જિલ્લા પંચાયતોના પ્રાથમિક શિક્ષકોનો અટવાયેલો પગાર આજે મળે તેવી શક્યતા

  • March 15, 2025 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત રાજ્યભરની જિલ્લા પંચાયતો હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણાવતા અંદાજે 2,00,000 જેટલા શિક્ષકોનો પગાર અડધો મહિનો પસાર થઈ જવા છતાં થયો નથી આજે પગાર થવાની શક્યતા છે.

જિલ્લા પંચાયતના વર્તુળોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે દર મહિનાની 10 તારીખ સુધીમાં પગાર થઈ જતો હોય છે. પરંતુ નાણાકીય વર્ષના અંતિમ મહિનાના કારણે આ વખતે ઘણું મોડું થયું છે. ધુળેટીના તહેવારો પસાર થઈ જવા છતાં હજુ સુધી પંચાયતોના પ્રાથમિક શિક્ષકોને પગાર મળ્યો નથી. ગુરુવારે સાંજે સરકારે આ માટેની ગ્રાન્ટ રિલીઝ કરી હોવાનું જાણવા મળે છે અને તેના કારણે આજે પગાર થવાની શક્યતા છે.

રાજ્યભરમાં આશરે 30,000 જેટલી જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓ છે અને તેમાં બે લાખ જેટલા શિક્ષકો છે. આ તમામનો પગાર અટક્યો છે. અમુકને આજે અને બાકીનાઓને સોમવારે પગાર મળે તેવી શક્યતા છે.

મોટાભાગના નાણાકીય વર્ષોમાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી હોવાના કારણે આર્થિક રીતે સધ્ધર અમુક જિલ્લા પંચાયતોએ પોતાના સ્વભંડોળમાંથી અથવા તો બચત રકમમાંથી પ્રાથમિક શિક્ષકોના પગાર કરી દીધા છે અને હવે જ્યારે સરકાર તરફથી પગાર માટેની ખાસ ગ્રાંટ રિલીઝ કરવામાં આવી છે ત્યારે પોતાની રકમ પરત લઈ લેશે. પરંતુ આવી જિલ્લા પંચાયતોની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી છે. મોટાભાગની જિલ્લા પંચાયતોમાં પગારની ગ્રાન્ટ ન મળતા પગાર થયા ન હતા અને આજે અથવા તો સોમવારે તમામ શિક્ષકોને પગાર મળી જાય તે માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application