સૌ. યુનિ. ની 286 માંથી 117 કોલેજે જીકાસ રજીસ્ટ્રેશન એકાઉન્ટ નથી ખોલ્યું

  • May 17, 2025 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાલુ શૈક્ષણિક સત્રમાં જીકાસ પોર્ટલ મારફત એડમિશનની પ્રક્રિયા મોડી શરૂ થવાને કારણે મોટાભાગના વિદ્યાર્થીઓએ ખાનગી યુનિવર્સિટીઓ અને ખાનગી કોલેજમાં પ્રવેશ લઈ લીધા પછી નવા શૈક્ષણિક સત્ર 2025- 26 માં તેનું પુનરાવર્તન ન થાય તે માટે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગે એડમિશનની જીકાસ મારફતની પ્રક્રિયા આ વર્ષે વહેલી શરૂ કરી છે. પરંતુ આમ છતાં પૂરતા પ્રમાણમાં કોલેજો અને વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન ન થવાના કારણે કુલપતિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એફિલીએટેડ કોલેજોના સંચાલકો અને આચાર્યોની એક તાકીદની બેઠક બોલાવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સલગ્ન 286 જેટલી કોલેજ છે અને તેમાંથી 117 જેટલી કોલેજોએ હજુ જીકાસમાં એડમિશન આપવા માટેનું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી. પોર્ટલ પર આવી 117 કોલેજોના કોઈ નામ નથી અને તેની બેઠકોનો પણ ઉલ્લેખ નથી.

અમુક કોલેજો માત્ર એક જ ફેકલ્ટીનો અભ્યાસ કરાવતી હોય છે અને ત્યાં અભ્યાસક્રમમાં એડમિશન થઈ જશે તેવી સમજના કારણે જીકાસ પર રજીસ્ટ્રેશન કોલેજોએ ન કરાવ્યું હોવાની વાત બહાર આવી હતી. કુલપતિએ આવી તમામ કોલેજના સંચાલકોને ફરજિયાત રીતે રજીસ્ટ્રેશન કરાવવા સૂચના આપી હતી.

જીકાસ પોર્ટલ પર અત્યારે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે. ધોરણ 12 ના તાજેતરમાં જાહેર થયેલા પરિણામમાં સૌરાષ્ટ્રના ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યાના માત્ર 30% જેટલા વિદ્યાર્થીઓએ જ પ્રવેશ માટે પોર્ટલ પર અરજી કરી હોવાનું બહાર આવ્યું છે. યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં માત્ર 15000 ફોર્મ પોર્ટલ પર અપલોડ થયા છે.

પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટે અને અરજીઓની ચકાસણી માટે હેલ્પ સેન્ટરો મોટી સંખ્યામાં શરૂ કરવામાં આવ્યા છે, આવી કોલેજોના સંચાલકોને ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને ઉપયોગી થવા અને સાયબર કાફેના વધારાના ખર્ચમાંથી વિદ્યાર્થીઓને ઉગારવા માટે પણ જણાવાયું હતું.

સૌથી મોટી સમસ્યા નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ મેળવવાની છે. જે કિસ્સામાં આવું પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરી હોય તેવા કિસ્સામાં વિદ્યાર્થીઓને કન્ડિશનલ ફોર્મ ફિલઅપ કરી આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આવી બીજી સમસ્યા બોર્ડના વિદ્યાર્થીઓને હજુ માર્કશીટ મળી નથી તે રજૂ કરવામાં આવી હતી, સોમવારે માર્કશીટ મળવાની છે અને ત્યાર પછી રજીસ્ટ્રેશન માટે વધુ સંખ્યામાં વિદ્યાર્થી ઓ આવે તેવી શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application