સમુહલગ્ન રખડાવી નાસી છૂટેલા સૂત્રધાર ચંદ્રેશ છાત્રોલાની આગોતરા અરજી ફગાવાઇ

  • March 17, 2025 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટમાં રેલ નગર વિસ્તારમાં સમૂહલગ્નના દિવસે જ આયોજકો ભાગી છુટતા 28 યુગલો રઝળી પડ્યાના સૌરાષ્ટ્ર ભરમાં ચકચારી બનેલા બનાવમાં વર કન્યા સહિતના પરિવારજનો સાથે છેતરપિંડી આચરનારા મુખ્ય સંચાલક ચંદ્રેશ છાત્રોલાએ પોલીસ ધરપકડની દહેસતે કરેલી આગોતરા જામીન અરજી

અદાલતે ફગાવી દીધી છે.

આ અંગેની હકીકત મુજબ રાજકોટમાં ઋષિવંશી સમાજ સેવા સંઘના નામે ગત તા. 22 ફેબ્રુઆરીના રોજ 28 દીકરીઓના સર્વ જ્ઞાતિ સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.તે દિવસે સવારમાં કન્યા પક્ષ અને વર પક્ષના લોકો સમુહલગ્નના સ્થળે પહોંચતા માત્ર મંડપ જ જોવા મળ્યા હતા. અને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા દેખાતી ન હતી. જેથી અયોજકોને ફોન કરાતા તેમના ફોન સતત બંધ આવતા હતા. આમ, સમુહલગ્નના આયોજકો 28 દીકરીઓને રજળતા મૂકી નાસી છૂટતા હાહાકાર મચી ગયો હતો. હરખ સાથે પરણવા આવેલા કન્યા અને વર પક્ષના સભ્યો પરત ફર્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે દોડી જઈ કેટલાક હાજર વર-કન્યાના લગ્ન કરાવી આપ્યા હતા. વર-કન્યાને રાતા પાણીએ રડાવનાર ઋષિવંશી સમાજ સેવા સંઘના કહેવાતા આયોજકો વિરુદ્ધ પ્ર.નગર પોલીસમાં સમૂહલગ્નમાં નોંધણી કરાવનાર એક દીકરીના પિતા કાનજીભાઈ દેવશીભાઈ ટાટમીયા (રહે. શાપર વેરાવળ)એ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી દીપક દેવજી હિરાણી, મનીષ નટવરલાલ વિઠ્ઠલાપરા, દિલીપ ઉર્ફે દિલ્પેશ પ્રવિણ ગોહિલ અને દિલીપ ગીરધર વરસડા અને હાર્દિક શીશાંગીયાની ધરપકડ કરી હતી. હાલ આ આરોપીઓ જામીન પર છૂટેલા છે. જો કે મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ જગદીશભાઈ છાત્રોલાએ પોલીસ ધરપકડની દહેસતે રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે સરકારી વકીલ એસ. કે. વોરાએ દલીલો કરી હતી કે, સમૂહ લગ્નના તમામ ફંડની રકમ ચંદ્રેશ પાસે છે. જેથી પોલીસ કસ્ટડી થકી તપાસ થવી જરૂરી છે. આગોતરા જામીન નહી આપવા દલીલ કરી હતી. બંને પક્ષની રજુઆત બાદ સરકાર પક્ષે થયેલી દલીલો અને ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે ચંદ્રેશ છાત્રોલાની આગોતરા જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા અને ફરિયાદી પક્ષે યુવા એડવોકેટ રિપન એમ. ગેવરીયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application