વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટે કહ્યું- કેન્દ્રનો જવાબ ન આવે ત્યાં સુધી વકફ મિલકતની સ્થિતિ નહીં બદલાય, કેન્દ્રને 7 દિવસનો સમય આપ્યો

  • April 17, 2025 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા કાયદા પર બીજા દિવસે સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 100થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી છે. સીજેઆઈ સંજીવ ખન્ના, જસ્ટિસ પીવી સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે કેસની સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદા પર કેન્દ્ર સરકારને 7 દિવસનો સમય આપ્યો છે. કેન્દ્રનો જવાબ ન આવે ત્યાં સુધી વકફ મિલકતની સ્થિતિ નહીં બદલાય. સરકાર જવાબ ન આપે ત્યાં સુધી યથાસ્થિતિ રહેશે. આ સાથે, આગામી આદેશો સુધી કોઈ નવી નિમણૂકો પણ નહીં થાય.

વકફ કેસની સુનાવણી શરૂ થતાં જ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, આ કાયદો બનાવતા પહેલા અમે લાખો લોકો સાથે વાત કરી છે. અમે જનતા પ્રત્યે જવાબદાર છીએ. વકફ બોર્ડે ઘણા ગામોની જમીન પર દાવો કર્યો છે. આવી સ્થિતિમાં, સામાન્ય લોકોના હિતોનું પણ ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. આ કાયદા પર કોર્ટનો તાત્કાલિક પ્રતિબંધ ખૂબ જ કડક પગલું હશે. હું વિનંતી કરું છું કે મને એક અઠવાડિયાનો સમય આપવામાં આવે જેથી હું વિગતવાર સમજાવી શકું કે આ કાયદો કેમ બનાવવામાં આવ્યો છે."


સીજેઆઈએ કહ્યું, કે, ૧૯૯૫ અને ૨૦૧૩ ના વક્ફ કાયદાઓને પડકારતી અરજીઓને સુપ્રીમ કોર્ટની કારણ યાદીમાં અલગથી મૂકવામાં આવશે જેથી તેમની અલગથી સુનાવણી થઈ શકે. જે મિલકતો વકફ તરીકે જાહેર અથવા નોંધાયેલ છે તેમને તે જ સ્થિતિમાં રહેવાની મંજૂરી આપવી જોઈએ જેમ તે છે. સિબ્બલે કહ્યું કે તેમાં 'વક્ફ બાય યુઝર' પણ ઉમેરવું જોઈએ. આના પર સીજેઆઈ  એ કહ્યું, 'હું ઓર્ડર લખી રહ્યો છું, અવરોધ ન કરો.


સીજેઆઈ  એ વધુમાં કહ્યું કે સોલિસિટર જનરલ મહેતાએ કહ્યું છે કે સરકાર 7 દિવસમાં પોતાનો જવાબ દાખલ કરશે, અને ત્યાં સુધી વક્ફ બોર્ડ કે કાઉન્સિલમાં કોઈ નવી નિમણૂક થશે નહીં. સીજેઆઈએ કહ્યું, અમે આ વાત રેકોર્ડ પર નોંધી રહ્યા છીએ. સરકારે 7 દિવસમાં જવાબ આપવો જોઈએ અને ત્યારબાદ અરજદારે 5 દિવસમાં પોતાનો જવાબ દાખલ કરવો જોઈએ.


સીજેઆઈ  એ પૂછ્યું  શું 1995 ના કાયદા હેઠળ વકફમાં નોંધાયેલી મિલકતો પર કોઈ કાર્યવાહી થશે નહીં?  એસજીએ જવાબ આપ્યો કે આ મામલો કાયદામાં જ સમાયેલ છે. સીજેઆઈએ કહ્યું, ઠીક છે પણ હાલમાં વકફ બોર્ડ કે વકફ કાઉન્સિલમાં કોઈ નવી નિમણૂક થવી જોઈએ નહીં.


ગઈકાલે વક્ફ બોર્ડ અને સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમોના સમાવેશની જોગવાઈ પર બેન્ચે નારાજગી વ્યક્ત કરી. બેન્ચે કેન્દ્રને પૂછ્યું કે શું મુસ્લિમોને હિન્દુ ધાર્મિક ટ્રસ્ટમાં સામેલ કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદાના વિરોધમાં દેશભરમાં થઈ રહેલી હિંસા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે કેન્દ્ર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ (એસજી) તુષાર મહેતાએ કહ્યું- એવું ન લાગવું જોઈએ કે દબાણ લાવવા માટે હિંસાનો ઉપયોગ કરી શકાય છે. કોર્ટે કહ્યું કે અમે આ અંગે નિર્ણય લઈશું.


