ટ્રમ્પની તાનાશાહી: જજના આદેશને ઉવેખી ડીપોર્ટેશન ચાલુ

  • March 17, 2025 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ડોનાલ્ડ ટ્રમ્પે આકરા ડોઝ આપવાનું હજુ બંધ નથી કર્યું. ઉલટું ટ્રમ્પે ન્યાયાધીશના આદેશનો અનાદર કરી પ્રતિબંધ હોવા છતાં સેંકડો ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કર્યા હતા. યુએસ કોર્ટે એલિયન એનિમીઝ એક્ટ હેઠળ ઇમિગ્રન્ટ્સના દેશનિકાલ પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ આ પછી પણ વહીવટીતંત્રે અનેક લોકોને દેશનિકાલ કર્યા છે. પોતાના નિર્ણયનો બચાવ કરતા અધિકારીઓએ કહ્યું કે જ્યારે ન્યાયાધીશે આદેશ જારી કર્યો ત્યારે વિમાનો ઉડાન ભરી ચૂક્યા હતા.


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સેંકડો ઇમિગ્રન્ટ્સને અલ સાલ્વાડોર દેશનિકાલ કર્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રનો આ નિર્ણય યુએસ ફેડરલ કોર્ટના ન્યાયાધીશે વિદેશી દુશ્મન કાયદા હેઠળ દેશનિકાલ પર અસ્થાયી રૂપે રોક લગાવવાનો આદેશ જારી કર્યા બાદ આવ્યો છે. કોર્ટના નિર્ણય પછી લેવામાં આવેલા પગલાંનો બચાવ કરતા, ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓએ કહ્યું કે કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવી રહી હતી ત્યાં સુધીમાં આ વ્યક્તિઓને લઈ જતા વિમાનો ઉડાન ભરી ચૂક્યા હતા.


અહેવાલ મુજબ, યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જેમ્સ ઇ. બોસબર્ગે દેશનિકાલને અસ્થાયી રૂપે રોકવાનો આદેશ જારી કર્યો. ટ્રમ્પ વહીવટીતંત્રનું પ્રતિનિધિત્વ કરતા વકીલોએ તેમને કહ્યું હતું કે ઇમિગ્રન્ટ્સને લઈ જતા બે વિમાનો પહેલાથી જ ઉડાન ભરી ચૂક્યા છે. આમાંથી એક અલ સાલ્વાડોર જઈ રહ્યું છે, જ્યારે બીજું હોન્ડુરાસ તરફ જઈ રહ્યું છે.


વિમાનો ઉડાન ભર્યાની માહિતી મળતા જ ન્યાયાધીશે મૌખિક રીતે તેમને પાછા લાવવાનો આદેશ આપ્યો. પરંતુ હવે જ્યારે વિમાનો અલ સાલ્વાડોર અને હોન્ડુરાસ પહોંચી ગયા છે, તો સ્પષ્ટ છે કે અધિકારીઓએ તેમના મૌખિક આદેશોનું પાલન કર્યું ન હતું.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ વહીવટીતંત્રે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું હોવાના આરોપોનો જવાબ આપ્યો હતો . તેમણે કહ્યું કે વહીવટીતંત્રે કોર્ટના આદેશનું પાલન કરવાનો ઇનકાર કર્યો નથી. જોકે, આ આદેશનો કોઈ કાનૂની આધાર નથી. ન્યાયાધીશે આ આદેશ આપ્યો ત્યાં સુધીમાં વિમાનો ઉડાન ભરી ચૂક્યા હતા.


ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણય અંગે નિષ્ણાતોના અલગ અલગ મંતવ્યો છે. જ્યોર્જટાઉન યુનિવર્સિટી લો સેન્ટરના પ્રોફેસર સ્ટીવ વ્લાડેકે જણાવ્યું હતું કે બોઆસબર્ગે જે આદેશ જારી કર્યો હતો તેમાં વિમાનો પાછા લાવવાનો ઉલ્લેખ નહોતો, પરંતુ તેમણે મૌખિક રીતે કહ્યું હતું. ટ્રમ્પ વહીવટીતંત્ર કાયદેસર રીતે ન્યાયી હોઈ શકે છે, પરંતુ એ ચોક્કસ છે કે તેમણે ન્યાયાધીશના નિર્ણયની ભાવનાનું ઉલ્લંઘન કર્યું છે.વ્લાડેકે કહ્યું કે આ ઘટના પછી, અદાલતો તેમના ભવિષ્યના આદેશોમાં વધુ સ્પષ્ટ રહેશે અને સરકારને કોઈપણ છૂટછાટ આપતા પહેલા વિચાર કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application