ગોંડલના વાછરા ગામે યુવાન પર ધોકાથી હુમલો : હાથ ભાંગી નાંખ્યો

  • March 28, 2025 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગોંડલના વાછરા ગામે યુવાનને અહીં ગામમાં જ રહેતા પિતા-પુત્ર સહિત ત્રણ શખસોએ ધોકા વડે મારમારી હાથ ભાંગી નાખ્યો હતો. જ્યારે પડધરીમાં યુવાનને ઇકોચાલક સહિત ચાર શખસોએ ઢીકાપાટુ અને લોખંડના સળિયા વડે મારમાર્યો હતો.


ગોંડલમાં વાછરા ગામે રહેતા લાલજી ઉર્ફે લાલો બટુકભાઈ મકવાણા (ઉ.વ 32) નામના યુવાને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં ગામમાં જ રહેતા કરશન ચકુ, કિશન કરશનભાઈ અને ધવલ ગિરધરભાઈના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના એકાદ વાગ્યા આસપાસ તે કરશન સાથે કેરી લેવા બાબતે રામજી મંદિર પાસે ઝઘડો થયો હતો. ત્યારબાદ તે તથા તેનો ભાઈ રોનિક બંને ત્યાંથી જતા રહ્યા હતા. દોઢેક વાગ્યે આસપાસ બંને સ્વામિનારાયણ મંદિર પાસે જતા હતા ત્યારે કરશન તેનો દીકરો કિશન તથા ધવલ અહીં આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, મારા પિતા સાથે કેમ ઝઘડો કર્યો જેથી યુવાનના ભાઈ જીણાએ કહ્યું હતું કે ભૂલ થઈ ગઈ હવે ઝઘડો નહીં કરીએ. આમ કહેતા કિશને ઉશ્કેરાઇ ધોકા વડે હુમલો કરી દીધો હતો તેમજ ધવલ તથા કરશને અને ઢીકાપાટુનો માર માર્યો હતો. દેકારો થતા યુવાનના કાકા દિનેશભાઈ તથા વિપુલભાઈ આવી જતા વધુ મારમાંથી યુવાનને બચાવ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડાતા ડાબા હાથમાં ફ્રેક્ચર થયાનું માલૂમ કર્યું હતું. બાદમાં તેણે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


મારામારીના અન્ય એક બનાવમાં પડધરીમાં ભરવાડ વાસ ગોપાલ ચોક પાસે રહેતા ઘેલાભાઈ ઉર્ફે લાલો અરજણભાઈ બાંભવા(ઉ.વ 30) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં અહીં પડધરીમાં બાલાજી પાર્કમાં રહેતા નંદો કરીમભાઈ, આદિલ કરીમભાઈ, મોવૈયાના ઢોરે રહેતા સમીર ઈકબાલ અને બાઉદીન ઉર્ફે બસીર ઈકબાલના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ બપોરના તે મોવૈયાના ઢોર પાસે ઉભેલ રીક્ષા ચાલકને તેમની પત્નીને ઇકોમાં બેસવાની કોણે ના પાડી તે બાબતે પૂછતા આરોપીઓએ તેને ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યો હતો. સમીરે લોખંડનો સળીયો કાઢી કપાળના ભાગે મારી દીધો હતો. જે અંગ યુવાને પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application