રાજકોટના લંપટ શિક્ષક તરીકે પંકાયેલા ધવલ ત્રિવેદીને અમદાવાદ CBI કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે, તેમજ 3 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ કેસમાં આરોપી ઉપર યુવતી સાથે દુષ્કર્મ, અપહરણ અને બનાવટી ઓળખ બનાવવાનો આરોપ હતો. આ કેસની તપાસ ગુજરાત પોલીસથી હસ્તગત કરીને CBIને સોંપવામાં આવી હતી. આ લંપટ શિક્ષકે અઠવાડિયામાં જ 9 છોકરીને ભગાડી હતી.
આરોપી પોસ્કો-બળાત્કારના કેસમાં દોષિત ઠર્યો હતો
પીડિતા યુવતીના પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી, જેના પર ગુજરાત હાઈકોર્ટે આ કેસ CBIને સોંપવાનો આદેશ આપ્યો હતો. શરૂઆતમાં આ કેસ ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. હાઈકોર્ટના આદેશ બાદ CBIએ આ કેસમાં તપાસ હાથ ધરી હતી. 46 વર્ષીય આરોપી ધવલ ત્રિવેદી અગાઉ પણ પોસ્કો અને બળાત્કારના કેસમાં દોષિત ઠર્યો હતો.
આરોપીએ જુદી-જુદી ઓળખ આપી લોકોને છેતર્યા
જામીન પર છૂટ્યા પછી, તેણે જેલમાં મળેલા કેદીઓની મદદથી અંગ્રેજી ભાષા શીખવવા માટે કોચિંગ ક્લાસ શરૂ કર્યા અને પોતાને જુદી જુદી ઓળખ આપીને લોકોની છેતરપિંડી કરી હતી. તેણે યુવતીઓને જ્યોતિષશાસ્ત્રના પ્રભાવ હેઠળ લલચાવી અને પોતાને ધનિક વ્યક્તિત્વ તરીકે રજૂ કરીને છેતરપિંડી કરી હતી.
આરોપીએ યુવતીનું બ્રેઈન વોશ કર્યું હતું
આ કેસમાં પીડિતાની ઉંમર લગભગ 18 વર્ષ 6 મહિના હતી. આરોપીએ જ્યોતિષશાસ્ત્ર દ્વારા તેના પર પ્રભાવ પાડી, તેણીનુ બ્રેઇન વોશ કરી અને પરિવાર છોડીને પોતાના સાથે રહેવા માટે પ્રેરિત કરી હતી. તે સમયગાળામાં, આરોપીએ ભારતના વિવિધ સ્થળોએ યુવતીને રાખીને, ઘણીવાર તેની મંજૂરી વિના તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેની સાથે મારપીટ કરી અને પછી યુવતીને આરોપીની અસલ ઓળખ વિશે જાણ થઈ.
2020માં આરોપી સામે ચાર્જશીટ ફાઈલ થઈ હતી
આ કેસમાં 14 ઓકટોબર, 2020ના રોજ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. કોર્ટ ટ્રાયલ પછી કોર્ટે આરોપીને દોષિત ઠરાવ્યો અને જીવનના અંત સુધી કારાવાસની સજા ફટકારીને 3 લાખ રૂપિયા દંડ કર્યો હતો.
રાજકોટથી ચોટીલા આવીને અઠવાડિયામાં 9 છોકરી ભગાડી
જેલમાંથી બહાર નીકળીને ધવલ ચોટીલા પહોંચી ગયો હતો. ચોટીલામાં તેણે પોતાની ઓળખ ધર્મેન્દ્ર દવે તરીકે આપી અને આશ્ચર્યજનક વાત એ છે કે ફક્ત બે જ દિવસમાં તેણે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસ સંચાલકને વિશ્વાસમાં લઈને નોકરી પણ મેળવી લીધી. ફરી એ જ સોગઠાં સાથે ધવલ પોતાના બદઇરાદાને પાર પાડવા માટે આગળ વધી ચૂક્યો હતો અને સૌકોઈ તેનાથી અજાણ હતા.
એક વિદ્યાર્થિનીને પોતાના કથિત પ્રેમમાં ફસાવી
ધવલે ચોટીલામાં અઠવાડિયા સુધી જ ટ્યૂશન ક્લાસ લીધા અને 56 વર્ષની ઉંમરે 18 વર્ષથી એક વિદ્યાર્થિનીને પોતાના કથિત પ્રેમમાં ફસાવી લીધી. 12 ઓગસ્ટ, 2018ના રોજ ધવલ ત્રિવેદીએ પેરોલનો સમય પૂરો થતાં જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તેના આગલા દિવસે જ ચોટીલાની વિદ્યાર્થિનીને લઈને તે ભાગી ગયો. જે-તે સમયે તો કોઈને ખ્યાલ પણ ન આવ્યો કે આ કરતૂત ધર્મેન્દ્ર દવે નહીં, પરંતુ ધવલ ત્રિવેદીનાં છે.
