડવામાં આવશે નહીં. તેમનો નાપાક એજન્ડા ક્યારેય સફળ થશે નહીં. આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ મક્કમ છે અને તે વધુ મજબૂત બનશે.


ઉલ્લેખનીય છે કે ગઈકાલે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં પોલીસ ગણવેશમાં આવેલા આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલો બૈસરન ખીણમાં થયો હતો, જ્યાં ફક્ત પગપાળા અથવા ખચ્ચર દ્વારા જ પહોંચી શકાય છે.


એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, અજાણ્યા હુમલાખોરોએ નજીકથી પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. તેમણે કહ્યું કે કેટલાક ઘાયલોને સ્થાનિક લોકો તેમના ખચ્ચર પર નીચે લાવ્યા હતા. પહેલગામ હોસ્પિટલના એક ડોક્ટરે જણાવ્યું હતું કે 12 ઘાયલ પ્રવાસીઓને ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા અને તે બધાની હાલત સ્થિર છે.


એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ગોળીબારના અવાજો સાંભળ્યા બાદ, સુરક્ષા દળો પહેલગામ પર્યટન સ્થળની બૈસરન ખીણ તરફ આગળ વધ્યા હતા. આ ઘટના એવા સમયે બની છે જ્યારે વર્ષોથી આતંકવાદ સામે લડ્યા પછી કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત, 38 દિવસની અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થવાની છે. દેશભરમાંથી લાખો યાત્રાળુઓ બે માર્ગો દ્વારા પવિત્ર ગુફા મંદિરની મુલાકાત લે છે. એક માર્ગ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલો પરંપરાગત ૪૮ કિમી લાંબો પહેલગામ માર્ગ છે જ્યારે બીજો માર્ગ ગાંદરબલ જિલ્લામાં આવેલો ૧૪ કિમી લાંબો બાલતાલ માર્ગ છે જેમાં ચઢાણ ખૂબ જ વધુ છે.


ઉરીમાં બે આતંકવાદીઓ ઠાર

પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ સેનાના જવાનોએ આજે ઉત્તર કાશ્મીરના ઉરીમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. આ દરમિયાન, એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આતંકવાદીઓ ઉત્તર કાશ્મીરના ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, સેનાના જવાનોએ આતંકવાદીઓના આ પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો. હજુ પણ અહીં આતંકવાદીઓ અને સૈનિકો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.


ટ્રમ્પ, પુતિન, મેલોની, નેત્યુનાહૂ સહિતના વૈશ્વિક નેતાઓએ હુમલાની નિંદા કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલગામ આતંકવાદી હુમલા પર કહ્યું કે, કાશ્મીરથી આવતા સમાચાર સાંભળીને તેઓ દુઃખી છે. આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે ઉભું છે. આ હુમલામાં જીવ ગુમાવનારાઓ માટે અમે શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરીએ છીએ. આ ઘડીમાં, અમારો સંપૂર્ણ ટેકો અને ઊંડી સંવેદનાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતના લોકો સાથે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હુમલાની નિંદા કરી કહ્યું કે આ ગુનાને કોઈપણ રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં. ગુનેગારોને સજા થશે. ભારતની સાથે ઊભા રહેવા અને કોઈપણ સ્વરૂપમાં આતંકવાદ સામે લડવામાં સહયોગ કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે કહ્યું કે, કાશ્મીરમાં આતંકવાદી હુમલાના સમાચાર ભયાનક છે. મારી સંવેદનાઓ પીડિતો અને ભારતના લોકો સાથે છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલાથી હું દુઃખી છું. આતંકવાદ સામે લડવામાં ઇઝરાયલ ભારતની સાથે ઉભું છે. ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કહ્યું કે, તેઓ ભારતમાં થયેલા આતંકવાદી હુમલાથી દુઃખી છે. અમે ભારત અને ભારતના લોકો સાથે ઉભા છીએ. નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ કહ્યું કે, આતંકવાદ સામેની આ લડાઈમાં નેપાળ ભારત સાથે ખભેખભો મિલાવીને ઉભું છે.


પઠાણી સૂટ અને હાથમાં હથિયાર સાથે આતંકવાદીની પહેલી તસવીર

પહેલગામમાં આતંકવાદી હુમલો કરનારા હુમલાખોરોમાંથી એકની તસવીર સામે આવી છે. જેમાં આતંકવાદી હાથમાં હથિયાર અને પઠાણી સૂટ પહેરેલો જોવા મળે છે. સુરક્ષા એજન્સીઓએ આ ફોટા સાથે સંકળાયેલા તમામ શંકાસ્પદોની તપાસ શરૂ કરી દીધી છે. આ ફોટો હુમલા દરમિયાન લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે અને તે પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ એક આતંકવાદીનો છે. આતંકવાદીએ હાથમાં હથિયાર છે અને તેણે પઠાણી સૂટ પહેર્યો છે. જોકે આ ફોટો આતંકવાદીની પાછળથી લેવામાં આવ્યો છે, પરંતુ તે સુરક્ષા દળો માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે. આ તસવીર જમ્મુ અને કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સેનાને ગઈકાલે મોડી રાત્રે 1-2 વાગ્યાની આસપાસ મોકલવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આને ધ્યાનમાં રાખીને, સમાન ઊંચાઈના બધા શંકાસ્પદોની તપાસ કરો અને માહિતી એકત્રિત કરો.


ખોખલા દાવા કરવાને બદલે નક્કર પગલાં લોઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા અંગે ગૃહમંત્રી અમિત શાહ, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તારિક કારા સાથે વાત કરી હતી. રાહુલ ગાંધી હાલમાં અમેરિકાના પ્રવાસે છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું "પીડિત પરિવારો ન્યાયને પાત્ર છે અને અમને તેમનો સંપૂર્ણ ટેકો છે." તેમણે આ હુમલાની સખત નિંદા કરી, તેને આઘાતજનક અને કાયરતાપૂર્ણ ગણાવ્યો. કોંગ્રેસ પાર્ટીએ સરકારને પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે તેવા ખોટા દાવાઓ કરવાથી દૂર રહેવાની માંગ કરી હતી. પાર્ટીએ રાજકીય પક્ષોને વિશ્વાસમાં લેવા અને ભવિષ્યની રણનીતિ ઘડવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવાની પણ માંગ કરી છે.


આ રીતે પ્રવાસીઓની હત્યા અને ઇજા એક હૃદયદ્રાવક અને અત્યંત નિંદનીય ઘટના છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application