ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવવાનો પ્રયાસ કરશે તો સરકારનું બુલડોઝર ચાલશે જ. તેમણે કહ્યું કે અસામાજિક તત્વો પર લેવાયેલા કડક પગલાંથી ખુશ થવાને બદલે વિપક્ષ દુઃખી થાય છે.
ગૃહ વિભાગના બજેટ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે આ બજેટ મુખ્ય પાંચ સ્તંભો SHIELD પર આધારિત છે, જે ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષાની પરિસ્થિતિને વધુ વેગ આપશે. તેમણે ડ્રગ્સ અંગે ફરિયાદ કરવા માટે એક ખાસ હેલ્પલાઇન નંબર ટૂંક સમયમાં જાહેર કરવાની વાત કરી, જેમાં આવેલી ફરિયાદો પર થયેલી કાર્યવાહીનું મોનિટરિંગ મુખ્યમંત્રી કક્ષાએથી થશે.
આ ઉપરાંત ગુજરાત પોલીસ તાલીમ અકાદમી, કરાઈ ખાતે રૂ. 100 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું અતિ આધુનિક ઓલમ્પિક ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવશે. ગૃહ વિભાગની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર થઈ છે. ગૃહ રાજ્યમંત્રીના આ નિવેદનો દર્શાવે છે કે રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છે.
ગૃહ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચાનો વિધાનસભામાં જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં એક શાંત અને પ્રગતિશીલ રાજ્ય તરીકેનું બહુમાન મેળવતું રહ્યું છે. ગુજરાત અને ગુજરાતની પ્રજાએ સમગ્ર વિશ્વમાં વિકાસના પાયા પર રચાયેલી આર્થિક સદ્ધરતા અને શાંત-સુખી જનજીવનનો આદર્શ ઉદાહરણ પૂરૂ પાડયું છે, તેનો સૌથી મોટો શ્રેય ગુજરાતમાં રહેલા કાયદો અને વ્યવસ્થાની સુગમ, સુરક્ષીત અને શાંતિપૂર્ણ પરિસ્થિતિ છે.
મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, ગુજરાતના ગલી-રસ્તાઓને અસામાજિક તત્વો બાનમાં લે ત્યારે લુખ્ખા તત્વોને પોલીસનો ડર નથી તેવા આક્ષેપો કરવા લાગતા વિપક્ષના સભ્યો, જ્યારે ગુજરાત પોલીસ દ્વારા આવા તત્વોને પકડીને વરઘોડા નિકાળવામાં આવે કે આવા તત્વોએ સરકારની રિઝર્વ જગ્યાઓ પર ઉભા કરી દીધેલા મકાન-ચાલીઓ પર બુલડોઝર ફેરવવામાં આવે ત્યારે વિપક્ષનો સુર બદલાઇ જાય છે. જે લોકો રાત્રે લુખ્ખા તત્વો લાગતા હતા તે જ લોકો વિપક્ષને સવારે ગરીબ દેખાય છે. રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તેની પર દાદાનું બુલડોઝર તો ફરશે જ, આવા ટપોરીઓ પર લેવાયેલા કડક પગલાંથી ખુશ થવાને બદલે વિપક્ષ દુ:ખી થાય છે. ઘટનાનાં કલાકોમાં જ અસામાજિક તત્વોને પકડીને તેની શાન ઠેકાણે લાવવામાં આવી છે. શહેરના રસ્તાઓને બાનમાં લેનારા આવા તત્વોને જે ભાષામાં સમજ પડતી હતી, તે ભાષામાં ગુજરાત પોલીસે કાયદાની મર્યાદામાં સમજાવ્યા છે. અને હજુ પણ આવા તત્વો સામે ગુજરાત પોલીસ આ જ પ્રકારે કડક પગલા લેશે.
સમગ્ર દેશમાં સૌથી વધારે ડ્રગ્સ પકડનાર રાજ્ય ગુજરાત છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે ડ્રગ્સ સામે રીતસરની જંગ છેડી છે ત્યારે મંત્રીશ્રીએ કહ્યુ કે, આગામી ટુંક સમયમાં એક હેલ્પલાઇન નંબર જાહેર કરવા નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્યના કોઇ પણ ખૂણેથી કોઇ પણ નાગરિક ડ્રગ્સની નાનામાં નાની માહિતી ગુપ્ત રીતે આપી શક્શે. આ તમામ માહિતી અંગે થયેલી કાર્યવાહિનું મોનિટરીંગ છેક મુખ્યમંત્રીશ્રી કક્ષાએથી થશે. શ્રી ભૂપેન્દ્ર પટેલ આપણા મુખ્યમંત્રી બન્યા ત્યારથી ત્રણ વર્ષના સમયગાળામાં ૧,૮૧૨ ગુનાઓમાં રૂ.૮,૫૪૭/-કરોડના મુદ્દામાલ સાથે ૨,૫૬૪ આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. આ ૨,૫૬૪ આરોપીઓ પૈકી ૧૦૫ વિદેશી છે.
