ગુજરાત હાઇકોર્ટે ખખડાવી નાંખ્યો...સુનાવણીના લાઈવ સ્ટ્રીમીંગમાં અરજદાર સિગારેટના કસ મારતો પકડાયો, ફટાકાર્યો આટલા રૂપિયાનો દંડ

  • April 05, 2025 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત હાઇકોર્ટમાં ચાલુ સુનાવણીમાં લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન એક અરજદાર સિગારેટના કસ મારતો ઝડપાયો હતો. બાદમાં હાઇકોર્ટના જજે આ અરજદારને ઉધડો લીધો હતો અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. 


પ્રાપ્ત વિગત મુજબ, બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના પ્રકરણમાં નોંધાયલી ફરિયાદના કેસમાં એક અરજદાર ગુજરાત હાઇકોર્ટ પ્રોસીડીંગ્સના લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન સીગારેટ પીતો જોવા મળ્યો હતો. આથી સીંગલ જજે સમગ્ર મામલો કન્ટેમ્પ્ટ બેંચમાં રિફર કર્યો હતો. જેને પગલે જસ્ટિસ એ.એસ. સુપહિયા અને જસ્ટિસ નિશા એમ. ઠાકોરની ખંડપીઠે આ અરજદારને ઉધડો લીધો હતો અને તેને 50 હજાર રૂપિયાનો સબક સમાન દંડ ફટકાર્યો હતો. 


અરજદારે અદાલતની ગરિમા અને ન્યાયતંત્રનું સન્માન ન જાળવ્યુ
 
થોડા દિવસ પહેલાં પણ હાઇકોર્ટની સુનાવણીમાં લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન શૌચાલયમાંથી કેસની સુનાવણીમાં ભાગ લેનાર એક અરજદારને હાઇકોર્ટે બે લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ આ બીજી ઘટના છે, જેમાં લાઇવ સ્ટ્રીમિંગની સુનાવણી દરમિયાન અરજદાર દ્વારા અદાલતની ગરિમા અને ન્યાયતંત્રનું સન્માન જળવાયું ના હોય. 


સીંગલ જજે આ બાબતની ખૂબ જ ગંભીર નોંધ લીધી

બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ખોટી રીતે લાભ લેવાના પ્રકરણમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધાઇ હતી. આ પ્રકરણમાં ધરપકડથી બચવા અરજદાર દ્વારા આગોતરા જામીન અરજી કરાઇ હતી અને તે હાઇકોર્ટની પ્રોસીડીંગ્સમાં લાઇવ સ્ટ્રીમિંગમાં જોડાયો ત્યારે તેણે સીગારેટ પીધી હતી. સીંગલ જજે આ બાબતની ખૂબ જ ગંભીર નોંધ લઈ તાત્કાલિક મામલો કન્ટેમ્પ્ટ બેંચમાં મોકલી આપ્યો હતો.


અરજદાર પર્સનાલિટી ડિસઓર્ડર જેવી બિમારીથી પીડાઇ રહ્યો છે

જસ્ટિસ એ.એસ.સુપહિયા અને જસ્ટિસ નિશા એમ.ઠાકોરની ખંડપીઠે અરજદારને પહેલાં તો બે લાખનો દંડ ફટકારવાની વાત કરી હતી. પરંતુ બાદમાં અરજદારના વકીલે બચાવ કર્યો હતો કે, અરજદાર પર્સનાલિટી ડિસઓર્ડર જેવી બિમારીથી પીડાઇ રહ્યો છે. આ અંગેના રિપોર્ટ પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જો કે, જસ્ટિસ સુપહીયા અને જસ્ટિસ ઠાકોરની બેંચે અરજદારની આવી અદાલતી અવમાનનાભરી હરકતને લઇ ઉધડો લઈ નાંખ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application