હાર્ટલી સોરી: સિવિલમાં હૃદયનું નિદાન બંધ છે, દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા મજબુર

  • May 20, 2025 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં સુપર સ્પેશ્યાલીટી સેવાઓ સાથે મેડિસિટી બનાવવાની મસમોટી વાતો વચ્ચે રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ મહિનાથી કાર્ડિયોલોજિસ્ટ ન હોવાથી હદયની સારવાર બંધ પડી છે. જેના કારણે હાર્ટ સંબંધી દર્દીઓને સિવિલના તબીબો હાર્ટલી સોરી કહી પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા માટે જણાવી રહ્યા છે.


ખ્યાતિકાંડ બાદ સરકાર દ્વારા પીએમજેએવાય યોજનાની નવી માર્ગદર્શિકા અને જાહેર કરવામાં આવતા ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબોનું એક જગ્યાએ પીએમજેએવાય યોજનામાં નામ હોય તે બીજી જગ્યાએ આ યોજના હેઠળ કામગીરી કરી ન શકે જે નિર્ણયથી સીવીટીએસ સરકારી હોસ્પિટલમાં સીવીટીએસ કરાર આધારિત પ્રેક્ટિસ કરતા કાર્ડિયોલોજિસ્ટએ રિઝાઈન મુકી દેવાની ફરજ પડી છે. જેને લઈને સરકારી હોસ્પિટલમાં એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી જેવી સર્જરી થઇ શકતી નથી. માત્રને માત્ર ઈસીજી, ઇકો જેવા પ્રાથમિક નિદાન થઇ શકે છે. આ કારણે દર્દીઓને હવે ના છૂટકે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાની ફરજ પડી રહી છે.


સિવિલમાં મેડિસિટી બનાવવાની વાત ભેંસ ભાગોળે છાસ છાગોળે જેવી

સરકારના આરોગ્ય વિભાગની નવી એસઓપી મુજબ સરકારી હોસ્પિટલમાં ફૂલ ટાઈમ કાર્ડિયાક સર્જન, કાર્ડિયાક વાસ્ક્યુલર, કાર્ડિયાક ફિઝિયોથેરાપિસ્ટ, કાર્ડિયાક એનેસ્થેટિસ્ટ હોવા ફરજિયાત છે આ ઉપરાંત સ્ટાન્ડર્ડ કેથલેબ હોવી જરૂરી છે. સરકારી હોસ્પિટલમાં સરકાર દ્વારા જરૂરી ઇકવીપમેન્ટ સહિતની સુવિધા ઉપલબ્ધ થઇ શકે છે. પરંતુ કાર્ડિયાકની તબીબી ટીમ મળવી હાલની સ્થિતિએ ખુબ મુશ્કેલ છે. કારણ કે રાજ્યમાં કાર્ડિયાક સર્જનની સંખ્યા જરૂરિયાતથી ઓછા પ્રમાણ છે. આથી મોટાભાગની સિવિલ હોસ્પિટલમાં કાર્ડિયાક સર્જન અને જરૂરી ટીમ ન હોવાથી પીએમજેએવાય યોજનાના પેકેજમાં સરકારને વીમા કંપનીમાં ખોટ પડી રહી છે. સાથે સાથે દર્દીઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે રાજકોટ સિવિલમાં સુપરસ્પેશ્યાલીટી બ્લોક અને કેથલેબ જેવી અદ્યતન સુવિધા હોવા છતાં કાર્ડિયાક સહિતના તબીબો ન હોવાથી હાલ તો સિવિલમાં મેડિસિટી બનાવવાની વાત ભેંસ ભાગોળે છાસ છાગોળે જેવી છે.


પ્રાઇવેટ પ્રેક્ટિસમાં લાખોનું પેકેજ મેળવતા

કાર્ડિયોજિસ્ટ સરકારના 75 હજારના પગારમાં ક્યાંથી આવે ?

સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં કરાર આધારિત કાર્ડિયાક ફૂલ ટાઈમ સેવા આપે તો તેમને રૂ.75 હજાર પગાર + પીએમજેએવાય યોજના અંતર્ગત ઈન્સેન્ટિવ આપવામાં આવે છે. બંન્ને મળી સરેરાસ મહિને એકથી સવા લાખ જેટલી રકમ મળે છે. જયારે પ્રાઇવેટ પ્રેક્ટિસ દરમિયાન એક દર્દીનું 1 થી 1.5 લાખનું બિલ બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય હોસ્પિટલ્સમાં કન્સલન્ટન્ટ તરીકે બે થી ત્રણ કલાકનો સમય આપવાની સાથે ઓટી કરવામાં આવે એ વધારાનો બેનિફિટ મેળવે છે. એકદંરે સરકારી પગારથી ત્રણ થી ચાર ગણા પૈસા કમાઈ રહ્યા છે. આથી સરકારી હોસ્પિટલમાં નિયમોની લગામ સાથે સેવા આપવાને બદલે પ્રાઇવેટ પ્રેક્ટિસને જ તબીબો મુનાસિફ માની રહ્યા છે. બીજી બાજુ ઈન્સેન્ટિવની રકમ પણ સમયે મળતી ન હોવાની પણ ફરિયાદો સાંભળવા મળી છે. જો કે યુ.એન.મહેતાના સ્પેસ્યાલીસ્ટને જે રકમ ચૂકવવામાં આવે છે એ રકમ રાજકોટના સ્પેશિયાલિસ્ટને ચૂકવવામાં આવે તો પણ સંભવત તબીબો સિવિલમાં કામ કરવા તૈયાર થઇ શકે છે.


સિવિલમાં 100ની ઓપીડી અને 30થી વધુ સર્જરી ઠપ્પ

પીએમએસએસવાય બ્લોકમાં સુપરસ્પેશ્યાલીટી સેવા શરૂ કરવામાં આવી ત્યારે પણ કેથલેબ શરૂ કરવાને લઈને લગભગ એકાદ વર્ષ જેટલો સમય કાઢી નાખવામાં આવ્યો હતો. જેને લઈને જે તે સમયે કરાર આધારિત કાર્ડિયોલોજિસ્ટએ કંટાળીને રિઝાઈન આપી દીધું હતું. બાદમાં કેથલેબ શરૂ થયા બાદ કાર્ડિયાક તરીકે ડો.મનદીપ ટીલાળા વિભાગ સંભાળ્યો હતો અઠવાડિયામાં બે વાર ઓપીડીમાં 100 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવતી હતી તેમજ મહિનામાં 30થી વધુ સર્જરી કરવામાં આવતી હતી. પરંતુ ખ્યાતિકાંડ બાદ પીએમજેએવાય યોજનાના નિયમો બદલાતા ડો.ટીલાળાએ પણ દોઢેક મહિના પહેલા રિઝાઈન આપી દેતા હાલ કાર્ડિયાક વિભાગ ઠપ્પ પડ્યો છે. જેને લઈને દર મહિને 15 થી 20 લાખના પીએમજેએવાયના પેકેજમાં પણ સરકારને ખાડો પડ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News