ભીલવાસમાં નામચીન બુટલેગરના ગેરકાયદે બાંધકામ પર પોલીસે બુલડોઝર ફેરવી દીધું

  • April 02, 2025 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસ વડાએ આપેલા આદેશ બાદ રાજયભરની પોલીસ અસમાજિક તત્વો સામે આક્રમક કાર્યવાહી કરી છે.ત્યારે રાજકોટમાં ગઇકાલે શહેરના ભીલવાસ વિસ્તારમાં રહેતા નામચીન બુટલેગર મુન્નાની બે ગેરકાયદે ઓરડીઓ તોડી પાડવામાં આવી હતી. આ ઉપરાંત અહીં વીજ કનેકશન પણ ગેરકાયદે હોવાનું સામે આવતા આ કનેકશન કટ કરી દેવામાં આવ્યું હતું.


પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની સૂચના હેઠળ ગઇકાલે ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા,એસીપી રાધીકા ભરાઇ તથા પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી.આર.વસાવા તેમજ ટીમ ભીલવાસ શેરી નં.2માં પહોંચી હતી, તે સાથે જ મહાનગર પાલિકાનું બુલડોઝર અને પીજીવીસીએલની ટીમ પણ સ્થળ પહોંચી હતી. પીજીવીસીએલની ટીમે એ વિસ્તારનો વીજળી પ્રવાહ અટકાવી દીધો હતો. મનપાનું બુલડોઝર કુખ્યાત બૂટલેગર નજીર ઉર્ફે મુન્ના અલ્લારખા ઠાસરિયા(ઉ.વ ૪૮ ) ના ઘર પાસે પહોંચ્યું હતું અને નજીરના મકાનનો કડૂસલો બોલાવી દીધો હતો.

નામચીન બૂટલેગરના ઘરના ડિમોલિશનના પગલે અહીં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા, કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નજીર ઉર્ફે મુન્નો ઠાસરિયા દારૂના છ ગુનામાં સંડોવાયેલો હતો અને તેણે મકાનમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોય તેને હટાવવામાં આવ્યું હતું.આ શખસે અહીં ગેરકાયદે વીજ કનેકશન લીધુ હોવાનું સામે આવતા પીજીવીસીઅલની ટીમને સાથે રાખી વીજ કનેકશન પણ કટ કરી દેવાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જંગલેશ્વરમાં ડ્રગ્સ પેડલર રમાના પતિની ગેરકાયદે મિલકત પર ત્યારબાદ ભિસ્તીવાડમાં કુખ્યાત માજીદ ઉર્ફે ભાણુના મકાનને ધરાશાયી કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application