રો-રો ફેરીમાં વિદેશી દારૂ ભરેલી કાર સાથે તળાજાનો રત્નકલાકાર ઝડપાયો

  • March 27, 2025 03:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 સુરત - હજીરા બંદરથી ઘોઘા સુધી ચાલતી રો-રો ફેરીમાં કાર મારફતે વિદેશી દારૂનો જથ્થો ભરી જવાતો હતો, ત્યારે હજીરા પોલીસે ૧૫૫ દારૂની બોટલ સાથે તળાજાના બટુક સાખટની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરતાં બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
સુરત થી સૌરાષ્ટ્ર તરફ જવા આવવા માટે સરકારે દરિયાઈ માર્ગે રો-રો ફેરી સર્વિસ શરૂ કરી છે, જેમાં પ્રવાસીઓ પોતાના વાહનો સાથે જઈ શકે છે, જો કે આ સવલતનો અમુક અસામાજીકતત્વો દુરપયોગ કરી રહયા છે.  હજીરા પોલીસ મથકના પીઆઈ વી.એલ.પરમારની સુચના મુજબ રો-રો ફેરીમાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે સર્વેલન્સ સ્ટાફે વોચ ગોઠવી હતી, દરમિયાન હે.કો. હિમાંશુ દરબાર અને ચેતનસિંહને મળેલી બાતમીના આધારે ઘોઘા તરફ જતી રો-રો ફેરીમાં જતી કાર જીજે -૧ આરવી ૫૫૬૮ ને કેમ્પસમાંથી પકડી  તપાસ હાથ ધરી હતી, જેમાં કારમાંથી જુદી જુદી બાન્ડની દારૂની બોટલ ૧૫૫ કિંમત રૂ.૧,૩૦,૭૭૧ હુન્ડાઈ કાર કિંમત રૂ. ૩,૦૦,૦૦૦ મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૪,૩૬,૭૭૧ સાથે બટુક નાનજીભાઈ સાંખટ (રહે, મહાદેવપરા, તા.તળાજા, જિ. ભાવનગર)ની ધરપકડ કરી હતી. પોલીસે બટુકની પુછપરછ કરતાં સાયણ ગામેથી વિદેશી દારૂનો જથ્થો ભર્યો હતો. જેને કોર્ટમાં રજુ કરતાં બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.  ઘોઘા જતી ફેરી સર્વિસમાં અગાઉ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્રારા જુનાગઢ લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો, અને હવે હજીરા પોલીસે  કારમાં દારૂની બાટલીઓ ભરીને લઇ જતાં બટુકને ઝડપી લીધો હતો. ઝડપાયેલો શખ્સ ભાવનગરમાં હિરાનું કામકાજ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application