સૌરાષ્ટ્રમાં પાણીની તંગી સાથે ભૂગર્ભજળનું સ્તર પણ ચિંતાજનક રીતે ઘટતું જાય છે. સો સો ફૂટ ખોદાણે પણ જમીનમાંથી પાણી નીકળી રહ્યું નથી, ત્યારે સરકાર દ્વારા ભૂગર્ભ જળના સ્તરને ઊંચું લાવવા કેચ ધ રેઈન એટલે કે વરસાદના ટીપાં ટીપાંને ઝીલીને જમીનમાં સિંચન કરવાના અભિયાનથી રાજકોટ જિલ્લાનાં રાજ સમઢીયાળા ગામમાં માત્ર ૧૦થી ૩૦ ફૂટ ખોદાણથી પાણી મળી રહ્યું છે.
અમે વર્ષ ૧૯૭૮મા ભૂગર્ભજળ સ્તર વધારવાની નેમ લીધી હતી
સરકારના કેચ ધ રેઇન અને સુજલામ સુફલામ જળ અભિયાનના ઉત્કૃષ્ટ પરિણામે રાજ સમઢીયાળા ગામ ભૂગર્ભ જળસિંચનમાં અન્યો માટે સર્વશ્રેષ્ઠ પ્રેરણારૂપ બન્યું છે. ભારત દેશની ૬૮ ટકા પ્રજા આજે પણ ગામડાઓમાં વસે છે. આપણા ખેતી આધારિત દેશ માટે પાણીએ વિકાસ માટેની પ્રાથમિક જરૂરિયાત છે, તેમ જણાવતા રાજ સમઢીયાળા ગામના સરપંચ તેમજ જળસિંચન માટે વિશિષ્ટ તકનીકી જ્ઞાન ધરાવતા હરદેવસિંહ જાડેજાએ કહ્યું હતું કે, અમે વર્ષ ૧૯૭૮મા ભૂગર્ભજળ સ્તર વધારવાની નેમ લીધી હતી. જેને સાર્થક કરતા હાલ અંદાજે બે હજાર જેટલી વસ્તી ધરાવતા રાજ સમઢીયાળા ગામની તમામ ભાગોળે ફરતા ૭ તળાવ અને તેની સાથે જોડાયેલ ૩ લાઇન એરિયામાં કુલ ૪૫ ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં સરકારની સુજલામ સુફલામ યોજના, ગ્રામીણ રોજગાર મિશન અને કેચ ધ રેઈન જેવા અભિયાન તથા યોજનાઓનો લાભ લેવામાં આવ્યો છે.
૧૦૦ એકર વિસ્તારમાં ૭ વિશાળ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું
આ વિશે વધુ ઉંડાણપૂર્વક જણાવતા હરદેવસિંહે કહ્યું હતું કે, ગામની આસપાસના ૧૦૦ એકર વિસ્તારમાં ૭ વિશાળ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે જમીનનો કસ અને સ્થિતિ જાણ્યા વગર તળાવના નિર્માણ કરાતા તળાવ પરકોલેશન એટલે કે જમીનમાં પાણી ઉતારવાના બદલે ઈવેપરેશન એટલે કે માત્ર બાષ્પ થઈ હવામાં ઉડી જતું હોય છે પરંતુ ઇસરોની મદદથી રિમોટ સેન્સ ટેકનોલોજી દ્વારા ડાયકસ અને લીનીયામેન્ટ એટલે કે વોટર બેરિયર અને કસવાળી જમીન તેમજ જળ ભૂગર્ભમાં ઉતરવા માટે જરૂરી તિરાડવાળી જમીનોને ચકાસીને ડાયકસથી દૂરના વિસ્તારોમાં પરકોલેશન પોઇન્ટની ખાતરી કરવામાં આવી અને ત્યાં આ ૭ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે રાજ સમઢીયાળા આજી નદીના કેચમેન્ટ એરિયામાં આવતું હોવાથી તેને ૨૦ ફૂટ આજી નદીનો કેચમેન્ટ એરિયા પણ મળે છે જેની સાથે કેચમેન્ટની લાઈન તેમજ તળાવ અને અનુક્રમે જોડાણ સાથે ૪૫ ચેકડેમ તેના પર નિર્મિત કરવામાં આવ્યા છે.
૪૨ કરોડ એમસીએફટીથી વધુ જળસંગ્રહ કરવામાં આવે છે
સંપૂર્ણ રાજ સમઢીયાળા વિસ્તાર ભૂગર્ભ જળથી રિચાર્જ થાય તે માટે જમીન ચકાસણી દ્વારા વિશિષ્ટ ટ્રેન્ચ જાણવામાં આવી જેને પણ ભૂગર્ભજળ સિંચન માટે ખોદી અને ઊંડી કરવામાં આવી છે. આ તમામ પ્રયાસોથી આજે ૨ અબજ ૬૪ કરોડ ૬૦ લાખ લિટર વરસાદી પાણીનો સંગ્રહ માત્ર ૭ તળાવથી જ થાય છે. આ સાથે નાના મોટા ૪૫ ચેકડેમ દ્વારા ૪૨ કરોડ એમસીએફટીથી વધુ જળસંગ્રહ કરવામાં આવે છે.
