અવકાશમાંથી ધરતી પર પરત ફરતા સુનિતા વિલિયમ્સને PM નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા, જાણો X પર શું પોસ્ટ લખી

  • March 19, 2025 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર નવ મહિના અવકાશમાં રહ્યા પછી આજે વહેલી સવારે પૃથ્વી પર પાછા ફર્યા છે. બન્નેને અવકાશમાંથી પાછા ફરવા બદલ વિશ્વભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બંનેને એક્સ પર અભિનંદન આપ્યા છે.


તેમનો અટલ નિશ્ચય હંમેશા લાખો લોકોને પ્રેરણા આપશે
સુનિતા વિલિયમ્સ સાથેની એક તસવીર શેર કરતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે, પૃથ્વીએ તમને ખૂબ યાદ કર્યાં. તે તેમના ધૈર્ય, હિંમત અને અમર્યાદિત માનવ ભાવનાની કસોટી હતી. સુનિતા વિલિયમ્સ અને ક્રુ9 અવકાશયાત્રીઓએ ફરી એકવાર આપણને બતાવ્યું છે કે દ્રઢતાનો ખરેખર અર્થ શું છે. તેમનો અટલ નિશ્ચય હંમેશા લાખો લોકોને પ્રેરણા આપશે.


સુનિતા વિલિયમ્સ એક અગ્રણી અને પ્રતિષ્ઠિત વ્યક્તિ છે
મોદીએ આગળ લખ્યું કે, અવકાશ સંશોધન એટલે માનવ ક્ષમતાની સીમાઓને આગળ વધારવી, સ્વપ્ન જોવાની હિંમત કરવી અને તે સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવાની હિંમત રાખવી. સુનિતા વિલિયમ્સ એક અગ્રણી અને પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. જેમણે તેમની કારકિર્દી દરમિયાન આ ભાવનાનું ઉદાહરણ આપ્યું છે. અમને તે બધા લોકો પર ખૂબ ગર્વ છે જેમણે તેમના સુરક્ષિત પુનરાગમન માટે અથાક મહેનત કરી. તેમણે બતાવ્યું છે કે, જ્યારે ચોક્કસાઇ જુસ્સાને મળે છે અને ટેક્નોલોજી દ્રઢતાને મળે છે ત્યારે શું થાય છે.


મોદીએ ભારતની પુત્રી ગણાવી હતી
સુનિતા વિલિયમ્સે ઓછામાં ઓછી ત્રણ વખત ભારતની મુલાકાત લીધી છે, જેમાં 2007 અને 2013નો સમાવેશ થાય છે. સુનિતાને વર્ષ 2008માં પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા. તાજેતરમાં, નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સને પત્ર લખીને તેમને ભારતની પુત્રી ગણાવી હતી. પીએમ મોદીએ સુનિતાને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application