આગ્રા સ્ટેશનથી ખોટી ટ્રેનમાં ચડી જતા યુપીની બાળકી રાજકોટ પહોંચી ગઇ

  • May 12, 2025 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ઉત્તરપ્રદેશના આગ્રા જિલ્લાની વતની આગ્રાથી નાની સાથે ઘરે જતી હતી ત્યારે રેલવે સ્ટેશને ભુલથી બીજી ટ્રેનમાં ચડી જતા રાજકોટ આવી પહોંચી હતી. અહીં રેલવે પોલીસે બાળકીની કુનેહપૂર્વક પુછપરછ કરી તેની પાસેથી તેના ઘરની વિગત મેળવી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.


ગત તા.૭નાં રોજ રેલવે પોલીસ મથકના એએસઆઈ મંજુલાબેન, હેડ કોન્સ્ટેબલ વિપુલ અને લોકરક્ષક કાજલબેન પોતાની ફરજ પર હતાં ત્યારે સાંજના પોણા સાતેક વાગ્યે રેલવે પોલીસ સ્ટેશન ખાતે એક જાગૃત નાગરિક આવ્યા હતાં અને એક નવ વર્ષની બાળકીને સોંપી હતી. ત્યારબાદ પોલીસ મથકના સી-ટીમના કર્મચારીઓએ બાળકીનું નામઠામ પુછતાં તેણીનું નામ રશ્મીન રામ ગોપાલ જાટવ (રહે.રામબાગ ટેડી બગ્યા, જી.આગ્રા રાજ્ય ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેણીની વિશેષ પુછપરછ કરવામાં આવતાં માતા પિતાનો મોબાઈલ, ફોન નંબર યાદ ન હોય અને તે આગ્રા રેલવે સ્ટેશનથી તેની નાની સાથે પોતાના ઘરે જતી હતી તે વખતે ભૂલથી બીજી ટ્રેનમાં ચડી જતાં રાજકોટ પહોંચી ગઈ હતી.


ત્યારબાદ રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનના કર્મચારીઓઅ આગ્રા પોલીસ અને યુપી પોલીસનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ યુપી પોલીસ દ્વારા બાળકીના વાલી-વારસનો સંપર્ક થયો હતો. તેમજ તેમના માતા-પિતા રાજકોટ પહોંચે એટલા સમયગાળામાં બાળકીનો કબજો કાઠીયાવાડી બાલાશ્રમ ગોંડલ રોડને આપ્યો હતો. ત્યારબાદ બાળકીના વાલીવારસ તા.૧૦ના રાજકોટ પહોંચી જતાં તમની પાસેથી આધાર પુરાવાઓ ચેક કર્યા બાદ બાળકીનો કબજો તેમને સોંપી પરિવાર સાથે મિલન કરાવતાં રેલવે સ્ટેશન પર હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતાં. બાળકીના પરિવારજનોએ રેલવે પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application