11 ભાષા બોલતો ધવલ કોઈને પણ પોતાની વાતમાં ફસાવી લેતો
ધવલે કહ્યું, મારું ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી, પંજાબી, તેલુગુ, કન્નડ, ફ્રેન્ચ સહિતની 11 ભાષા પર પ્રભુત્વ છે, એટલે કોઈપણ સારી શાળામાં મોં માગ્યો પગાર પણ મળી જતો હતો. પૂછપરછ દરમિયાન ચોંકાવનારી બાબત એ પણ જાણવા મળી કે ધવલ દરેક રાજ્યમાં અલગ ઓળખ આપતો હોવાથી પોતાની શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ રજૂ કરી શકે એમ નહોતો. છતાં પણ તેની વાતચીતનો અંદાજ જ એવો રહેતો કે કોઈપણ વ્યક્તિ પ્રભાવિત થઈ જાય, એટલે જ સર્ટિફિકેટ તેમજ ઓફિશિયલ ઇન્ટરવ્યૂ વગર જ ઘણી શાળાઓમાં તેને નોકરી મળી જતી હતી.
પોલીસથી બચવા માટે મોબાઇલનો ઉપયોગ કરતો નહિ
પોલીસથી બચવા માટે તે ક્યારેય મોબાઇલનો ઉપયોગ કરતો નહિ. જ્યારે પડધરીથી બે વિદ્યાર્થિનીઓને લઈને ભાગ્યો ત્યારથી એ બન્નેને પણ મોબાઇલ ફોન વાપરવા માટે નહોતા આપ્યા. ધવલ જે પણ શહેરમાં રહેવા જતો ત્યાં એકને પોતાની પત્ની અને બીજીની ઓળખ સાળી તરીકે આપતો હતો. મોટેભાગે ત્રણેક મહિનામાં ઘર બદલી નાખતો હતો.
10 છોકરીને ભગાડી તેના અનુભવનું પુસ્તક લખવા માગતો હતો
પોલીસે જ્યારે ધવલને પૂછ્યું કે તું કોઈ એક યુવતી સાથે લગ્ન કરીને ઠરીઠામ કેમ નથી થતો? ત્યારે તેણે જણાવ્યું, પોતે જીવનમાં અલગ-અલગ યુવતીઓ સાથે સહવાસમાં રહી આ અનુભવ પર એક પુસ્તક લખવા માગે છે. પડધરીની બન્ને તરુણી સહિત અત્યારસુધીમાં 8 યુવતી-તરુણીઓને ભગાવી ચૂક્યો છું અને હવે માત્ર બે યુવતી મળી જાય એ પછી પુસ્તક લખવાનું શરૂ કરીશ! જેનું નામ "10 પર્ફેક્ટ વુમન ઇન માય લાઇફ" હશે.
મોટી ઉંમરની વ્યક્તિને પરણેલા સેલિબ્રિટીના ઉદાહરણ આપી મોહજાળમાં ફસાવી લેતો
પૂછપરછ દરમિયાન ધવલ ત્રિવેદી પોતે સેક્સ પાવર વધારવા માટેની દવાઓ લેતો હોવાનું સ્વીકાર્યું હતું. તેણે એવો પણ દાવો કર્યો હતો કે વશીકરણ વિદ્યા જાણે છે, જેના થકી વિદ્યાર્થિનીઓને પ્રભાવિત કરીને ફસાવી લેતો હતો. કિશોરીઓને પોતાની સાથે ભાગી જવા માટે બ્રેઈનવોશ કરતો. એ માટે જે સેલિબ્રિટીઝે પોતાનાથી નાની ઉંમરની મહિલાઓ સાથે લગ્ન કર્યા હોય તેમના જીવન વિશે જણાવતો અને કહેતો આમાં અફસોસ કરવા જેવું કાંઈ જ નથી.
ધવલ ત્રિવેદી હવે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો હતો. 9મા ધોરણની વિદ્યાર્થિનીઓને ભગાડવાના કેસમાં તેની સામે અપહરણ, બળાત્કાર અને પોક્સો જેવી કલમો પણ લગાવવામાં આવી હતી. ગુજરાતભરમાં ચર્ચામાં બનેલા લંપટ ગુરુના રિમાન્ડ પૂરા થતાં જેલહવાલે કરવામાં આવ્યો અને બીજી તરફ પોલીસ તેના વિરોધમાં મજબૂત ચાર્જશીટ તૈયાર કરવામાં લાગી ગઈ.
