જામનગર શહેરના વધતા જતી ટ્રાફીકની સમસ્યાને નિવારવા માટે આગામી દિવસોમાં સાતરસ્તાથી લાલબંગલા પરીસરથી રણમલ તળાવને જોડતા ૧૮ મીટરનો રસ્તો બનાવવા કામગીરી કરવામાં આવશે, આઠ જેટલી સરકારી કચેરીઓને પણ અન્યત્ર ખસેડવાની કામગીરી પુરી થઇ ચુકી છે ત્યારે જંગલેશ્ર્વર મહાદેવનું મંદિરનું સ્થળાંતર થાય ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળે છે અને આ અંગે કોર્પોરેશન દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી આરટીઓ કચેરી પાસેથી રણમલ તળાવ સુધી પાછલા રસ્તે ૧૮ મીટરનો રસ્તો બનાવવાની કામગીરી મંજુર થઇ હતી પરંતુ તેનો અમલ કરવામાં આવ્યો ન હતો, તા.૫ સુધીમાં તમામ કચેરીઓનું સ્થળાંતર કરવા મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ આદેશ આપ્યા બાદ વોટર શેડ વિભાગની કચેરીનું પોલીસ હેડ કવાર્ટર પાછળ, એલસીબીનું વોટર શેડ વિભાગની કચેરીમાં, ઝોનલ કચેરી જુની કલેકટર કચેરી પાછળ, નહે યુવા કેન્દ્ર બેડેશ્ર્વર ગર્વમેન્ટ કોલોની, મહીલા બાળ વિભાગ પોલીસ હેડ કવાર્ટર પાછળ, જિલ્લા આયોજન કચેરી સેન્ટ્રલ બેંક પાસે શાળા નં.૧ નજીક અને જંગલેશ્ર્વર મહાદેવનું મંદિર કે જે ગર્વમેન્ટ કોલોની પાછળ આવેલું છે તે રસ્તાથી દુર નજીકમાં સ્થળાંતર કરવાનું થશે ત્યારે આ કાર્યવાહી શરૂ થયા બાદ ડીમોલીશનની આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળે છે.
આ ઉપરાંત રાજવી વિભા જામના શાસનકાળમાં બનેલા એક દંડીયા મહેલને ઐતિહાસિક ઇમારત તરીકે જાળવી રાખવા આગામી સમયમાં ભુજીયા કોઠા અને લાખોટા મહેલના ડેવલપમેન્ટ પ્રોજેકટની માફક પુરાતત્વ વિભાગ સાથે એમઓયુ કરવામાં ત્યારબાદ રણમલ તળાવમાં વોકીંગ, જોગીંગ અને સાયકલ ટ્રેક સાથેના નવા બનેલા એક દંડીયા મહેલને રજૂ કરાશે. રાજાશાહી સમયની હાલ પોલીસની એમઓવી કચેરીને જાળવી રખાશે અને લગભગ જુન સુધીમાં આ તમામ પાડતોડ કરીને નવો રસ્તો બનાવવામાં આવશે તેમ જાણવા મળે છે.