ગોરમાવડીના પાવન ઉત્સવની ભાવભીની ઉજવણી થઇ સંપન્ન

  • April 02, 2025 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં ખારવાસમાજની બહેનો અને યુવતિઓએ ગોરમાવડી ઉત્સવની મોટાજાગરણ બાદ પૂર્ણાહુતિ કરી હતી અને તે પ્રસંગે વિશાળ શોભાયાત્રા સ્વ‚પે તેઓ શહેરમાંથી નિકળ્યા હતા. 
ચૈત્રી નવરાત્રિના એક ભાગ‚પે ગણગૌર માતાજીના સ્વ‚પને કેન્દ્રમાં રાખી ગૌરમાવડીની પરંપરાગત રીતે ઉજવણી થતી હોવાથી આ વર્ષે આ ઉત્સવની છટા જ કંઇ ઔર હતી. પોરબંદરની સાંસ્કૃતિક ધરોહરને  ઉજાગર કરતા આ અનોખા પર્વ પાછળ રાજસ્થાનની ધરતી પરથી પ્રગટેલી આ પરંપરા પોરબંદરમાં કઇ રીતે પ્રચલિત બની હશે તે વિશે દ્રષ્ટિપાત કરીએ તો એક સાવ નવી જ વસ્તુ જાણવા મળી હતી. રાજસ્થાનનું લોકજીવન અનેક સાંસ્કૃતિક પરંપરાથી જોડાયેલું છે. શારીરીક તેમજ  માનસિક થાકથી ઘેરાયેલા લોકવરણ થાક ઉતારવા ઇશ્ર્વરને રિઝવવા અને મનગમતો સાથી મેળવવા વ્રતો અને ઉત્સવોનો આશરો લે છે. સારો વર પામવા કુમારીકાઓ મોળાકત વ્રત કરે છે તો સૌભાગ્યવતી પોતાના પતિના દીર્ધાયુષ્ય માટે જયા-પાર્વતીનું વ્રત કરે છે. હિમાલયના પુત્રી જગતમાતા પાર્વતી હિમાલય પુત્રી છે તેમનો રંગ ગૌર હોવાથી એ ગૌરી પણ કહેવાય છે. મ‚ભૂમિ રાજસ્થાનમાં આ ઉત્સવને ‘ગણગૌર ત્રીજ’ તરીકે ઉજવે છે.
કચ્છ-સૌરાષ્ટ્રમાં વસતી ખારવાકોમ, મારવાડ, રાજસ્થાન તથા ઉતરાખંડથી આવેલા  ક્ષત્રિયોમાં એક છે. લડાઇ, દુષ્કાળ અને કુદરતી આફતોના કારણસર આ પ્રજા સૌરાષ્ટ્ર - કચ્છમાં આવીને વસી વહાણવટાના વ્યવસાયમાં પડયા તેથી તે ખારા  સગરને ખેડનાર ‘ક્ષારવા’ કે ‘ખારવા’ કહેવાયા. રાજસ્થાનમાં ઉજવાતો ગણ-ગૌરનો ઉત્સવ માતા પાર્વતીને નામે ઉજવાય છે. જયારે પોરબંદર સહિત સૌરાષ્ટ્રના ખારવાકોમમાં ઉજવાતો ગણગૌરનો તહેવાર વાંઝીયાના મેણા ભાંગનાર સૂર્ય-પત્ની ભગવતી રાંદલ માં (રન્નાદે)ના નામે ઉજવાય છે. સૌરાષ્ટ્રમાં સૂર્ય પૂજા પ્રચલિત છે માટે સૂર્ય પત્ની રન્નાદે દરેક વર્ગના માનીતા દેવી છે. ખારવાઓએ ગૌરીને બદલે રાંદલમાં ને ગણગૌર તરીકે સ્થાન આપ્યું. આ ઉત્સવમાં ગવાતા ગીતો પણ રાંદલમાંના જ હોય છે.