કેસ લડવા વકીલ ન રોક્યો, પોતે જ કોર્ટમાં દલીલો કરી
ધવલ સામે ઘડાયેલા આરોપોને જોતાં લાગતું હતું કે હવે તે ક્યારેય જેલમાંથી પાછો બહાર નહીં આવે. થોડા જ મહિનાઓમાં પોલીસે ધવલ સામે સજ્જડ પુરાવા ભેગા કરીને કોર્ટમાં ચાર્જશીટ જમા કરાવી દીધી અને કેસ આગળ વધ્યો ત્યારે ધવલે એક આશ્ચર્યજનક નિર્ણય લીધો. તેણે પોતાના કેસ માટે વકીલ રોકવાને બદલે જાતે જ કેસ લડવાનું નક્કી કર્યું. નિયમ મુજબ કોર્ટે પણ તેની આ અરજી ગ્રાહ્ય રાખી. કોર્ટમાં સુનાવણી દરમિયાન ધવલે પોતાના પક્ષમાં ઘણા ધારદાર દલીલો કરી હતી. જોકે તેના તર્ક સામે ઇન્વેસ્ટિગેશન કરનાર પોલીસ અધિકારીઓ પાસે નક્કર પુરાવા અને સાક્ષીઓની કતાર હતી. લગભગ ચાર વર્ષનો સમય વીતી ગયો.
10 યુવતી સાથે પ્રેમલીલા બાદ તે પુસ્તક લખવું હતું
પુરાવા, મેડિકલ રિપોર્ટ તેમજ સાક્ષીઓનાં નિવેદનના આધારે અદાલતે ધવલ સામેનો અપહરણ, બળાત્કાર અને પોક્સોનો કેસ સાચો માન્યો. 2018માં માર્ચ મહિનામાં નીચલી અદાલતે ધવલ ત્રિવેદીને આજીવન કેદ અને 30 હજાર રૂપિયા દંડની સજા ફટકારી હતી. આ ચુકાદો આવ્યો ત્યાં સુધીમાં લંપટ શિક્ષક ધવલ 8 છોકરીઓ-યુવતીઓને પોતાની કથિત પ્રેમજાળમાં ફસાવી ચૂક્યો હતો. 10 યુવતી સાથે પ્રેમલીલા બાદ તે પુસ્તક લખશે એવું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. એટલે કોર્ટની સજા પછી તો ઘણા બધાને એવું લાગ્યું કે હવે ધવલના લજામણા ખેલનો અંત આવી ગયો, પરંતુ સુધરે એ બીજા!
હાઇકોર્ટમાં કેસ પહોંચ્યો અને ધવલને શોધવાનું કામ સીબીઆઈને સોંપાયું
ધવલ પોતે પોક્સો, દુષ્કર્મ અને અપહરણ જેવા કેસમાં સજા પામેલો ગુનેગાર હતો. એક વર્ષ કરતાં પણ વધુ સમય પસાર થઈ છતાં તેની ધરપકડ ન થતાં આખો મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો. ગુજરાત પોલીસે ગુનો નોંધ્યા પછી ધવલ ત્રિવેદીને પકડવો તેમના માટે મુશ્કેલ બનતાં ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ મામલો સીબીઆઈ સુધી પહોંચ્યો હતો.
સીબીઆઇએ ધવલને શોધવા પાંચ લાખ રૂપિયા ઇનામ રાખ્યું હતું
સીબીઆઈએ ધવલ અને તેની સાથે રહેલી યુવતીને શોધી કાઢવા તમામ રાજ્યોની પોલીસની મદદ માગી હતી. આ ઉપરાંત તમામ રાજ્યના શિક્ષણ વિભાગને પણ ધવલ અંગે જાણકારી આપી હતી. એટલું જ નહીં, ધવલ ત્રિવેદીને શોધી કાઢે તેને પાંચ લાખ રૂપિયા ઇનામ આપવાની પણ જાહેરાત સીબીઆઈએ કરી દીધી હતી. તેના નામ અને તસવીર સાથે પોસ્ટર પણ છપાવ્યાં હતાં.
ફેક્ટરીમાં શીખ વ્યક્તિનો વેશ ધારણ કર્યો
એક વર્ષની લાંબી મહેનત પછી દિલ્હી પોલીસે ધવલને શોધી કાઢ્યો હતો. અગાઉ શિક્ષક બનીને નોકરી કરતો ધલવ આ વખતે પોલીસથી બચવા માટે હિમાચલ પ્રદેશની એક ફેક્ટરીમાં શીખ વ્યક્તિનો વેશ ધારણ કરીને સિક્યોરિટી ગાર્ડની નોકરી કરી રહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech