રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ

  • April 25, 2025 09:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આગામી બે મહિના સુધી 24 કલાક કાર્યરત રહેશે. એરપોર્ટ ઓથોરિટીએ દુબઈ, ઓમાન, શાહજહાં અને અમીરાત સહિત મિડલ ઇસ્ટની ફ્લાઇટ્સના લેન્ડિંગ માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેથી હવે અહીં કોઈપણ સમયે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉતરાણ કરી શકશે.


પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને પગલે પાકિસ્તાને ભારતીય એરલાઇન્સ માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મિડલ ઇસ્ટના દેશોમાંથી આવતી ફ્લાઇટ્સની ઇમરજન્સી લેન્ડિંગ માટે ઉચ્ચ સ્તરેથી રાજકોટ એરપોર્ટને 24 કલાક ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એરપોર્ટ ઓથોરિટીને આ અંગે જાણ કરવામાં આવી છે.


આ સંદર્ભે એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહના અધ્યક્ષ સ્થાને ગઇકાલે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં એરપોર્ટના તમામ વિભાગોના અધિકારીઓ અને ખાસ કરીને ઓપરેશનલ ટીમ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. એરપોર્ટને 24 કલાક કાર્યરત રાખવા માટે વધુ 50 જેટલા સ્ટાફને તાત્કાલિક મોકલવા માટે વેસ્ટર્ન રિજનને જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત કસ્ટમ અને ઇમિગ્રેશન વિભાગની ઓથોરિટીને પણ આ અંગે જાણ કરી દેવામાં આવી છે.


ઓમાન, દુબઈ, દોહા અને શાહજહાં માટે ઇન્ડિગો અને એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ દિલ્હીથી ઉડાન ભરે છે. આ સેક્ટર માટે અગાઉ પાકિસ્તાનના કરાચી અને લાહોર નેવિગેશન રૂટનો ઉપયોગ થતો હતો, જે ટૂંકો હોવાથી ઓછું ઇંધણ વપરાતું હતું. પાકિસ્તાનના એરસ્પેસ બંધ કરવાના નિર્ણયથી હવે આ ફ્લાઇટ્સ લાહોર કે કરાંચી જઈ શકશે નહીં. આ કારણે અમદાવાદ એરપોર્ટનો ઇમરજન્સી માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સતત ટ્રાફિક રહેતો હોવાથી ઇન્ડિગો એરલાઇન્સે રાજકોટ એરપોર્ટની ભલામણ કરી હતી. મળતી માહિતી અનુસાર, ઉચ્ચ કક્ષાએથી આગામી બે મહિના માટે એરપોર્ટને 24 કલાક ચાલુ રાખવા માટેની તમામ તૈયારીઓ કરવા માટે સૂચના આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application