તારાણા ટોલનાકા નજીક ઇકોમાંથી વિદેશી દારુ સાથે સગીર સહિત ૩ ઝબ્બે

  • June 04, 2025 10:50 AM 

એલસીબી ત્રાટકી : મેથાણ ગામમાં શરાબના ૯૨ ચપટા સાથે એક પકડાયો : કુલ બે શખ્સ ફરાર

જોડીયાના તારાણા ગામના ટોલનાકા નજીક એલસીબીની ટુકડીએ ઇકો કારને આંતરીને ઇંગ્લીશ દારુની ૨૬ બોટલ સહિત ૨.૭૯ લાખના મુદામાલ સાથે એક સગીર અને મોરબીના બે શખ્સને પકડી લીધા હતા જેમાં સપ્લાયરનું નામ ખુલ્યુ હતું. આ ઉપરાંત શેઠવડાળાના મેથાણ ગામની સોસાયટી વિસ્તારમાં સ્થાનીક પોલીસે દરોડો પાડીને અંગ્રેજી દારુના ૯૨ ચપટા સાથે એક શખ્સને પકડી લીધો હતો જેમા એકનું નામ ખુલ્યુ હતું. 

જામનગર એલસીબી પીઆઇ અને પીએસઆઇના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ધ્રોલ, જોડીયા વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા ત્યારે સ્ટાફના અજયભાઇ તથા ભયપાલસિંહને મળેલ બાતમી આધારે જોડીયા તાલુકાના તારાણા નજીક ટોલનાકા પાસેથી મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે દિલ્હી દરબારવાળી શેરીમાં રહેતા એજાજ સલીમ ભટ્ટી અને મોરબી લાતી પ્લોટ શેરી નં. ૩માં રહેતા અક્ષય રાજુ પંડયા તેમજ એક કાયદાથી સંઘર્ષીત કિશોરના કબ્જામાંથી ઇંગ્લીશ દારુની ૨૬ બોટલ તથા ૩ મોબાઇલ અને ઇકો ગાડી મળી કુલ રુ. ૨,૭૯,૬૯૦નો મુદામાલ જપ્ત કર્યો હતો, દારુ સપ્લાય કરનાર મોરબીના વિરુભાઇનું નામ ખુલ્યુ હતું. 

જ્યારે બીજા દરોડામાં લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ પીઆઇ વી.એસ. પટેલની સુચનાથી શેઠવડાળાના એએસઆઇ રઘુવીરસિંહ અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે વરજાંગભાઇ, રાજવીરસિંહને બાતમી મળેલ કે મેથાણ ગામમાં રહેતા લલીત ગીરધર બાબરીયા નામનો શખ્સ પોતાના રહેણાંક મકાને ઇંગ્લીશ દારુનો જથ્થો વેચાણ અર્થે રાખ્યો છે, જે હકીકત આધારે દરોડો પાડીને અંગ્રેજી દારુ વોડકાના ૯૨ ચપટા તથા એક મોબાઇલ મળી કુલ રુ. ૧૪,૨૦૦ ના મુદામાલ સાથે તેને પકડી લીધો હતો, જયારે રાજકોટના અનિલ ભાસ્કરનું નામ ખુલ્યુ હતું. બંનેની સામે પ્રોહીબીશન મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application