રાજકોટમાં એટલાન્ટિસના છઠ્ઠા માળે ફ્લેટ પાસે કેમિકલના ડબલા મળ્યા, બાજુમાં પ્લાય શીટ સળગી ને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યાનું અનુમાન

  • March 15, 2025 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં છઠ્ઠા માળે આગ લાગી હતી.આગ અહીં ફલેટના પેસેજ એરિયામાં લાગી હતી.અહીં સામસામે એક જ માલિકના બે ફલેટ આવેલા હોય જેમાં ફર્નિચર કામ ચાલતુ હતું.જોકે, કાલે કામ બંધ હતું.પરંતુ અહીં કેમિકલના ડબલા મળી આવ્યા હોય જેથી આગ લાગી ત્યારે અહીં પડેલા કેમિકલ અને કદાચિત પ્લાયની શીટ પણ પડી હોય જે આગમાં સળગી ગયાની શંકા સેવાઇ રહી છે.જેના લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધાનું અનુમાન લાગાવવામાં આવી રહ્યું છે.


દોઢસો ફૂટ રિંગરોડ પર બીગ બજાર સામે આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગ્યાની સવારે ૧૦:૧૭ કલાકે જાણ થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ તાકીદે અહીં દોડી ગયો હતો.અહીં આગ અહીં ડી-વીંગમાં છઠ્ઠા માળે આવેલા ફલેટ નં.૬૦૩ અને ૬૦૪ ની વચ્ચે આવેલા પેસેજ એરિયામાં લાગી હતી.થોડીવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.ધુમાડાના ગોટેગેટાથી અહીં ફલેટમાં રહેતા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.


આગની આ ઘટનામાં પાંચ વ્યકિત દાઝી ગયા હોય તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાવમાં આવ્યા હતાં.જયાં ફરજ પરના તબીબે પ્રવિણ ઉર્ફે અજય ખીમજીભાઇ મકવાણા(ઉ.વ ૩૧ રહે. વીર સાવરકરનગર,રાજકોટ), કલ્પેશ પીઠાભાઇ લેવા(ઉ.વ ૩૧) અને તેનો ભત્રીજો મયુર લેવા(ઉ.વ ૨૧ રહે. બંને મૂળ પસવાળા ઉના,ગીરસોમનાથ હાલ, ન્યુ અંબિકા પાર્ક શરી નં.૫ સાધુવાસવાણી રોડ, રાજકોટ) ને મૃત જાહેર કર્યા હતાં.


અગ્નિકાંડની આ ઘટના બાદ આજકાલની ટીમે અહીં સ્થળ પર પહોંચી તપાસ કરતા જયાં આગ લાગી હતી તે પેસેજ એરિયામાં કેમિકલના સળગેલા ડબ્બા મળ્યા હતાં.જે ફર્નીચર કામ માટે અહીં રાખ્યા હોવાનું અનુમાન લાગવવામાં આવી રહ્યું છે.એટલું જ નહીં બંને ફલેટમાં મોટા પ્રમાણમાં પ્લાયની શીટ જોવા મળી હતી.પેસેજ એરિયામાં પણ પ્લાયની શીટ રાખવામાં આવી હોય અને તે આગમાં ખાખ થઇ ગઇ હોવાની શકયતા નકારી શકાતી નથી. કેમિકલ અને પ્લાયના લીધે આગે થોડીવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હોય શકે.


ચારેય સાથે લિફટમાં ઉપર જતા હોવાનું સીસીટીવી ફુટેજમાં દેખાયું
આગની આ ઘટના બાદ પોલીસે તપાસ કરતા અહીંના સીસીટીવી કેમેરાના ફૂટેજ જોતા આગની આ ઘટનામાં મોતને ભેટનાર ત્રણેય યુવાન અને દાઝી ગયેલી નેપાળી કિશોરી લિફટમાં સાથે ઉપર ગયા હોવાનું સીસીટીવી ફૂટેજમાં દેખાય છે.જોકે બાદમાં આગના લીધે ધુમાળાના ગોટા હોય જેથી બાદમાં કોઇ સ્પષ્ટ ચિત્ર દેખાયુ નથી જેથી લિફટના દરવાજા કયાં ખુલ્યા અને આ લોકો કયારે ઉતર્યા તે સ્પષ્ટ પણે દેખાયું નથી.


અગાસી પર જવાનો દરવાજો બંધ હતો
અહીં બિલ્ડીંગમાં કામ કરનાર વ્યક્તિઓને પૂછતા માલુમ પડ્યું હતું કે, બિલ્ડિંગ પરથી અગાસી પર જવાનું જે રસ્તો છે તે દરવાજો લોક રાખી તેની ચાવી ત્યાં બાજુમાં જ રાખવામાં આવે છે. પરંતુ આગની આ ઘટના બની ત્યારે અહીં ડિલિવરી કરવા માટે આવેલા ડીલિવરી બોય ચાવી અહીં બાજુમાં જ રાખતા હોવાની વાતથી સ્વાભાવિકપણે અજાણ હોય તેઓ ભાગવા માટે પ્રથમ ઉપર ગયા હશે પરંતુ દરવાજો બંધ જોઈ તેઓ પરત નીચે આવતા આગની ચપેટમાં આવી ગયાની શંકા સેવાઇ રહી છે.