ગત નાણાકીય વર્ષની સરખામણીમાં આ વર્ષે બજેટમાં ગૃહ વિભાગની જોગવાઈઓમાં રૂ.૨,૨૮૧/- કરોડનો વધારો (૨૨ ટકા) કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગના બજેટમાં દર વર્ષે ઉત્તરોત્તર વધારો કરવા માટે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કરતા મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આ વખતના બજેટમાં સાયબર સિક્યોરિટી અને ટેકનોલોજી પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. આ બજેટ મુખ્ય પાંચ સ્તંભો SHIELD (S-Strengthening the Backbone, H-High-Tech Policing, I-Integrated Command & Control, E-Emergency Response 112 અને LD-Lawful Cyber Defence-Centre of Excellence for Cybersecurity) આધારીત છે. આ પાંચ સ્તંભો ગુજરાતની શાંતી, સલામતી અને સુરક્ષાની પરીસ્થિતિને વેગ આપશે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, અમે પોલીસને મજબુત બનાવવા તેની ક્ષમતા વધારવા ભાર મુકીએ છીએ. પોલીસ ફોર્સની માત્ર સંખ્યા ન વધે, પરંતુ તેની Size સાથે Skill (કદ સાથે કુશળતા) વધારી પોલીસકર્મીઓની Capacity Building પર ભાર મૂકવામાં આવે તેવું આયોજન અમારી સરકારે કર્યુ છે. એટલુ જ નહિ, વિકસીત ગુજરાત-૨૦૪૭ મિશન અંતર્ગત ગુજરાત પોલીસ તાલીમ અકાદમી, કરાઈ, ગાંધીનગર ખાતે રૂ.૧૦૦ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું અતિ આધુનિક ઓલમ્પિક ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવનાર છે.
સ્માર્ટ પોલીસ સ્ટેશન અંગે મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, સમગ્ર દેશના સૌ પ્રથમ સેમી કંડકટર યુનીટ સ્થાપિત થનાર છે, તે ધોલેરા અને સાણંદમાં સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવવા ચાલું વર્ષે બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે. ઈકોફ્રેન્ડલી એન્વાર્યમેન્ટ ધરાવતા સુવિધાયુકત, લેટેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર અને ટેકનોલોજીથી સજ્જ અને મહિલા વર્ક ફોર્સયુકત સ્માર્ટ પોલીસ સ્ટેશનનું નિર્માણ થશે.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યુ કે, આજના ટેકનોલોજીના યુગમાં અદ્યતન ટેકનોલોજીની મદદથી સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફીક વ્યવસ્થા, સાયબર સીકયુરીટી જેવા અનેક કાર્યો ખૂબ જ ઝડપથી અને પારદર્શક રીતે કરી શકાય તે માટે આપણા રાજ્યની પોલીસના ટેકનિકલ ડેવલપમેન્ટ માટે રૂ.૩૪૩ કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.
વિશ્વાસ પ્રોજેક્ટ અંગે મંત્રીશ્રીએ કહ્યુ કે, VISWAS Project Phase-I અંતર્ગત ૪૧ શહેરના ૧૧૯૨ સ્થળોએ ૭૦૦૦થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા. VISWAS Project Phase-II અંતર્ગત, વધુ ૧૨,૦૦૦ કેમેરા ૨૩૪૭ લોકેશન્સ પર લગાવવામાં આવશે, જે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે. એટલુ જ નહિ, આંતરરાજ્ય ગુનાખોરી નિયંત્રિત કરવા માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દમણ-દિવ, દાદરા અને નગર હવેલી સાથેની ગુજરાતની સરહદના કૂલ ૭૯ એન્ટ્રી / એક્ઝિટ વિસ્તારોમાં કૂલ-૪૧૧ હાઈટેક સી.સી.ટી.વી. કેમેરા સ્થાપિત થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ સંવર્ગની કુલ-૫૯૩ નવી જગ્યાઓ ઉભી કરવામાં આવશે.
