રાજકોટના આર્યનગરમાં સગા બે ભાઈને રહેંસી નાખનાર બે શખસ પોલીસ સંકજામાં, પરિવાર સામે જ જુવાનજોધ બે દીકરાની લોથ ઢળી

  • February 11, 2025 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ગત રાત્રિના બે સગા ભાઈઓની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. છરીના ઘા ઝીંકાતા લોહી લુહાણ હાલતમાં બંને ભાઈઓ રોડ પર કણસતી હાલતમાં પડ્યા હતા. બાદમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા સારવાર કારગત ન નીવડતા દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતા ડીસીપી સહિતનો પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલએ દોડી ગયો હતો. બે-બે પુત્રના નજર સામે જ મોત જોઈ પરિવારમાં ઘેરો આક્રદં સર્જાયો હતો. હત્યાના બનાવને પગલે પોલીસે ત્યાં જ નીચે મકાનમાં રહેતા બે શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરતાં બન્ને શખસોને સકંજામાં લઇ આગળની તપાસ હાથ ધરી છે. શહેરમાં બે-બે હત્યાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર પણ સવાલ ઉઠ્યા છે.


બંને ભાઈઓ રોડ ઉપર લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા
ડબલ મર્ડરની વિગતો મુજબ રાજકોટના સંતકબીર રોડ ઉપર આર્યનગરમાં રહેતા અને મૂળ એમપીના ઉજ્જૈનના અમિત રાજુભાઈ જૈન (ઉં.વ.૨૯) અને વિકી રાજુભાઈ જૈન (ઉં.વ.૨૫) બંને યુવકો રાત્રે સહ પરિવાર જમવા માટે બેસતા હતા ત્યારે અમિત બાથરૂમ જવાનું કહી નીચે જતા ત્યાં નીચેના મકાનમાં રહેતા છોટુ ઉર્ફે સંજય શંકરભાઇ અને વિજયે પાછળથી આવી છરીના ઘા ઝીકી દેતા દેકારો થવાથી અમિતનો નાનો ભાઈ વિકી નીચે આવ્યો હતો અને ભાઈને બચાવવા જતા તેને પણ છરીના ઉપરા છાપરી ઘા મારી દેતા બંને ભાઈઓ રોડ ઉપર લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા.


ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા
ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને પરિવારજનોએ ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા. ત્યાં ઇમર્જન્સી વિભાગના ફરજ પરના તબીબે વિકીને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો અને જ્યારે અમિતને સર્જરી વિભાગમાં લઈ જતા સારવાર શરૂ કરી હતી. પરંતુ તેને પણ દમ તોડી દેતા બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો હતો. ઘટનાના પગલે હોસ્પિટલ ચોકીના તોફીકભાઈ જુણાચ સહિતના સ્ટાફે બી.ડિવિઝન પોલીસને જાણ કરી હતી. હત્યાના બનાવથી ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, બી ડિવિઝન પીઆઇ રાણે સહિતનો પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલએ પહોંચ્યો હતો અને પરિવાર પાસેથી વિગતો મેળવી મૃતક અમિત જૈનની પત્ની અમીનાબેનની ફરિયાદ પરથી પોલીસે છોટુ ઉર્ફે સંજય શંકરભાઈ અને વિજય સામે બીએનએસની કલમ ૧૦૩(૧),૫૪,૨૯૬(બી) મુજબ ગુનો નોંધી સકંજામાં લીધા છે.


એમપીનો પરિવાર દોઢ વર્ષ પહેલા રાજકોટ રહેવા આવ્યો હતો
એમપીનો પરિવાર દોઢ વર્ષ પહેલા રાજકોટ રહેવા આવ્યો હતો અને આર્યનગરમાં મકાન ભાડે રાખી રહેતો હતો અને ચાંદીકામની મજૂરી કરતો હતો. ત્રણ ભાઈઓમાં અમિત, વિકી અને આકાશ છે. જેમાં અમિત સૌથી મોટો અને વિકી સૌથી નાનો હતો. જેમાં અમિતને સંતાનમાં એક સાત વર્ષનો પુત્ર અને એક વર્ષની પુત્રી છે અને રાજકોટમાં માતા-પિતા સહિત સંયુકત પરિવાર સાથે રહેતા હતા


આ સામાન્ય બાબતે બે ભાઈઓની લોથ ઢાળી દેવાઈ
મૃતક અમિતની પત્નીએ પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં હત્યા પાછળનું કારણ જણાવ્યું છે કે, ગઈકાલે બપોરે અમિતથી બીજા નંબરે દિયર આકાશ પત્ની અનુબેન કોઈને કહ્યા વગર ઘરેથી પિયર જવા નીકળી ગયા હતા. આથી દિયર આકાશ ખુબ ગુસ્સે હતો અને ઘરે જોર જોરથી રાડો પાડતો હતો. આથી સામે રહેતા વિજયે અમારી સાથે ઝઘડો કર્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, તમારા ઘરમાંથી મોટે મોટેથી કેમ અવાજ આવે છે? અને ધમકાવવા લાગ્યો હતો. આ દરમિયાન અમે ઝઘડો કરવાનું ટાળ્યું હતું. ત્યારબાદ સાંજે છ–સાત વાગ્યે પતિ અને દિયર વિકીભાઈ બંને કામ કરીને ઘરે આવ્યા હતા અને રાત્રે નવેક વાગ્યે પતિ નીચે બાથમ કરવા માટે જતા નીચેના માળે રહેતો છોટુ ઉર્ફે સંજય પણ બાથરૂમ જવા માટે ટોયલેટ પાસે આવી બપોરના ઝઘડાનો ખાર રાખી જોરજોરથી બૂમો પાડવા લાગ્યો હતો. અને કહેવા લાગ્યો હતો કે, કોણ હરામી અંદર ગયો છે? અને ગાળો આપવા લાગ્યો હતો. 


છોટુએ છરી કાઢી મારા પતિ અને દિયરને આડેધડ મારી દીધી
પતિ ટોયલેટ બહાર નીકળતા છોટુને ઝઘડો ન કરવા માટેનું સમજાવતા હતા ત્યારે છોટુ ઉશ્કેરાઈ જઈ પતિને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. દરમિયાન છોટુનો બનેવી વિજય પણ નીચે આવી પતિને માર મારવા લાગ્યો હતો. દેકારો થતા અમે પરિવારના સભ્યો અને મકાન માલિક સહિતના નીચે આવ્યા હતા. ત્યારે છોટુએ છરી કાઢી મારા પતિ અને દિયર વિકીને આડેધડ ઘા મારી દેતા બંને ફસડાઈ પડ્યા હતા અને છોટુ અને વિજય બંને ભાગી ગયા હતા. બાદમાં અમે હોસ્પિટલ ખસેડતા ત્યાં પતિ અને દિયરને મૃત જાહેર કર્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application