શોભાયાત્રામાં મહિલાઓ-યુવતિઓ જોડાઇ
પોરબંદરનો ખારવાસમાજ ગણગૌરના વ્રતની શ‚આત ફાગણવદ એકમ થી કરે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ તથા કુમારિકાઓ તળાવ અથવા  નદી કે કાંઠે લાકડાનો બાજોઠ  કે પાટલો લઇ જાય છે તેઓ પવિત્ર જળથી તેને ધુએ છે. ત્યાંના કાંઠેથી  ચીઠણી અને કઠણ માટી લઇ પાંચ થી છ ઇંચના આકારની ગણગૌરની મૂર્તિ બનાવે છે. આ મૂર્તિ સામાન્ય રીતે સૂંઢ વગરના ગણપતિ જેવી હોય છે, આ મૂર્તિ સુકાય  એટલે તેને કોડીના નેત્ર લગાડી કંકુ ચોપડે છે, ત્યારબાદ તેને ચુંદડી ઓઢાડી બાજોઠને સૌભાગ્યવતી સ્ત્રીના માથે મુકી, ગૌરમાતાના ગીત ગાતા-ગાતા ઘરમાં સ્થાપન કરે છે તે મૂર્તિને કાને, નાકમાં અને ગળામાં સોનાના ઘરેણા પહેરાવે છે. અખંડ દીવો રાખે છે, સવાર-સાંજ ધૂપ-અગરબતી કરી સ્ત્રીઓ ગૌરમાંના ગીતો ગાય છે. ફાગણવદ અગિયારસના સ્ત્રીઓ ફરી તળાવ કાંઠે જઇ માટી લઇ આવે છે, વાંસની નાની બે ટોપલીમાં માટી રાખી જવારા વાવે છે. આ દિવસથી જ ગૌરમાંના નોરતા શ‚ થાય છે. આ વ્રતમાં ઉપવાસ કે એકટાણા કરવા પડતા નથી. 
ઢોલ અને શરણાઇના સૂરથી રાસ શાંત અને સરળ રહેતો ઘણા બધા બદલાવો હોવા છતાં આ નારી ઉત્સવ આખી રાત ખુબ  ઉલ્લાસ અને હર્ષથી ઉજવાય છે.
ગોરમાંનું વિસર્જન
જાગરણ પુ‚ થયા પછી ચોથને દિવસે ગૌરમાંના વિસર્જન થયું હતું. ગૌરમાંના મુખ્ય પ્રસાદ માટે ચણાના લોટ (વેસણ)ના વાનવા (નમક વિનાની પૂરી) રાત્રીના જ બનાવી રાખેલ હોય છે. આ વાનવાને કુંભારનાડાના દોરાથી પરોવી હાર બનાવે છે. આ હાર બજોઠવાળા શિખર માથે પહેરાવાયો હતો. આ શોભાયાત્રામાં સમાજના દરેક સ્ત્રીઓ - પુ‚ષો તથા બાળકો સામેલ થાય છે. ઢોલ અને શરણાઇને તાલે માનવ મહરામણ હિલોળે  ચડયું હતું. અગાઉથી નકકી કરેલ સૌભાગ્યવતી સ્ત્રીની માથે રાખવામાં આવ્યું હતું. વધુ વજન ન લાગે એટલા માટે ચાર પુ‚ષો બાજોઠના પાયાને ટેકો આપ્યો હતો. આગળ પુ‚ષવર્ગ અને પાછળ સ્ત્રીવૃંદ ગૌરમાંના ગીતો ગાય છે. આ રીતે શોભાયાત્રા આગળ વધી હતી. સમાજના મુખ્ય પુ‚ષો માથે પાઘડીઓ બાંધીને યાત્રામાં અભિવૃઘ્ધિ કરે છે. શહેરના સ્ત્રી-પુ‚ષો આ શોભાયાત્રા જોવા ઉમટી પડયા હતા. પોરબંદરમાં દસ થી પંદર જેટલી ગૌરમાંની સવારી નિકળે છે. સાંજના સમયે કેદારેશ્ર્વર મંદિરમાં આવેલા કેદારકુંડમાં દરેક ગૌરમાંનું વિસર્જન થયું હતું. સમસ્ત બારગામ ખારવાજ્ઞાતિના વાણોટ પવનભાઇ શિયાળ સહિત પંચપટેલ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં આ આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.વિશાળ સંખ્યામાં લોકો ગોરમાવડીના આ ઉત્સવમાં  જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application