જામનગરના બ્રાસપાર્ટના એક વેપારી તથા સાહેદ સાથે અન્ય એક વેપારીએ રૂપિયા ૫૦.૪૫ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. આરોપી કારખાનેદારે બ્રાસનો માલ સામાન ખરીદ્યા પછી પેઢીને તાળું મારી રફુચક્કર થઈ જતાં મામલો પોલીસમાં પહોચ્યો હતો જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
જામનગરમાં બાલમુકુન્દ સોસાયટીમાં રહેતા અને ઉદ્યોગ નગર વિસ્તારમાં બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા સુખદેવસિંહ પ્રવિણસિંહ જાડેજાએ પોતાની સાથે રૂ. ૫૦,૪૫,૫૮૩ ની છેતરપીંડી કરવા અંગે જામનગરમાં ગોકુલ દર્શન સોસાયટી શેરી નંબર -૨, પ્લટ નં. ૪૦૩/૨ ખાતે રહેતા ધર્મેશ જમનભાઈ રામોલિયા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી સુખદેવસિંહ જાડેજા તથા સાહેદ પાસેથી અલગ અલગ તારીખે મંત્રા એન્ટરપ્રાઇઝના માલિક ધર્મેશ જમનભાઈ રામોલિયા કે જેણે બ્રાસપાટનો માલ સામાન ખરીદ્યો હતો, જેનું વજન ૯૯૩૩.૮ કિલો, અને તેની અલગ અલગ વખતની અંદાજે બજાર કિંમત જીએસટી સહિત ૫૦.૪૫ લાખ થવા જાય છે. જે બ્રાસની આઈટમો મેળવી લીધા પછી પૈસા આપવામાં ઠાગાઠૈયા કર્યા હતા, અને આખરે પોતાની પેઢીને તાળું મારીને પૈસા ચૂકવ્યા વિના ધર્મેશ રફુચક્કર થઈ ગયો હતો. તેથી ફરિયાદી કારખાનેદાર સુખદેવ સિંહ દ્વારા સીટી સી. ડિવિઝન પોલીસમાં મામલો લઇ જવામાં આવ્યો હતો જયાં આરોપી સામે પોલીસે આઈપીસી કલમ ૪૦૬ અને ૪૨૦ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ સીટી-સી ડીવીઝનના પીએસઆઇ સિસોદીયા ચલાવી રહયા છે. છેતરપીંડી-વિશ્ર્વાસઘાત અંગેની ફરીયાદ દાખલ થતા કારખાનેદારોમાં ચકચાર વ્યાપી છે.