વરસાદી પાણીને પીવા માટે સંગ્રહિત કરવામાં આવે છે
રાજ સમઢીયાળા ગામનું વરસાદનું એક પણ ટીપું બહાર જતું નથી તેમ ઉમેરતા સરપંચએ કહ્યું હતું કે, ગામ આસપાસમાં નિર્મિત આ તળાવો સાથે ૪૫ ચેકડેમોને ત્રણ પેરેલલ લાઈનમાં બનાવવામાં આવ્યા છે જે એકબીજા સાથે લિંક્ડ હોય જમીનમાં સતત પાણી ઉતર્યા કરે છે જેના કારણે રાજ સમઢીયાળા આસપાસના અન્ય ગામોમાં પણ ભૂગર્ભ જળસ્તર ઊંચું આવ્યું છે. વળી ગામમાં પણ તમામ ઘરોમાં જળસંગ્રહ માટે વિશેષ વ્યવસ્થા કરીને વરસાદી પાણીને પીવા માટે સંગ્રહિત કરવામાં આવે છે.
ખેડૂતોના કૂવા રિચાર્જ થાય છે અને તેમને પાણીની અછતનો સામનો કરવો પડતો નથી
આ વિસ્તારમાં વર્ષાઋતુ દરમ્યાન સરેરાશ ૩૦ ઇંચ જેટલો વરસાદ પડે છે, જેમાં ગત વર્ષે સૌથી વધુ ૬૦ ઇંચ વરસાદ પડ્યો હતો. આ અભિયાન અને તેમાં થયેલા સતત પ્રયત્નોના પરિણામે આજે રાજ સમઢીયાળા ગામમાં સામાન્ય રીતે ૧૦ ફૂટ ખોદાણ કરતા જ મીઠું પાણી મળી આવે છે, કપરા ઉનાળામાં પણ ૩૦ ફૂટ ખોદાણે ખેડૂતોને આસાનીથી સિંચાઈ માટે તેમજ લોકોને પીવા માટે પાણી મળી આવે છે. સામાન્ય રીતે અન્ય ગામમાં સંગ્રહિત પાણી લોકો દ્વારા લાઈન થકી સીધું ખેતી માટે ઉપયોગ કરવામાં આવતું હોય છે, જયારે રાજ સમઢીયાળામાં આ પાણી માત્ર ભૂગર્ભ જળસિંચન માટે જ રાખવામાં આવે છે જેના થકી ખેડૂતોના કૂવા રિચાર્જ થાય છે અને તેમને પાણીની અછતનો સામનો કરવો પડતો નથી.
વરસાદના એકે એક ટીપાંનો યથાર્થ ઉપયોગ
હાલમાં રાજ સમઢીયાળા પંચાયત દ્વારા લોકફાળા થકી ઉનાળા દરમિયાન તમામ તળાવ તેમજ ચેકડેમને ડીસીલ્ટીંગ કરી માટી કાઢી ઊંડા તેમજ સાફ કરવામાં આવી રહ્યાં છે, જેનાથી તેના જળ સંગ્રહમાં વધારો થશે. ત્યારે ગામનું પાણી ગામમાં અને વરસાદના એકે એક ટીપાંનો યથાર્થ ઉપયોગ કરી ધરતીમાતાને નવ પલ્લવિત કરતું રાજ સમઢીયાળા ગામ
ભૂગર્ભજળ સિંચન તેમજ વ્યવસ્થાપન ક્ષેત્રે અનોખી ક્રાંતિનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના ૧૪ ડેમના દરવાજાની ઓઇલીંગ અને ગ્રીસીંગ કરાશે: ડેમ સાઇટની નીચે સફાઇ
May 19, 2025 11:22 AMજામનગરમાં લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા રક્તદાન યજ્ઞમાં રપર નાગિરકોનું રક્તદાન
May 19, 2025 11:18 AMકોડીનાર શિંગોડા નદીમાં ડૂબી જતાં બે બાળકોના મૃત્યુથી શોકનો માહોલ
May 19, 2025 11:17 AMઆઇશર, ડમ્પરમાંથી બેટરી ચોરી કરેલ શખસો ગણતરીની કલાકોમાં ઝડપાયા
May 19, 2025 11:15 AMજામજોધપુર માર્કેટિંગ યાર્ડની પેઢીના ત્રણ વેપારીઓે છેતરપિંડીના ગુનામાં જેલહવાલે
May 19, 2025 11:14 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech