જામનગર નજીક બે ગોઝારા અકસ્માતમાં યુવાન સહિત બે ના મોત

  • April 16, 2025 06:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર નજીક બે જુદા જુદા વાહન અકસ્માતમાં બે વ્યકિતના ભોગ લેવાયા છે જેમાં ધુડસીયાના પાટીયા પાસે એક બાઈક અને બોલેરો પીકપ વેન વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં દાદીની નજર સામે પૌત્રનું મોત થયુ હતું, જયારે દાદીને ગંભીર ઇજા પહોચી હતી. આ બનાવમાં પિકઅપ ગાડીના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે. જયારે બીજા બનાવમાં જાંબુડા ગામથી આગળ બે મોટરસાયકલ વચ્ચે ટકકર થતા એક આધેડનું મૃત્યુ નિપજયુ છે. 


જામનગર તાલુકાના ધૂડશિયા ગામમાં રહેતો ક્રિશ કેતનભાઇ માધાણી નામનો ૨૨ વર્ષનો યુવાન પોતાના બાઈકમાં ગઈકાલે સવારે ૧૧.૦૦ વાગ્યાના અરસામાં પોતાના દાદી  સામુબેનને બેસાડીને કાલાવડના રણુજા રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન ધુડસીયા પાટીયાથી રણુંજા તરફના રસ્તે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી જી.જે. ૧૦ ટી.વાય. ૧૬૭૦ નંબરની બોલેરો પીકઅપ વેનના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં દાદી પૌત્ર ઘાયલ થયા હતા. જેમાં પૌત્રને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી, અને ખોપડી ફાટી જવાના કારણે તેનું  ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.


ઉપરાંત પાછળ બેઠેલા દાદી સામુબેન કે જેઓને પણ ફ્રેક્ચર સહિતની નાની મોટી ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવ અંગે મૃતક ક્રિશના પિતા કેતનભાઇ બાબુભાઈ માઘાણીએ જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં બોલેરો પિકઅપ ગાડીના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.


બીજા બનાવમાં જામનગર તાલુકાના જાંબુડા ગામમાં રહેતા ગીરીરાજસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ.૩૮)એ પંચ-એમાં મોટરસાયકલ નં. જીજે૧૦ડીએચ-૯૫૨૬ના ચાલક હડીયાણા ગામના કુલદીપસિંહ સુનિલસિંહ વાઢેરની વિરુઘ્ધ ફરીયાદ કરી હતી.
​​​​​​​

ગઇકાલે જાંબુડા ગામથી આગળ સુરાપુરા દાદાના મંદિર પાસેના રોડ પર આરોપી કુલદીપસિંહ પોતાનું મોટરસાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને ફરીયાદીના પિતા ભરતસિંહ જાડેજાના મોટરસાયકલ નં. જીજે૧૦સીએસ-૮૨૬૭ જેઓ રોડ ક્રોસ કરતા હતા ત્યારે ઠોકર મારી હતી આ અકસ્માતમાં ફરીયાદીના પિતાને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવારમાં લઇ જવામાં આવેલ જયાં તેમનું મૃત્યુ નિપજયાનું જાહેર કરાયુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application