‘સૌની યોજના’ હેઠળ મુંબઇ બાદ હવે રાજકોટ અને અમદાવાદની વિમાની સેવાનો થશે શુભારંભ

  • April 01, 2025 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સાડા  ત્રણ વર્ષથી પોરબંદરવાસીઓ વિમાનીસેવાની રાહ જોતા હતા અને નેતાઓ આંબા આંબલી દેખાડતા હતા પરંતુ હવે સરપંચથી સાંસદ સુધી ભાજપનું શાસન હોવાથી અને ચારે બાજુ વિકાસ.. વિકાસ..ની વાતો થતી હોવાથી પોરબંદર ઉપર કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી વરસી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્રમોદીના આદેશથી પોરબંદરને વધુ બે ફલાઇટ મળશે તેવી મહત્વની જાહેરાત આજે પહેલી એપ્રિલે કરવામાં આવી છે અને પોરબંદરથી મુંબઇ બાદ હવે પોરબંદરથી રાજકોટ અને અમદાવાદની નવી બે ફલાઇટો શ‚ થવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે પોરબંદરનો વિકાસ નકકી મનાઇ રહ્યો છે !
પોરબંદરનું અદ્યતન એરપોર્ટ સાડા ત્રણ વર્ષ સુધી સામાન્ય મુસાફરો માટે બંધ રહ્યુ હતુ કારણકે એકપણ ફલાઇટ પોરબંદરને મળી ન હતી અને અગાઉ નિયમિત રીતે જતી ફલાઇટો બંધ થઇ જતા પોરબંદરવાસીઓ હેરાન પરેશાન થઇ ગયા હતા. સંત રમેશભાઇ ઓઝાથી માંડીને સામાન્ય નાગરિકોએ પણ સાંસદ, રાજ્યસભાના સાંસદ, કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી, મુખ્યમંત્રી, વડાપ્રધાનથી માંડીને ધારાસભ્ય અને ચેમ્બર પ્રમુખને રજુઆતો કરી હતી અને વહેલી તકે ફલાઇટ શ‚ થઇ જાય તે માટે માંગ કરી હતી એ અનુસંધાને તાજેતરમાં જ શનિવારે પોરબંદરની વિમાનીસેવા શ‚ થઇ હતી અને પહેલી જ ફલાઇટમાં ૩૭ જેટલા મુસાફરો મુંબઇથી પોરબંદર આવ્યા હતા અને ૧૭ જેટલા મુસાફરો મુંબઇ જવા સ્પાઇસ  જેટની ફલાઇટમાં રવાના થયા હતા અને પોરબંદરવાસીઓનો હરખ ઉભરાતો હતો. ત્યારે હવે આ હરખને બમણો નહીં પરંતુ ત્રણ ગણો કરવા માટે આજે પહેલી એપ્રિલે જ જાહેરાત કરવામાં આવી છે. જાણકાર વર્તુળો પાસેથી પ્રાપ્ત વિગત પ્રમાણે પોરબંદરને વધુ બે નવી ફલાઇટ આવતીકાલથી મળી રહી છે. તેવું પહેલી એપ્રિલે જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં પોરબંદરથી રાજકોટ અને પોરબંદરથી અમદાવાદ સુધીની બે ફલાઇટ મંજૂર થયાનું જાણવા મળ્યુ છે તેમજ નવી નવી ફલાઇટ હોવાથી એરલાઇન્સને પૂરતો ધંધો થાય તે માટે ટિકિટના દર પણ ખૂબ ઓછા રાખવામાં આવ્યા છે અને પોરબંદરથી રાજકોટના માત્ર ૫૦૦ અને અમદાવાદના માત્ર ૭૦૦ ‚ા. જેવો નજીવો દર નકકી કરવામાં આવ્યો છે. તેથી સામાન્ય લોકો પણ મુસાફરી કરી શકે તેવો હેતુ કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યો છે અને આ ફલાઇટમાં માત્ર ૧૫ મિનિટમાં જ રાજકોટ અને એક કલાકમાં જ અમદાવાદ પહોંચી શકાશે તેથી આ પ્રકારની જાહેરાતને પોરબંદરવાસીઓએ વધાવી લીધી છે અને પોરબંદર ઉપર મન મૂકીને વરસેલા ઉડ્ડયનમંત્રીનો આભાર માન્યો છે.
આમ, આવતીકાલથી વધુ બે નવી ફલાઇટો પોરબંદરને મળવા જઇ રહી છે ત્યારે શહેરીજનોનમાં જ નહીં ગ્રામજનોમાં પણ ખુશી જોવા મળી રહી છે અને લોકોએ પણ આ વિમાની સેવા ઉપલબ્ધ કરાવવા બદલ સરકારનો આભાર માન્યો  છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application