રૂડાના આવાસોમાં પાણીના વલખાં: પાણી પૂરવઠા મંત્રીએ ગામડાઓની જ ચિંતા કરી

  • May 16, 2025 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરની ભાગોળે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ નિર્માણ કરાયેલી આવાસ યોજનાના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે, અહીં ટેન્કર યુગ પુન:જિવીત થયો છે. પુરુષો કેરબા અને મહિલાઓને બેડા લઇ પાણી ભરવા નીકળવું પડે છે તેવી સ્થિતિ છે. રાજકોટમાં પાણી પ્રશ્ન નથી પરંતુ રાજકોટની ભાગોળેના રૂડા વિસ્તારમાં રૂડાએ નિર્માણ કરેલી આવાસ યોજનાઓમાં રહેતા પરિવારોને ઉનાળામાં દર મહિને દૂધ કરતા વધુ ખર્ચ પાણીનો આવે છે તેવી સ્થિતિ છે. દરમિયાન આજે રાજકોટ આવેલા પાણી પુરવઠા મંત્રીએ રૂડાના ૪૮ ગામોની પાણીની સ્થિતિની સમીક્ષા કરી હતી પરંતુ પાણીદાર રાજકોટ શહેરની ભાગોળે રહેતા હોવા છતાં કુવા કાંઠે તરસ્યા જેવી હાલત વેંઠતા આવાસના રહીશોની પાણીની સ્થિતિ શું છે ? તે અંગે કોઈ ચર્ચા કરી ન હતી તેમ જાણવા મળે છે.

જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયાએ રૂડા હેઠળ આવતા ૪૮ ગામોમાં ઓજી વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠક યોજી લોકોને પીવાના પાણીની મુશ્કેલી ન રહે તે માટે લાંબા ગાળાનું સુનિયોજિત આયોજન કરવા સૂચના આપી હતી.

મંત્રી કુંવરજીભાઈએ પાણી પુરવઠા યોજના હેઠળ વિવિધ તાલુકાના ગામોમાં પાણી વ્યવસ્થાપન અંગે વિગતે માહિતી મેળવી જરૂર પડ્યે રાજ્ય સરકાર દ્વારા તમામ સાધન સુવિધા મળી રહેશે તેની ખાત્રી ઉચ્ચારી અધિકારીઓને લાંબા ગાળાનું આયોજન કરવા જણાવ્યું હતું.

રાજકોટ શહેરી સત્તા મંડળ ( રૂડા) ના ચેરમેન તુષાર સુમેરાએ હાલની પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ તાલુકાના ૩૦ ગામ, લોધીકા તાલુકાના ૧૦ ગામ, પડધરી તાલુકાના ૬ ગામ અને કોટડા સાંગાણી તાલુકાના ૨ ગામોનો રૂડામાં સમાવેશ થાય છે. જેમાં જી.ડબ્લ્યુ.એસ.એસ.બી. દ્વારા જૂથ યોજના હેઠળ પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

હાલની સ્થિતિએ બલ્ક વોટર સપ્લાય સ્કીમ અંતર્ગત પ્રથમ ફેઝમાં રાજકોટ તાલુકાના ૧૫, પડધરી તાલુકાના ૫ તેમજ લોધીકા તાલુકાના ૨ ગામો મળી કુલ ૨૦ ગામોમાં અમલીકરણ થઈ ચૂક્યું છે. બીજા ફેઝમાં લોધીકા તાલુકાના અન્ય ૧૫ ગામોમાં લોધીકા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ કામગીરી ચાલી રહી છે. ત્રીજા ફેઝમાં ૮ ગામમાં ડી.પી.આર. કામગીરી પ્રગતિ હેઠળ છે. જયારે બાકી રહેતા રૂડા હેઠળના પાંચ ગામોમાં પાણી પુરવઠા યોજનામાં સામેલ કરવા માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જયારે ઓજી વિસ્તારોમાં વિકસતા રહેણાંક ઝોનમાં પાણી પુરવઠા માટે માત્ર બોર જ સ્ત્રોત હોય છે, આવા વિસ્તારોમાં ટેન્કર મારફત પાણી સપ્લાય કરવામાં આવે છે. તેમ ચેરમેનશ્રી એ પૂરક માહિતી આપતાં જણાવ્યું હતુંઆ બેઠકમાં રૂડાના સી.ઈ.ઓ જી.વી.મિયાણી, પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર અમિત ગોહિલ, સિંચાઈ, વાસ્મો સહીત સંબંધિત વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application