દારૂમાફિયા માટે હવે દારૂની હેરાફેરી કરવા માટે ઘોઘા રો-રો ફેરી એક સુરક્ષિત અને નવું માધ્યમ બની છે. દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સુધી દારૂ સપ્લાય કરવા માટે અત્યારે દારૂમાફિયા રો-રો ફેરીનો ઉપયોગ કરી રહ્યા છે. છેલ્લા ચાર મહિનામાં સ્ટેટ વિજિલન્સ અને સુરત પોલીસે રો-રો ફેરીથી સપ્લાય થનાર દારૂના ચાર કેસો કર્યા છે.
ભાવનગર સુધી જવા માટે દસ કલાકનો સમય લાગે છે, પરંતુ વગર કોઈ ચેકિંગે ચાર કલાકમાં દારૂમાફિયા સુરતથી ભાવનગર રો-રો ફેરીના માધ્યમથી દારૂ સપ્લાય કરી રહ્યા છે. દમણથી દારૂ સુરત આવે છે અને સુરતથી રો-રો ફેરીના માધ્યમથી ભાવનગર ઊતરે છે અને ભાવનગર ઊતર્યા પછી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના અલગ-અલગ વિસ્તારોમાં દારૂમાફિયા મોકલે છે. રો-રો ફેરીથી દારૂના સપ્લાયનો ખુલાસો ત્યારે થયો જ્યારે ચાર મહિના પહેલાં સ્ટેટ વિજિલન્સ દ્વારા હજીરા રોડ પર એલ એન્ડ ટી ગેટ પાસેથી એક ક્ધટેનરને પકડી પાડવામાં આવ્યું હતું. આ ઘટના ૬ જાન્યુઆરીની છે. આ ક્ધટેનર રો-રો ફેરીના માધ્યમથી જૂનાગઢ જવા રવાના થવાનું હતું. એ સમયે જ્યારે આરોપીઓની પૂછપરછ કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે રો-રો ફેરીથી તેઓ અગાઉ પણ ત્રણ વખત દારૂ સપ્લાય કરી ચૂક્યા છે. સુરતના ઔદ્યોગિક વિસ્તાર અને પોર્ટ હજીરાથી રો-રો ફેરી ભાવનગર ઘોઘા રવાના થાય છે. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે, કારણ કે સુરતમાં રહેતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો માટે આ સુવિધાના કારણે તેમના સફરના કલાકો બચી જાય છે. ૧૦કલાકની જગ્યાએ માત્ર ચાર કલાકમાં તેઓ સમુદ્રથી રો-રો ફેરીના માધ્યમથી ભાવનગર પહોંચી જાય છે. આમ આ સુવિધા લોકોના હિત માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ અત્યારે સૌથી વધુ લાભ ગુજરાતના દારૂમાફિયા લઈ રહ્યા છે.
સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિને વાહન લઈ સુરતથી ભાવનગર જવાનું હોય તો ૧૦ થી ૧૧ કલાક લાગી જાય છે. આ ઉપરાંત લગભગ ૫ થી ૭ ટોલનાકા આવે છે. એટલું જ નહીં, દરેક જિલ્લામાં વાહન ચેકિંગ પણ કરવામાં આવે છે, જે દારૂમાફિયા માટે સુરક્ષિત નથી.
હાલ છેલ્લા કેટલાક મહિનાથી દારૂ સપ્લાય માટે નવો કીમિયો તેમણે શોધી કાઢ્યો છે. બાય રોડ જ્યાં કોઈપણ વાહનને ભાવનગર સુધી જવા માટે દસ કલાક લાગે છે ત્યારે રો-રો ફેરીમાં આ સફર માત્ર ચાર કલાકમાં પૂર્ણ થઈ જાય છે. ચેકિંગ નહિવત્ અને સૌથી સુરક્ષિત હજીરા પોર્ટ અન્ય પોર્ટ કરતા એટલો અદ્યતન નથી કે ત્યાં દરેક વાહનનું સ્ક્રીનિંગ થઈ શકે. સ્ક્રીનિંગનું કામ થતું નથી અને લગભગ ૨૦૦ થી વધુ વાહનો આવતાં હોય છે. એક-એક વાહનનું ચેકિંગ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. આ જ સૌથી મહત્ત્વની બાબત ધ્યાનમાં રાખીને દારૂમાફિયા ટ્રક અને ફોર-વ્હીલરના માધ્યમથી દારૂની હેરાફેરી કરી રહ્યા છે, કારણ કે તેઓ જાણે છે કે રો-રો ફેરીથી જ્યાં એક તરફ સમયની બચત થાય છે, બીજી બાજુ ચેકિંગ પણ થતું નથી. ભાડું પણ સસ્તું સુરતથી ભાવનગર જવા માટે ટોલનાકા આવે છે, ટોલનાકા પર ટેક્સ ભરવો પડે છે અને ડીઝલ-પેટ્રોલના ભાવ પણ ચૂકવવા પડે છે. પરંતુ રો-રો ફેરીમાં જ્યાં એક તરફ સમયની બચત થાય છે, ત્યારે ઇંધણ અને ભાડા સહિત ટેક્સની બચત પણ થઈ જતી હોય છે. ફોર- વ્હીલર કાર માટે જ્યાં ૧૨૦૦ ચાર્જ છે ત્યારે બીજી બાજુ લગભગ ૩૫૦૦ ટ્રક માટે અને ૫૫૦૦ ચાર્જ બસ માટે છે. પોલીસ અને પ્રાઈવેટ ચેકિંગ થતું નથી સામાન્ય રીતે જ્યારે પણ કોઈ ટ્રક કે બસ શંકાસ્પદ લાગે ત્યારે હાઈવે પર ચેકિંગ કરવામાં આવે છે. એક બાદ એક અલગ-અલગ જિલ્લાની પોલીસ અથવા તો કોઈ એજન્સી દ્વારા આકસ્મિક ચેકિંગ કરી શકાય છે. પરંતુ રો-રો ફેરીમાં જ્યારે કોઈપણ વાહન જાય છે ત્યારે એને શંકાના આધારે ચેકિંગ કરવામાં આવતું નથી. રો-રો ફેરીના જવાના સમયના આધારે જો ચેકિંગ કરવામાં આવે તો વ્યવસ્થામાં વિઘ્ન ઉત્પન્ન થઈ શકે છે. આ માટે કોઈપણ પ્રકારનું ચેકિંગ કરવામાં આવતું નથી, તેવું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech