ધંધુકા-ફેદરા રોડ પર રાયકા નજીક સર્જાયેલા અકસ્માતમાં બેના મોત

  • March 31, 2025 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધંધુકા-ફેદરા રોડ પર રાયકા ગામ નજીક ધડાકાભેર બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મહારાષ્ટ્રથી સિહોર આવી રહેલા બે વ્યક્તિઓના ઘટના સ્થળેજ મોત નીપજ્યા હતા. જ્યારે વલ્લભીપુરના રોહિશાળા ગામના વૃદ્ધાને ગંભીર ઇજાઓ થતા પ્રથમ ધંધુકા અને ત્યાંથી વધુ સારવાર માટે અત્રેની હોસ્પિટલમાં ખસેડાયા હતા.અકસ્માતના પગલે ધંધુકા અને ફેદરા ૧૦૮ નો 
કાફલો દોડી ગયો હતો. આ અંગે ધંધુકા પોલીસે બન્ને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ધંધુકાની હોસ્પિટલમાં ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માત અંગે ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ  ધંધુકા-ફેદરા રોડ પર રાયકા ગામ નજીક મહારાષ્ટ્રથી ભાવનગરના સિહોર તરફ આવી રહેલી કાર સામે એક અલ્ટ્રો કાર ધડાકાભેર અથડાતા કારમાં સવાર ઉત્તમભાઈ બોડલે(ઉ. વ. ૫૩, રે. સતરા, મહારાષ્ટ્ર) અને સંજયભાઈ ઘોડશે(ઉ. વ. ૪૩, રે. સતરા, મહારાષ્ટ્ર)ને ગંભીર પ્રકારની ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જયારે સવિતાબેન સાથળીયા (ઉ. વ. આ. ૬૦, રે. મૂળ રોહિશાળા, તા. વલ્લભીપુર, જિ. ભાવનગર, હાલ મહારાષ્ટ્રને પણ ગંભીર ઇજા પહોંચતા તેને પ્રથમ ધંધુકા અને ત્યાંથી વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
અકસ્માતની જાણ થતા ધંધુકા અને ફેદરા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટનાના પગલે ધંધુકા પોલીસના કરમશીભાઈ સહિતના  કાફલાએ દોડી જઈ બન્ને મૃતદેહોનો કબ્જો લઈ પોસ્ટ મોર્ટમ અર્થે ધંધુકાની સરકારી હોસ્પિટલમાં ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતમાં મૃત્યુ પામેલા બન્ને વ્યક્તિઓ તેમજ ઈજાગ્રસ્ત સવિતાબેન મહારાષ્ટ્રમાં મશાલા સહિતનો વ્યવસાય કરતા હોય ખરીદી માટે વતન વલ્લભીપુર થઈ મૃતકોને વાસણ ખરીદવા હોય સિહોર આવી રહ્યા હતા ત્યારે ધંધુકાના જ એક રહીશની અલ્ટ્રો કાર સાથે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application