વન નેશન, વન હેલ્પલાઇન અંગે મંત્રી શ્રી સંઘવીએ ઉમેર્યુ કે, હાલ સેન્ટ્રલાઈઝડ ઈમર્જન્સી હેલ્પલાઇન નંબર-112નું ગુજરાત રાજયમાં પાયલોટ પ્રોજેકટ તરીકે સાત જીલ્લાઓમાં અસરકારક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે જ સમગ્ર રાજયમાં આ સેવા ઉપલબ્ધ કરી દેવામાં આવશે. જેનાથી તમામ ઈમર્જન્સી હેલ્પલાઇનની સુવિધા હવે એક જ નંબર-૧૧૨ ઉપર ઉપલ્બ્ધ બનશે.
આ બજેટમાં રાજ્યના નાગરિકોને ડિજિટલ ફ્રોડથી બચાવવા માટે અંદાજિત રૂ.૫૦૦ કરોડના ખર્ચે “સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ પ્રોજેકટ” શરૂ કરવા ખાસ પ્રાવધાન કરવામાં આવ્યું છે. તે અંગે મંત્રીશ્રીએ કહ્યુ કે, આ પ્રોજેક્ટ માટે પ્રથમ તબક્કામાં રૂ.૨૯૯ કરોડની બજેટ જોગવાઈ કરી છે. આ પ્રોજેકટ સાયબર ક્રાઈમ સામેની લડાઈમાં ખૂબ જ મહત્વનું સાબિત થશે અને રાજ્યના નાગરિકોને સુરક્ષિત રાખવામાં મદદ કરશે. તેમાં પ્રોએક્ટિવ પોલીસિંગ અને ક્રાઈમ ફોરકાસ્ટિંગ, બિહેવિયરલ પેટર્ન રેકગ્નિશન અને સસ્પેક્ટ પ્રોફાઇલિંગ, રીઅલ-ટાઇમ સાયબર થ્રેટ ડિટેક્શન અને મોનિટરિંગ, ડિજિટલ ફોરેન્સિક્સ, સાયબર ક્રિમિનલ નેટવર્ક્સ ટ્રેકિંગ, ઓગમેન્ટેડ રિયાલિટી (AR), એડવાન્સ્ડ એનાલિટિક્સ અને બિગ ડેટા હેન્ડલિંગ જેવા મહત્વના યુનિટ ઉભા કરવામાં આવશે. આ કામગીરી માટે કુલ-૧,૧૮૬ જગ્યાઓ ઉભી કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ ADGP કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીના સુપરવિઝન હેઠળ કાર્યરત થશે અને તેમાં ૧-DIG, ૪-SP, ૧૨- DySP કક્ષાના પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેકટ રાજયના તમામ શહેરો-જીલ્લાઓને એક સાથે જોડી, તમામ સ્થળે એક સમાન ગુણવત્તાયુકત સેવા મળે તે માટે સંકલન, નિયંત્રણ, દેખરેખ તેમજ માર્ગદર્શન આપશે.
રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ અને ડામવા લેવાયેલા એક્શન પ્લાન અંગે મંત્રીશ્રીએ કહ્યુ કે, નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો દ્વારા બહાર પડાયેલા આંકડા મુજબ ૩૬ રાજ્યો પૈકી ગુજરાત રાજ્યનું સ્થાન ગંભીર ગુનાઓમાં ૩૧ મું, મહિલાઓ વિરૂધ્ધના ગુનાઓમાં ૩૩મું, બાળકો વિરુધ્ધના ગુનાઓમાં ૨૭મું, શરીર સંબંધી ગુનાઓમાં ૩૦મું અને આર્થિક ગુનાઓમાં ૩૩મું સ્થાન છે. ગુજરાત રાજ્યની પાછળ મણીપુર, મિઝોરમ, ચંદીગઢ જેવા નાના નાના રાજ્યો સ્થાન ધરાવે છે. ગુનાખોરી નિયંત્રણમાં રહેવાના ચોક્કસ કારણોમાં આરોપીના વરઘોડા, દાદાનું બુલડોઝર, ફોરેન્સીક, ક્રીમીનલ, ડોક્યુમેન્ટરી તેમજ ડીજીટલ પુરાવાઓને આવરીને થતી તટસ્થ અને પારદર્શક તપાસો, ક્રાઇમ પ્રિવેન્શન-ડિટેક્શનમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ, કન્વિક્શન ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ, અસરકારક નાઇટ પેટ્રોલીંગ, વિશ્વાસ જેવા પ્રોજેકટ્ના માધ્યમથી સી.સી.ટી.વી. મોનીટરીંગ જેવા અનેક પગલાઓ છે. ગુજરાત પોલીસે બે વર્ષમાં ૪૪૮૧ આરોપીઓ સામે પાસા કરી છે. ૨૪૮ ખુંખાર આરોપીઓ સામે ગુજસીટોક દાખલ કરી છે. ૯૩૮૮ નાસતા ફરતા આરોપી પકડ્યા છે.
