ખંભાળિયાના વિનાયક સોસાયટી વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા નામના 37 વર્ષના યુવાન શનિવારે રાત્રે પગપાળા ચાલીને જોગવડ ખાતે જઈ રહ્યા હતા. ત્યારે રાત્રિના આશરે દોઢેક વાગ્યાના સમયે અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઈ પાસે આવેલા એરફોર્સ ગેઈટ નજીકથી પસાર થતી વખતે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા મોટરકારના ચાલકે ધર્મેન્દ્રસિંહને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
અકસ્માત સર્જીને આરોપી વાહન ચાલક નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે મૃતક ધર્મેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજાના કુટુંબી ભાઈ અને નિવૃત્ત આર્મી મેન બ્રિજરાજસિંહ વિજયસિંહ જાડેજા (ઉ.વ. 37, રહે. નવાગામ ઘેડ) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ મોટર વ્હીકલ એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. ડી.એ. વાળા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયા: પતિના મૃત્યુ બાદ માનસિક અસ્વસ્થ મહિલાએ આપઘાત કર્યો
ખંભાળિયા તાલુકાના દાતા ગામે રહેતા મધુબેન હર્ષદગીરી મોહનગીરી ગોસ્વામી નામના 52 વર્ષના મહિલાના પતિ હર્ષદગીરી ગોસ્વામીનું થોડા સમય પૂર્વે કોરોના કાળમાં મૃત્યુ થયું હતું. જેના કારણે તેઓ માનસિક રીતે અસ્વસ્થ રહેતા હતા. આ પરિસ્થિતિમાં ગઈકાલે રવિવારે મધુબેને દાતા ગામે એક આસામીના પાણીના કુવામાં પડતું મુક્તા પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર જીતેન્દ્રગીરી હર્ષદગીરી ગોસ્વામી (ઉ.વ. 33, રહે. દાતા)એ અહીંની પોલીસને કરી છે.
દ્વારકા નજીકના દરિયાકાંઠેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપળ્યો
દ્વારકા નજીક આવેલા પંચકુઈ ખાતેના દરિયા કિનારે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસે આ મૃતદેહનો કબજો મેળવ્યો હતો. આ અજાણ્યા પુરુષનું કોઈપણ કારણોસર દરિયામાં પડી જવાથી ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હોવા અંગેની નોંધ આવળપરાના દેવાભાઈ વાઘેલાએ દ્વારકા પોલીસમાં કરાવી છે. જેથી પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, મૃતક પુરુષના વાલી-વારસની શોધખોળ હાથ ધરી છે.