જસદણના કોઠી ગામે જુની અદાવત સબબ માતા-પુત્રને પાડોશી દંપતીએ મારમાર્યો

  • April 04, 2025 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણ તાલુકાના કોઠી ગામે માતા પુત્રને પાડોશમાં રહેતા દંપતીએ જૂની અદાવત સબબ મારમાર્યો હતો. જ્યારે જેતપુર તાલુકાના ચાંપરાજપુર ગામે 80 વર્ષના વૃદ્ધા અને તેના પુત્રને ગામમાં જ રહેતા પિતા-પુત્રોએ મારમાર્યાની જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


જસદણ તાલુકાના કોઠી ગામે રહેતા ભારતીબેન ભગવાનભાઈ મકવાણા(ઉ.વ ૪૦) દ્વારા જસદણ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં કોઠી ગામ જ રહેતા ભારત રણછોડભાઈ હાંડા અને તેની પત્નીના નામ આપ્યા છે.


પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની શેરીમાં જ રહેતા ભરતભાઈ હાંડા સાથે તેમને 15 વર્ષથી વાંધા તકરાર ચાલતી હોય દરમિયાન ગઈકાલ સાંજના પરિણીતા કોઠી ગામથી કનેસરા ગામ તરફ કાચા રસ્તે તરબૂચ લેવા માટે તે તથા તેમનો પુત્ર જયદીપ ઇકો ગાડી લઈને જતા હતા ત્યારે રસ્તા પર ભરત અને તેની પત્ની બાઇક લઈને આવતા હતા ભરતે ગાડી એક બાજુ ઊભી રાખવાનું કહેતા ફરીયાદીના પુત્ર જયદીપે ગાડી ઉભી રાખી હતી. બાદમાં ભરત જયદીપને ખેંચી તેની સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. ભરતની પત્નીએ ફરિયાદીને ગાળો આપી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને વાળ ખેંચવા લાગી હતી. દરમિયાન અહીં લોકો એકત્ર થતાં છૂટા પાડ્યા હતા. ભરતે જયદીપને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ફરિયાદી તથા તેમનો પુત્ર સારવાર માટે હોસ્પિટલ ગયા હતા બાદમાં આ મામલે પોલીસ સ્ટેશનમાં આ દંપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


મારામારીના અન્ય એક બનાવમાં જેતપુર તાલુકાના ચાંપરાજપુર ગામે કણબીપરા વિસ્તારમાં રહેતા પુરીબેન વલ્લભભાઈ વઘાસિયા (ઉ.વ. 80) નામના વૃદ્ધાએ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નાથાભાઈ કાનજીભાઈ વઘાસિયા, સંજય નાથાભાઈ વઘાસિયા, પારૂલ સંજયભાઈ વઘાસિયા (રહે. બધા ચાંપરાજપુર) ના નામ આપ્યા છે. ફરિયાદી જણાવ્યું હતું કે, તેમને પોતાની વાડીએ ઉકરડો કરેલ હોય જેના પર આરોપીઓએ બેલા નાખતા જે બાબતે નાથા વઘાસિયાને સમજાવવા જતા બોલાચાલી કરી હતી. બાદમાં આ ત્રણેય શખસોએ ફરિયાદીના પુત્ર રમેશભાઈ સાથે ઝઘડો કરી સંજય ઢીકાપાટુનો માર માર્યો હતો તથા પારૂલે વૃદ્ધાને માથાના ભાગે લોખંડનો પાઇપ મારી દીધો હતો જેથી આ અંગે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application