કાલે કટારીયા ચોકડીએ આઇકોનિક બ્રિજનું ખાતમુહૂર્ત

  • March 25, 2025 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ રોડવાસીઓની આતુરતાનો અંત આવ્યો છે, કાલાવડ રોડ ઉપર હવે ટ્રાફિક ટેરર કાયમી ધોરણે દૂર થશે. આવતીકાલે સાંજે પાંચ કલાકે કટારીયા ચોકડી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે આઇકોનીક બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. અહીં રિંગ રોડ-૨ ઉપર નીચે અન્ડરપાસ અને તેની ઉપર કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજ બનશે કટારીયા શોરૂમ પાસેના રૂડાના પ્લોટમાં ભવ્ય સમારોહ યોજાશે અને ત્યાંથી જ મવડીમાં નવનિર્મિત ઇન્ડોર ગેમ્સ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું લોકાર્પણ પણ થશે. મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ મહાનગરપાલિકા અને રૂડાના કુલ રૂપિયા ૫૬૫.૬૩ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે.

કાલાવડ રોડ ઉપર કટારીયા ચોકડીએ નિર્માણાધિન આઇકોનિક ફલાય ઓવર બ્રિજની લંબાઇ ૭૪૪ મીટર અને પહોળાઇ ર૩.૧૦ મીટર (૩+૩=૬ લેન) રહેશે જેમાં એકસ્ટ્રા ડોઝ સ્પાનની લંબાઇ ૧૬૦ મીટર તથા મેઇન સ્પાન ૮૦ મીટરનો રહેશે. જ્યારે આઇકોનીક ફ્લાય ઓવરબ્રિજની તદ્દન નીચે રિંગ રોડ-૨ ઉપર નિર્માણ થનારા અન્ડ‍ર પાસની લંબાઇ ૪૫૯ મીટર (ર+ર=૪ લેન) રહેશે અને અન્ડ‍ર બ્રિજના બોકસની સાઇઝ ૮.૫૦ મીટરX૪.૫૦ મીટર રહેશે.સૌપ્રથમ વખત બ્રિજ હેલ્થસ મોનિટરીંગ સિસ્ટમનો પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ કરાયો છે. તદઉપરાંત ડેકોરેટિવ લાઇટીંગ અને બીઆરટીએસ લેન ગ્રેડનો પણ સમાવેશ કરાયો છે.

ઉપરોક્ત પ્રોજેક્ટ ઉપરાંત મવડીમાં નવનિર્મિત ઇન્ડોર ગેમ્સ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થશે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરનાં છેવાડાનાં લોકોને રમત-ગમતની સુવિધા આપવાના મુખ્યટ ઉદેશને ધ્યાદને લઈ મવડી વિસ્તારમાં વોર્ડ નં.૧રમાં ૧૧,૮૩૧ ચોરસ મીટર જગ્યામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ૧ર૦૦ લોકોની ક્ષમતાવાળું સ્પોર્ટસ સંકુલ બનાવવામાં આવેલ છે. જેમાં આશરે ૯૫૦૦ ચોરસ મીટર બાંધકામ કરવામાં આવેલ છે. જેમાં ઓપન ગ્રાઉન્ડમાં પાર્કિંગની સુવિધા, ટેનિસ કોર્ટ, બાસ્કેટ બોલ કોર્ટ, વોલી બોલ કોર્ટ અને સ્કેંટીંગ રીંગનો સમાવેશ થયેલ છે. તેમજ ગ્રાઉન્ડ ફલોર પર સ્પોનર્ટસ સંકુલમાં ટેબલ ટેનીસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, આર્ચરી, સ્કવોશ, પ્લે‍-ગ્રાઉન્ડ એરીયા વિગેરે તથા પ્રથમ માળ પર મહિલાઓ તથા પુરૂષો માટે અલગ-અલગ જીમ, યોગા, શુટીંગ રેન્જ‍, ચેસ, કેરમ વિગેરે રમતો રમી શકાય તે માટે આયોજન કરવામાં આવેલ છે.આ ઇન્ડોર સ્ટેંડીયમથી આશરે ૧,૫૦,૦૦૦ લોકોને તેનો ફાયદો થશે.


ડાયવર્ઝન ક્યાંથી આપવું ? ટીપી બ્રાન્ચ ધંધે લાગી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલાવડ રોડ ઉપર કટારીયા ચોકડીએ આઇકોનિક ફ્લાય ઓવર બ્રિજ અને તેની નીચે અન્ડર પાસનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે તે પૂર્વે ડાયવર્ઝન ક્યાંથી કાઢવું તેવો પ્રશ્ન સર્જાયો છે અને ટીપી બ્રાન્ચના ઇજનેરો ધંધે લાગી ગયા છે. ટેન્ડરની સરખો મુજબ ૧૮ મહિના અને વહેલા મોડું થાય તો કદાચ બે વર્ષ સુધી બ્રિજનું કામ ચાલશે. બે વર્ષના સમયગાળા દરમિયાન રાજકોટ શહેર ઉપરાંત મેટોડા અને શાપરનો ટ્રાફિક ચાલતો રહે તે માટે યોગ્ય ડાયવર્ઝનની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જોકે આજે બપોર સુધીમાં ઇજનેરો ક્યાંથી ડાયવર્ઝન કાઢવું તે નક્કી કરી શક્યા નથી. જામનગર રોડ ઉપરથી રીંગરોડ-૨ થઈને કાલાવડ રોડ ઉપર આવતા અથવા તો ગોંડલ રોડ કે વાવડી અથવા શાપર તરફ જતા વાહનો માટેનું ડાયવર્ઝન તદુપરાંત રીંગરોડ-૨ ઉપરથી શાપર તરફથી કે ઘંટેશ્વર તરફથી આવતા વાહનોને મેટોડા તરફ જવું હોય તો તે માટેનું ડાઈવરજન તેમ કુલ બે ડાયવર્ઝન તાત્કાલિક અસરથી નક્કી કરવાના થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News