મહિલા સુરક્ષા અંગે મંત્રીશ્રીએ કહ્યુ કે, રાજ્ય સરકાર મહિલા અને બાળકો વિરૂધ્ધના ગુનાઓમાં ઝીરો ટોલરન્સની નીતિ સાથે કામ કરી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પોક્સો કેસમાં વર્ષ-૨૦૨૨થી ૧૫મી માર્ચ-૨૦૨૫ સુધીમાં નામદાર કોર્ટે ૧,૦૪૪ ચુકાદાઓમાં કડક કેદની સજા કરી છે. તે પૈકી ૬૪૦ આજીવન કેદ અને ૧૧ ફાંસી છે. છેલ્લા ત્રણ વર્ષમાં નોંધાયેલા પોક્સોના ગુનાઓ પૈકી ૫,૯૬૭ કેસમાં ૪૫ દિવસની અંદર ચાર્જશીટ કરી દેવામાં આવી છે. તેમાં પણ માત્ર ૨૪ કલાકથી લઇને ૧૫ દિવસમાં ચાર્જશીટ કરી હોય તેવા ૧૧૦ કેસ છે. સંવેદના સાથે દિવસ-રાત એક કરી બારીક તપાસ કરીને આરોપીઓને ફાંસી સુધીની મહત્તમ સજા કરાવનાર પોલીસ અધિકારી-કર્મચારીઓનું વિશેષ સન્માન કર્યુ છે.
ગેરકાયદેસર દબાણો પર દાદાના બુલડોઝર અંગે મંત્રીશ્રીએ કહ્યુ કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણા રાજ્યમાં આવા ડ્રગ્સ માફીયા, અસામાજિક તત્વો, દાણચોરો અને આતંકવાદી માનસિકતા ધરાવતા લોકો સરકારી જમીનમાં દબાણ ઉભા કરે તેને બિલકુલ ચલાવી લેશે નહિ. ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ અને દાહોદ એમ સમગ્ર રાજ્યમાં ૯૩૭ હેક્ટર વિસ્તારની કુલ ૬,૮૯૧ સાઇટ પરથી અંદાજે રૂ. ૨,૧૫૦ કરોડની જમીન પર ફેલાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છે.
મંત્રીશ્રીએ લવ-જેહાદ ઉપર કહ્યુ કે, ‘લવ જેહાદ’ થી માત્ર ભારત જ ત્રસ્ત નથી. વિશ્વના મોટાભાગના દેશો ‘લવ જેહાદ’ થી ત્રાસેલા છે. અમિત બનીને કોઇ અસલમ પ્રેમ સંબંધ બાંધી બહેન દિકરીના વિશ્વાસ સાથે ખિલવાડ કરે એ ક્યારેય ચલાવી લેવામાં આવશે નહિ. સમાજની બહેન-દિકરીઓની અસ્મિતાનું રક્ષણ કરવાની જવાબદારીમાંથી મોઢું ફેરવવાવાળી આ સરકાર નથી. આ પ્રવૃતિઓને નેસ્તનાબૂદ કરી ધર્મપ્રસારની વૃધ્ધિના મોડસ ઓપરેન્ડીના માધ્યમથી બળજબરીપૂર્વકના લગ્નોને ભૂતકાળ બનાવવાની નેમવાળી આ સરકાર છે. ગૃહ વિભાગની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં દંગાખોરો સામે બુલડોઝર ચાલશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
March 19, 2025 08:22 PMગુજરાતમાં ગરમીનો નવો રાઉન્ડ: 22 માર્ચથી તાપમાનમાં વધારો, હવામાન વિભાગની આગાહી
March 19, 2025 08:00 PMડલ્લેવાલ-પંઢેર સહિત ઘણા ખેડૂત નેતાઓ હિરાસતમાં, શંભુ અને ખનૌરી બોર્ડરની આસપાસ ઇન્ટરનેટ બંધ
March 19, 2025 07:52 PMગીરના સાવજો માટે વન વિભાગની પાણીની વ્યવસ્થા: 500 કૃત્રિમ પોઈન્ટ તૈયાર
March 19, 2025 07:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech