જેનું કોઈ નહતું એનો સિવિલની હેલ્પ ડેસ્કની ટીમ આધાર, ડોકટરો દેવદૂત અને નિરાંત ઘર આશ્રય બન્યું

  • April 15, 2025 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
અત્યારના સમયમાં ઘરના સભ્યો પણ પોતાના બીમાર કે ગંભીર બીમારીથી પીડાતા વ્યક્તિની સેવા કરવાને બદલે વૃદ્ધાશ્રમ કે હોસ્પિટલમાં દાખલ કરી ચાલ્યા જતા હોય છે. તો બીજી તરફ કેરટેકર કે અન્ય વ્યક્તિઓ પૈસા લઈને પણ માત્ર કામનો ભાગ સમજી જરૂરી સારવાર કે સેવા કરતા હોય છે પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલના હેલ્પ ડેસ્કની ટીમ નોકરીમાં ફરજના ભાગરૂપેની સાથે સાથે હ્દયમાં માનવતા રાખી બિનવારસી દર્દીઓને દાખલ થવાથી લઇ તેની ચોક્કસ સારવાર અને સ્વસ્થ બનતા દર્દીને આશરો અપાવવા સુધીનું કામ કરી રહી છે.


સિવિલ હોસ્પિટલમાં રોજબેરોજ મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે. કેટલાક દર્દીઓ શહેર અને બહારગામથી એવા પણ આવે છે કે, જેમનો કોઈ પરિવાર નથી હોતો અથવા તો પરિવાર હોય તો પણ એ રાખવા તૈયાર નથી હોતા આવા રાજકોટ અને સુરેન્દ્રનગરના બે દર્દીઓ દાખલ થયા હતા જેમાના એક સુરેન્દ્રનગરના દર્દી રમેશભાઈ 15 દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે આવ્યા હતા અને પોતાની સાથે કોઈ સ્વજન ન હોવાથી ઇમરજન્સી વિભાગમાં કાર્યરત હેલ્પ ડેસ્કની ટીમે સંભાળ લીધી હતી અને કાઉન્સિલિંગ કરતા આધેડએ જણાવ્યું હતું કે પોતે રખડતું ભટકતું જીવન જીવે છે, કોઈ જમવાનું આપે તો ભલે નહિતર ફૂટપાથ પર સુઈ રવ છું. હેલ્પ ડેસ્કની ટીમ દ્વારા તબીબ પાસે લઈ જવાતા આધેડને પગમાં સેલ્યુલાઈટીસ (કાંઈ કરડવાથી કે માસ પેસીમાં સોજો આવવો)ની બીમારી હોવાનું નિદાન થતા તેમને તબીબ દ્વારા તાત્કાલિક સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર આપવામાં આવી હતી.


જયારે બીજા એક રાજકોટના જ રાજુભાઈ નામના દર્દી સિવિલ હોસ્પિટલમાં આજથી બે મહિના પહેલા બીમારી સબબ દાખલ થયા હતા. હેલ્પ ડેસ્કની ટીમ દ્વારા તબીબી ઈલાજ માટે લઇ જવાતા ડોક્ટર દ્વારા એમની તપાસ કરતાં આધેડના જમણા પગમાં ગેંગરીન થતા પગમાં લોહી મળતું ન હોવાથી પગ કાળો પડી ગયો હતો અને જો અહીંથી રોકવામાં ન આવે તો આખા શરીરમાં ફેલાય અને દર્દીનો જીવ પણ જઈ શકે આવી પરિસ્થિતિમાં હેલ્પ ડેસ્કની ટીમ અને તબીબે આધેડને પગ કાપવા માટેનું સમજાવ્યું હતું અને દર્દીની રજા લઈને તાત્કાલિક ઓપરેશનમાં લઇ જઈ પગ કાપી સર્જરી કરી હતી.

દર્દી બે મહિનાના આરામ બાદ સ્વસ્થ બનતા પોતે બિનવારસી તરીકે જીવન જીવતા હોય અને દુનિયામાં એમનું કોઈ છે નહીં તેમ કહેતા હેલ્પ ડેસ્ક દ્વારા સુરેન્દ્રનગર અનુબંધ સંસ્થાનું નિરાંત ઘર આશ્રમમાં તપાસ કરતાં બંને દર્દીને ત્યાં આશરો આપવા માટે રાજી થયા હતા, ગત તા.14 ના રોજ બંને દર્દીઓને સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં નિરાંત ઘર ખાતે આશ્રય અપાવતા બને દર્દીઓએ હેલ્પ ડેસ્કની ટીમ અને હોસ્પિટલના ડોક્ટર સહિતનો આભાર માન્યો હતો.

હેલ્પડેસ્કની કામગીરી સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માંકડિયાના માર્ગદર્શન હેઠળ આરએમઓ ડો.હર્ષદ દૂસરાની રાહબરીમાં એચઆર મેનેજર ભાવનાબેન સોનીની દેખરેખ હેઠળ કર્મચારી દર્શિતા કારીયા, ચિરાગ ડાભી, છગન પરમાર,ઉમેશ મોરડીયા, ધવલ ગોહેલ, અંકિતા પારેખ, નેહા દેવમુરારી, પ્રતિક સોલંકી સહિતની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News