નેપાળી કિશોરી આઠમાં માળેથી ઉપર તરફ ભાગતા જીવ બચી ગયો
આગની આ ઘટનામાં સ્વીંગીમાં નોકરી કરનાર પ્રવિણ ઉર્ફે અજય મકવાણા આઠમાં માળે શિલ્પન જવેલર્સ પેઢીવાળા ઝવેરીના ઘરે પાર્સલ ડિલિવરી કરવા માટે ગયો હતો. અહીં તેણે પાર્સલ પણ ડિલિવર કરી દીધું હતું.આ સમયે તેની સાથે લિફટમાં નેપાળી કિશોરી પણ હતી જે અહીં ફલેટમાં ઘરકામ કરનાર મહિલાની નણંદ હોય દરમિયાન લિફ્ટ ખુલતા જ તેમાં ધુમાડો દેખાતા અજય નીચેની તરફ ભાગ્યો હતો જ્યારે કિશોરી ઉપરની તરફ જતા તેનો જીવ બચી ગયો હોવાનું જાણવા મળ્યું છે.


આગની ઘટના બાદ બધા ફ્લેટ ખાલીખમ
ગઈકાલે બનેલી આગની ઘટના બાદ અહીં એટલાન્ટિસ્ટ બિલ્ડીંગના ડિ વિંગના મોટાભાગના ફ્લેટ ખાલીખમ જોવા મળ્યા હતા. ગઈકાલ સવારે બંનેલી આગની ઘટના બાદ અહીં ફ્લેટમાં રહેતા ફ્લેટ ધારકો પોતાના સગા સંબંધીઓના ઘરે રહેવા ચાલ્યા ગયા છે. એક તરફ આગનો ડર બીજી તરફ આગની ઘટના બાદ અહીં વીજળી ગુલ થઈ ગઈ હોય મોટાભાગના ફ્લેટ ખાલીખમ જોવા મળ્યા હતા.​​​​​​​


એક તબક્કે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો
આગજનીના આ બનાવમાં અજય મકવાણાનો મૃતદેહ સ્વીકારવા પરિવારે ઇન્કાર કરી દીધો હતો. સવારે બનેલા બનાવમાં રાત્રે 8.30 વાગ્યાં આસપાસ અજયના પરિવારજનો અને તેમના સગા સંબંધી ઉપરાંત સામાજિક આગેવાનો રાજકોટ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે એકત્ર થયા હતા. એસીપી સહિતના અધિકારીઓએ મૃતદેહ સંભાળવા પરિવારને સમજાવટ કરી હતી. પણ પરિવારે મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કરી દીધો હતો. આ પછી રાત્રે 10 વાગ્યાં આસપાસ રાજકોટના સામાજિક - રાજકીય આગેવાનો લાખાભાઇ સાગઠીયા, નરેન્દ્રભાઈ રાઠોડ, પરેશભાઈ સાગઠીયા, માવજીભાઈ રાખસિયા, અમૃતભાઈ રાઠોડ, રમેશભાઈ મૂછડિયા, જગદીશભાઈ સાગઠીયા, અનિલભાઈ મકવાણા, કરશનભાઇ રાઠોડ વગેરે દ્વારા મૃતક અજયના પરિવારને સમજાવી, પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે તેવી ખાત્રી આપતા મૃતદેહ સ્વીકાર્યો હતો. આગેવાનોએ પોતાની જહેમતથી રૂ.10 લાખનો ચેક મૃતકના પરિવારને સહાયરૂપે આપી સામાજિક ઉત્તરદાયીત્વ નિભાવ્યું હતું.


બિલ્ડિંગમાં કોઇ ફસાયા તો નથી તે જાણવા માટે એસઓજીએ ડ્રોન ઉડાવી તપાસ કરી
એટલાન્ટીસ બિલ્ડીંગમાં આગ લાગી ત્યારે રેસ્ક્યુ ઑપરેશન કરી અનેક લોકોને બહાર કઢાયા હતા. આ સમયે એસઓજીની ટીમ દ્વારા એટલાટીન્સ બિલ્ડીંગ ખાતે પહોંચી પીઆઇ એસ. એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલ. એસઓજી ટીમ દ્વારા બિલ્ડીંગ ખાતે ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું અને વધુ કોઈ વ્યક્તિ બિલ્ડીંગમાં ફસાયેલ નથી ને? તેની તપાસ કરાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application