સ્ટે નહિ મુકાય તો ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિક સ્થિતિમાં ફેરફાર થવાની શક્યતા: સીજેઆઈ

સુનાવણી શરૂ કરતાં સીજેઆઈએ કહ્યું કે અમે ચોક્કસપણે તમામ વાત સાંભળીશું, પરંતુ અમે નથી ઇચ્છતા કે આ સમયગાળા દરમિયાન જમીની પરિસ્થિતિમાં કોઈ મોટો ફેરફાર થાય. સીજેઆઈ એ કહ્યું, હાલમાં પરિસ્થિતિ પહેલા જેવી જ રહેવી જોઈએ. અમે હાલમાં બે બાબતો પર ભાર મૂકી રહ્યા છીએ. જો કાયદાની અમુક જોગવાઈઓ પર સ્ટે મૂકવામાં નહીં આવે તો ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિક સ્થિતિમાં ઘણાં બધા ફેરફાર થઈ જવાની શક્યતા છે.


જો સ્ટે મૂકી દેવામાં આવશે તો આ  એક કડક કાર્યવાહી ગણાશે: એસજી 

વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું - સ્ટે મૂકવાનો કોઈ આધાર જ નથી.  કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે જો સ્ટે મૂકી દેવામાં આવશે તો આ એક કડક કાર્યવાહી ગણાશે. અમને એક અઠવાડિયાનો સમય આપો જેથી જવાબ આપી શકીએ. કોર્ટના આદેશની માઠી અસર થઇ શકે છે. અમે જનતા પ્રત્યે જવાબદાર છીએ. વકફ બોર્ડે ઘણા ગામોની જમીન પર દાવો કર્યો છે. આવી સ્થિતિમાં, સામાન્ય લોકોના હિતોનું પણ ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. 


ફક્ત કેટલાક વિભાગો જોઈને આખા કાયદાને રોકવો યોગ્ય નથી: એસજી 

વકફ કેસની સુનાવણી શરૂ થઈ ગઈ છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, હું ખૂબ જ આદર સાથે કંઈક કહેવા માંગુ છું. તમે સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાને રોકવા જઈ રહ્યા છો. દેશના સોલિસિટર જનરલ તરીકે હું આ ખૂબ જ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું. મેં કોર્ટે જે કહ્યું તેના પર ધ્યાન આપ્યું છે, પરંતુ ફક્ત કેટલાક વિભાગો જોઈને આખા કાયદાને રોકવો યોગ્ય રહેશે નહીં.


આગામી સુનાવણી સુધી કોઈ વક્ફ બાય યૂઝર  પ્રોપર્ટીને ડી નોટિફાઈ નહીં કરી શકાય:સુપ્રીમ 

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદા પર કેન્દ્ર સરકારને 7 દિવસનો સમય આપ્યો. કેન્દ્રને એક અઠવાડિયામાં આનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્રનો પ્રતિભાવ ન આવે ત્યાં સુધી વકફ મિલકતની સ્થિતિ બદલાશે નહીં. સરકાર જવાબ ન આપે ત્યાં સુધી યથાસ્થિતિ રહેશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કડક નિર્દેશ આપ્યો હતો કે આગામી સુનાવણી સુધીમાં કોઈ વક્ફ બાય યૂઝર પ્રોપર્ટીને ડી નોટિફાઈ નહીં કરી શકાય.


આગામી આદેશો સુધી કોઈ નવી નિમણૂકો થશે નહીં.

સુપ્રીમ કોર્ટમાં સોલિસીટર જનરલે કેન્દ્ર સરકાર તરફથી આશ્વાસ આપ્યું હતું કે જ્યાં સુધી વક્ફ બિલને લગતો કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ રહેશે ત્યાં સુધી સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અથવા સ્ટેટ વક્ફ બોર્ડમાં કોઇ નવી નિમણૂક નહીં કરવામાં આવે.


અરજદાર પક્ષ ફક્ત 5 અરજીઓ દાખલ કરે, બધાને સાંભળવું શક્ય ન: સીજેઆઈ

સીજેઆઈએ કહ્યું કે હું ઈચ્છું છું કે અરજદાર પક્ષ દ્વારા ફક્ત 5 અરજીઓ દાખલ કરવામાં આવે. બધાને સાંભળવું શક્ય નથી. તમે લોકો એક દિવસની અંદર નિર્ણય લો અને અમને જણાવો કે કઈ અરજીઓ બાકી રહેશે. સીજેઆઈ  એ કહ્યું કે બાકીની અરજીઓનો નિકાલ કરવામાં આવશે અને આગામી સુનાવણી માટે તેમના નામ યાદીમાં ઉમેરવામાં આવશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application