ખંભાળિયા શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા વિવિધ પ્રકારના વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અહીંના ચાર રસ્તા, પોરબંદર રોડ વિસ્તારમાં હાથ ધરવાની થતી વિવિધ પ્રકારની કામગીરી વચ્ચે નડતરપ એવા દબાણને દૂર કરવા જે - તે આસામીઓને નગરપાલિકાએ નોટિસ પાઠવી છે. આશરે બે ડઝન જેટલા લોકોને પાઠવવામાં આવેલી નોટિસ અમુક આસામીઓએ પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કર્યા છે.
ખંભાળિયા શહેરમાં આવેલા મિલન ચાર રસ્તાથી આગળ ટાઉન હોલથી પોરબંદર રોડ તરફ જતા રસ્તે નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં નગરપાલિકા ગટર, સ્ટ્રીટ લાઈટ, ડ્રેનેજ સિસ્ટમ વિગેરેની કામગીરી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અહીં ઘણા વર્ષોથી કેટલાક આસામીઓએ રહેણાંક, કોમર્શિયલ અને કમ્પાઉન્ડ વોલના રૂપે દબાણો કર્યા છે. આથી આવા દબાણો દૂર કરવા માટે નગરપાલિકાએ આશરે ૨૫ જેટલા આસામીઓ સામે નોટિસો ઇસ્યુ કરી છે. જેમાં નિયત સમય મર્યાદામાં જો આવા દબાણો જે-તે આસામીઓ જો સ્વૈચ્છિક રીતે દૂર નહીં કરે તો નગરપાલિકા આગામી દિવસોમાં તેઓના ખર્ચે અહીં બુલડોઝર ફેરવશે.
આ બાબતને ધ્યાને લઈને અનેક લોકોએ જેસીબી જેવા સાધનોથી પોતાના આવા દબાણો દૂર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અનેક આસામી વર્ષોથી વંડાઓ અને જગ્યાઓ વાળી લીધી છે. ત્યારે નગરપાલિકાની નોટિસ બાદ આવા દબાણકારોમાં ફડાટની લાગણી પ્રસરી જવા પામી છે.
આગામી દિવસોમાં નગરપાલિકા અત્રે ચાર રસ્તા નજીક આવેલા સિનેમા નજીક તેલી નદીના પુલથી પોરબંદર રોડ સુધીના વચ્ચેના માર્ગ પરના દબાણો દૂર કરશે. અહીંનો શોર્ટકટ વાહન ચાલકો માટે સુવિધારૂપ બની રહેશે.