રાજકોટ શહેર અને જિલ્લામાં ભાજપના જ નેતાઓ શિસ્તમાં રહીને હવે પત્રો વાઈરલ કરીને અસંતોષ વ્યક્ત કરી રહ્યાનું બહાર આવ્યું છે. ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ઉપર ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપો કરતો પત્ર વાયરલ થતા ભારે ચકચાર જાગી છે અને જૂથવાદ સપાટી પર આવ્યો છે. આ અંગે ધારાસભ્યએ જિલ્લા પોલીસ વડાને પત્રની કોપી મોકલીને આવું કૃત્ય કરનાર સામે પગલા લેવાની માંગણી કરતી રજૂઆત કરી છે.
આ પત્રની કોપી દિલ્હી અને ગુજરાત પ્રદેશ ભાજપને મોકલાઈ
મળતા અહેવાલ મુજબ, ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય અને સૌ.યુનિ.ના પૂર્વ કુલપતિ ડો.મહેન્દ્ર પાડલિયા વિરૂદ્ધનો આ પત્ર પોસ્ટથી અનેક લોકોને મોકલવામાં આવ્યો છે. પત્રમાં ભાજપના ધારાસભ્ય પાડલિયા નાના કોન્ટ્રાકટ્રરો પાસેથી રૂ.બે-ત્રણ હજાર ઉઘરાવે છે, પી.જી.વી.સી.એલ.ના એન્જિનિયર અને મામલતદાર સહિત અધિકારીઓ પાસેથી હપ્તા લે છે, નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં ભારે ભ્રષ્ટાચાર આચરાયો છે તેમજ વ્યભિચાર સહિતના ગંભીર આક્ષેપવાળો પત્ર 'લિ.ભાજપ અને સંઘની કાર્યકર્તા ' તેવા નામથી વાયરલ કરીને તેમાં આ પત્રની કોપી દિલ્હી અને ગુજરાત પ્રદેશ ભાજપને મોકલાયાનું જણાવાયું છે.
આ પત્રની કોપી મારી પાસે આવી છે
આ અંગે ધારાસભ્યનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, આ પત્રની કોપી મારી પાસે આવી છે, અમારા પક્ષના કોઈએ ઈર્ષા અને દ્વેષથી પીડાઈને આ પત્ર લખ્યાની શંકા છે અને મારા પર ખોટા આક્ષેપો કર્યા છે જે બદલ એસ.પી.ને પત્રની કોપી સાથે આ શખ્સ વિરૂધ્ધ પગલા લેવા મૌખિક રજૂઆત કરી છે. નગરપાલિકા વખતે પણ આવા આક્ષેપ કરતા નનામા પત્રો વાયરલ થયા હતા.
ઉપલેટાના ધારાસભ્ય પાડલિયા લોકસભાની ચંટણી વખતે પણ વિવાદમાં આવ્યા હતાં. પ્રદેશ પ્રમુખ પાટીલે દરેક બેઠક પાંચ લાખ કે તેથી વધુ મતની લીડથી જીતવાનો ટાર્ગેટ આપ્યો હતો ત્યારે 'આટલો મોટો ટાર્ગેટ કેવી રીતે સિધ્ધ કરી શકાય ?' તેવો સવાલ જાહેરમાં એક કાર્યક્રમમાં ઉઠાવ્યા પછી તે વીડિયો પણ ભારે વાયરલ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech