જોધપુર આશ્રમમાં સગીરા પર બળાત્કાર કેસમાં આસારામને રાજસ્થાન હાઇકોર્ટમાંથી રાહત, વચગાળાના જામીન 1 જુલાઈ સુધી લંબાવ્યા

  • April 07, 2025 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત બાદ હવે જોધપુર આશ્રમમાં સગીરા પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઇકોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે તેમના વચગાળાના જામીન 1 જુલાઈ સુધી લંબાવી દીધા છે. હાઈકોર્ટે આસારામને સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ જાહેર કરાયેલી શરતોનું પાલન કરવા જણાવ્યું છે. સોમવારે જસ્ટિસ દિનેશ મહેતા અને જસ્ટિસ વિનીત કુમારની ડિવિઝન બેન્ચમાં સુનાવણી થઈ હતી.


આસારામ 14 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી વચગાળાના જામીન પર હતા. આ સમયગાળો પૂરો થયા પછી 1 એપ્રિલે આસારામે સરેન્ડર કરી દીધું હતું. એ જ રાત્રે તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હજુ પણ ત્યાં જ દાખલ છે.


શું છે કેસ?
જોધપુરના મનાઈ આશ્રમમાં એક સગીરા પર બળાત્કારના કેસમાં 2 સપ્ટેમ્બર, 2013ના રોજ જોધપુર પોલીસે આસારામની તેમના ઇન્દોર આશ્રમમાંથી ધરપકડ કરી હતી. 25 એપ્રિલ 2018ના રોજ જોધપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા અને આજીવન કેદની સજા ફટકારી. 14 જાન્યુઆરીએ રાજસ્થાન હાઈકોર્ટે આ કેસમાં આસારામને 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. હવે ફરી એકવાર કોર્ટે તેમને 3 મહિના માટે વચગાળાના જામીન આપ્યા છે.


અગાઉ ગુજરાત હાઈકોર્ટ તરફથી રાહત મળી હતી
આ પહેલાં 28 માર્ચે આસારામને ગુજરાત હાઇકોર્ટમાંથી બીજી વખત 3 મહિના માટે વચગાળાના જામીન મળ્યા હતા. આ આધારે 1 એપ્રિલના રોજ રાજસ્થાન હાઈકોર્ટ ખૂલી ત્યારે આસારામના વકીલ નિશાંત બોરાએ પહેલાં દાખલ અરજી પર તરત સુનાવણી કરવાનો આગ્રહ કર્યો હતો. એના પર કોર્ટે 2 એપ્રિલે સુનાવણી કરી. લગભગ અડધા કલાક સુધી ચાલેલી સુનાવણીમાં આસારામ દ્વારા પ્રવચન કરવાનો આરોપ સામે આવવાથી કોર્ટે આ મામલાની સુનાવણી 7 એપ્રિલ કરવાનું નક્કી કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application