આઝાદી પૂર્વેના કાળમાં એટલે કે, રાજાશાહીના સમયમાં રાત્રે એક પોકાર બધાને સાંભળવા મળતી હતી : આજે ૨૧મી સદીના આધુનિક યુગમાં ફરી રીટેક
રાજાશાહીના વખતમાં લોકો રક્ષણ માટે રાત્રી પહેરો ભરતા હતા આજના આધુનીક યુગમાં જયારે અનેક રીતે સાધનો ઉપલબ્ધ છે ખાસ કરીને સીસી કેમેરા અને માનવ વસાહતો ચારેબાજુ જોવા મળી રહી છે આવી સ્થીતી વચ્ચે પણ પોતાને જાનમાલના રક્ષણ અને સુરક્ષા માટે પણ પ્રજાને રાત ઉજાગરા જાતે કરવા પડે એવી સ્થીતી હાપા રોડ પર આવેલ ક્રિષ્ના ટાઉનશીપમાં જોવા મળી રહી છે, આ વિસ્તારમાં ઘણા સમયથી નિસાચરોની બેફામ રંઝાડથી કંટાળી ગયેલા સોસાયટીના લોકો દ્વારા જાતે જ રાત ઉજાગરા કરીને પહેરો ભરી રહયા છે અને અન્ય લોકોને પણ આ બાબતે જાગતે રહો... એવો લોક જાગૃતીનો સંદેશ આપી રહયા છે.
જામનગરના હાપા વિસ્તારમાં ક્રિષ્ના ટાઉનશીપ સહિતની સોસાયટીઓ આજુબાજુમાં આવેલી છે અને ત્યાં મોટી સંખ્યામાં માનવ વસાહત જોવા મળી રહી છે ક્રિષ્ના ટાઉનશીપ વિસ્તારમાં ઘણા સમયથી ખાસ કરીને રાત્રીના સુમારે કેટલાક શકમંદોની ચહલ પહલથી સોસાયટી વિસ્તારના લોકોમાં એક જાતની ભયની લાગણી ફેલાઇ છે, અમુક વિસ્તારમાં કેટલાક પગપાળા શકમંદો ચોરીના ઇરાદે અને કેટલાક વિસ્તારમાં ગાડી લઇને આંટાફેરા કરતા હોવાનું ઘ્યાને આવ્યું છે આમ આ વિસ્તારમાં તસ્કરોની રંઝાડ હોવાનું ઘ્યાને આવતા લોકો દ્વારા આ મામલે લગત પોલીસમાં જીઆરડી જવાનો ફાળવવા અને પોલીસ પેટ્રોલીંગ માટે માંગ કરવામાં આવી હતી અને અગાઉ આ મામલે લેખીત રજુઆત કરી હતી. જો કે કોઇ પગલા લેવામાં નહી આવતા અને બીજી તરફ શકમંદોની રાત્રીના સુમારે અવર જવર વધી જતા આ વિસ્તારના લોકો દ્વારા જાતે સુરક્ષા કરવાનો નિર્ણય લેવાયો હતો.
ક્રિષ્ના ટાઉનશીપ અને બાજુની સોસાયટી વિસ્તારના લોકો દ્વારા પોતાના જાનમાલનું રક્ષણ કરવા રાત્રીના લાકડીઓ સાથે પહેરો ભરવામાં આવે છે અને રાત ઉજાગરા કરવામાં આવે છે, રાત્રીના સોસાયટી વિસ્તારના નકકી કરેલા લોકો જાગે છે અને સોસાયટીનું સુરક્ષાના મામલે રક્ષણ કરવા કેટલાક નવયુવકો આ વિસ્તારમાં ચોકીદારી કરી રહયા છે.
આજુબાજુની સોસાયટીમાં ચોરી કે અન્ય કોઇ બનાવ ન બને એ માટે સુરક્ષાના ભાગપે ક્રિષ્ના ટાઉનશીપ વિસ્તારના લોકો દ્વારા જાતે પહેરો ભરીને સુરક્ષા કરવામાં આવી રહી છે અને સોસાયટીમાં પ્રવેશતી વખતે દરવાજો બંધ રાખવો એવી સુચના પણ આપવામાં આવી છે, ખાસ કરીને અજાણી વ્યકિત બાબતે સજાગ રહેવા અને સાવચેતી રાખવા પણ જણાવાયું છે.
ક્રિષ્ના ટાઉનશીપ અને બાજુની સોસાયટી વિસ્તારમાં લોકો દ્વારા રાત્રીના સુમારે જાગરણ કરીને પોતાની સુરક્ષા કરી રહયા છે જાગતે રહો... સાવધાન રહો જેવી લોક જાગૃતી અહીં જોવા મળી રહી છે એ અન્ય લોકોને પણ એક સંદેશ આપી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરની ભાગોળે આવેલ વિભાપર વિસ્તારમાં પણ જાગતે રહોની જેમ લોકો રાત્રીના જાગીને પોતાના વિસ્તારનો પહેરો કરી રહયા છે હવે ક્રિષ્ના ટાઉનશીપ વિસ્તારમાં પણ રાત્રી પહેરો કરતા આ વિસ્તારના લોકો જોવા મળી રહયા છે.