ઘરની મોટાભાગની જવાબદારીઓ પુરુષો કરતા સ્ત્રીઓ વધુ નિભાવે છે

  • April 16, 2025 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
એક તરફ કામકાજના કલાકોને લઈને ભારત સહિત વિશ્વભરના દેશોમાં ચર્ચા ચાલી રહી છે. તે જ સમયે કેન્દ્રીય આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના ટાઇમ યુઝ સર્વેક્ષણ અહેવાલ દેશમાં પેઇડ અને અનપેઈડ કામ (ઘરેલું કામ) માં સ્ત્રી અને પુરૂષ વચ્ચેની લિંગ અસમાનતાને પ્રકાશિત કરે છે.


મંત્રાલય દ્વારા વર્ષ 2019 પછી 2024 માટે બીજી વખત ટાઇમ યુઝ સર્વે જારી કરવામાં આવ્યો છે. આ મુજબ, વેતન ન મળતું હોય એવા ઘરના કામમાં મહિલાઓની ભાગીદારી વધી છે. ઘરના કામમાં જેમ કે રસોઈ, ખરીદી, બાળકો અને વૃદ્ધોની સંભાળ વગેરેમાં તેમની ભાગીદારી પુરુષો કરતાં વધુ છે. દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને અન્ય રાજ્યોમાં ઘરના કામમાં લિંગ વિભાજન યથાવત છે. જો કે, ઉત્તર-પૂર્વમાં કેટલાક રાજ્યો એવા છે, જ્યાં ઘરના કામમાં શહેરી પુરુષોની ભાગીદારી પ્રમાણમાં વધારે છે.


મહિલાઓ દરરોજ સરેરાશ 289 મિનિટ (4 કલાક, 49 મિનિટ) અવેતન ઘરેલું કામમાં વિતાવે છે. બીજી બાજુ પુરૂષો પણ સમાન કાર્યો માટે દિવસમાં 88 મિનિટ (1 કલાક, 28 મિનિટ) વિતાવે છે. મહિલાઓ દરરોજ સરેરાશ 137 મિનિટ (2 કલાક, 17 મિનિટ) બાળકો અને વૃદ્ધોની સંભાળમાં વિતાવે છે, જ્યારે પુરુષો માત્ર 75 મિનિટ (1 કલાક, 15 મિનિટ) વિતાવે છે.


શહેરી પુરુષો અને સ્ત્રીઓ દ્વારા બાળકો, બીમાર, વૃદ્ધો અને દિવ્યાંગોની સંભાળ રાખવામાં વિતાવાતા સમયમાં વધારો થયો છે. આવા કામમાં રોકાયેલી મહિલાઓની ટકાવારી 25.9 થી વધીને 31.8 ટકા થઈ, જ્યારે પુરુષોની ટકાવારી 12.9 થી વધીને 17.3 ટકા થઈ છે.


ઘરના કામમાં પુરુષોની હિસ્સેદારી વધી છે. વેતન ન મળતું હોય એવા ઘરના કમ્જેવા કે ઘરગથ્થુ હિસાબ, માલસામાનની ખરીદી, રસોઈ બનાવવી/પીરસવું, કચરાનો નિકાલ, સફાઈ, ઘરની જાળવણી અને બાગકામ વગેરેમાં શહેરી મહિલાઓની સંખ્યા 79.3 થી વધીને 81 ટકા થઈ છે, જ્યારે પુરુષોની સંખ્યા પણ 23 થી વધીને 28.5 ટકા થઈ છે.


તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં પગારદાર કામમાં મહિલાઓની ભાગીદારી વધારે છે. 80 ટકાથી વધુ મહિલાઓ ઘરેલુ કામમાં પણ જોડાયેલી છે. તે સ્પષ્ટ છે કે તે બેવડી જવાબદારી નિભાવી રહી છે.


દેશના મુખ્ય રાજ્યોમાં કાર્યબળમાં ગુજરાતની મહિલાઓની ભાગીદારી સૌથી વધુ

2023-24 માટે ગુજરાતમાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં મહિલાઓ દ્વારા કાર્યબળમાં ભાગીદારીમાં હિસ્સો ભારતના મુખ્ય રાજ્યોમાં સૌથી વધુ હતો. 2021-22 માં ગુજરાતમાં તમામ વય જૂથો માટે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓની કાર્યબળ ભાગીદારી 33.9 ટકા અને શહેરી વિસ્તારોમાં 16.8 ટકા હતી. 2023-24માં, તે વધીને અનુક્રમે 44.2 ટકા અને 22.8 ટકા થઈ, જે ત્રણ વર્ષમાં અસરકારક રીતે 8.2 ટકા વધી. તેની તુલનામાં, ગ્રામીણ વિસ્તારોમાં પુરુષોનો હિસ્સો ત્રણ વર્ષમાં 60.8 ટકા થી વધીને 62.5 ટકા અને શહેરી વિસ્તારોમાં 59.8 ટકા થી વધીને 60.8 ટકા થયો. વર્ક પ્રોફાઇલ વિશ્લેષણ અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં લગભગ 77 ટકા મહિલાઓ પોતાને 'સ્વ-રોજગાર' તરીકે ઓળખાવે છે, જ્યારે શહેરી વિસ્તારોમાં આ પ્રમાણ માત્ર 47 ટકા છે, જ્યારે નોકરીઓ દ્વારા 'નિયમિત વેતન' મેળવતી મહિલાઓનો હિસ્સો શહેરી વિસ્તારોમાં 50 ટકા હતો જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રમાણ માત્ર 7 ટકા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application