રાજકોટના જામગઢમાં નાનાભાઈ ફડાકા મારતા મોટાભાઈએ ઢીમ ઢાળી દીધું! દારૂ પી માતા-પિતા સાથે પણ હાથાપાઈ કરતો હોય સમજાવતા ડખો થયો હતો

  • May 23, 2025 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના જામગઢમાં એક સપ્તાહ પૂર્વે વાડીએ નિંદ્રાધિન યુવાન મુકેશ ઉર્ફે મૂકો વેલાભાઈ વાવડીયાની અજાણ્યા શખસોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી.કોયડારૂપ આ બનાવને લઈ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે આ હત્યાનો ભેદ ઉકેલવી નાખ્યો છે. મૃતકના સગા ભાઇ વીનુ ઉર્ફે વીનો વેલાભાઈ વાવડીયા(ઉ.વ 40) જ તેની હત્યા કર્યા બાદ ખોટી સ્ટોરી ઘડી હોવાનું સામે આવ્યું હતું. નાનોભાઈ દારૂ પી ઘરમાં અવારનવાર ડખા કરતો હોય તેમજ માતા પિતા સાથે પણ મારકૂટ કરતો હતો. જેથી આ બાબતે સમજાવતા નાના ભાઈએ ફડાકા મારી દીધા હતા. જેથી વિનુનો પીતો ગયો હતો અને તેણે સગા નાના ભાઈની હત્યા કરી નાખી હતી.


જામગઢ ગામે રહેતા અને ખેતીવાડી કરતા વિનુભાઈ ઉર્ફે વિનો વેલાભાઈ વાવડીયાએ કુવાડવા રોડ પોલીસમાં અજાણ્યા સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે અમો ચાર ભાઈ-બહેન છીએ. જેમાં નાનો મુકેશ વેલાભાઈ વાવડીયા(ઉ.૩૩)હતો.પરિવાર


તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી

સાથે જમી મુકેશ બહાર ગયો હતો.અને રાત્રીના વાડીએ સુવા જતો રહે છે. હું પણ જમીને ગામમાં પાનની કેબીને બીડી લેવા ગયો હતો.અને થોડીવાર ત્યાં બેસી પરત ઘરે આવી સુઈ ગયેલ હતો વહેલી સવારે ૬ વાગ્યે ચા-પાણી પી ગાયને દોહી સવારે ૭ વાગ્યે ઘરેથી વાડીએ ગયેલ ત્યારે ભાઈ મુકેશ વાડીએ ખાટલા ઉપર લોહી લુહાણ હાલતમાં પડેલ તેને મોઢે-આંખે અને કપાળના ભાગે તીક્ષણ હથિયારના ઘા ઝીંક્યા હોવાના નિશાન જોવા મળ્યા હતા.જેથી પત્નિને વાત કરી ધનજીભાઈને વાડીએ આવવાનું કહેતા તેઓ આવી ગયેલ બાદ મે મારા ફોનમાંથી પોલીસ અને ૧૦૮ને જાણ કરતા ઈએમટી સહિતનો સ્ટાફ દોડી ભાઈ મુકેશને તપાસી મૃત જાહેર કર્યો હતો.જેથી પોલીસે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિ.માં ખસેડયો હતો.આમ કોઈ અજાણ્યા શખસોએ નાનોભાઈ વાડીએ સુતો હતો ત્યારે તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.


મૃતક મુકેશ દારૂ પીવાની કુટેવ ધરાવતો

દરમ્યાન આ તપાસમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એમ.આર.ગોંડલીયા,એમ.એલ.ડામોર,સી.એચ.જાદવની રાહબરીમાં પીએસઆઇ એમ.કે.મોવાલીયા, વી.ડી.ડોડિયા તથા ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન એ.એસ. આઈ વિજયરાજસિંહ જાડેજા,હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર, દિલીપભાઈ બોરીચા, કોન્સ્ટેબલ સંજયભાઈ ખાખરીયા પ્રદિપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ફરિયાદી જ હત્યારો હોવાનું ખુલતાં મોટાભાઈ વીનુને સકંજામાં લઈ આકરી ઢબે પુછતાછ કરતા મૃતક મુકેશ દારૂ પીવાની કુટેવ ધરાવતો હોવાથી અવાર-નવાર ઘરમાં દારૂ પી આવી ઘમાલ મચાવતો હતો. એટલું જ નથી મુકેશ માતા પિતા સાથે પણ મારકૂટ કરતો હોય પિતાનું તાજેતરમાં જ કિડનીનું ઓપરેશન કરાવ્યું હોય છતાં તે તેની સાથે મારકુત કરતો હોય જેથી આરોપી વિનુએ તેને આ બાબતે સમજાવતા ઉશ્કેરાય તેણે મોટાભાઈને બે ફડાકા મારી દીધા હતા.બાદમાં વિનુએ પીતો ગુમાવ્યો હતો અને ભાઈની હત્યા કરવાનું મનોમન નક્કી કરી લીધું હતું. રાત્રિના વાડીએ વીનુએ મુકેશને પાવડાનો ઘા અને પેવર બ્લોકના ઘા મારી પતાવી દીધો હતો ત્યારબાદ પોતે જ ફરિયાદ નોંધાવી પોલીસને સતત ગેરમાર્ગે દોરતો રહ્યો હતો.


ફુવાથી લઈ ભુવા પાસે ગયો હોવાનું કહી પોલીસને સતત ગેરમાર્ગે દોરી

પોલીસે જણાવ્યું હતું કે,હત્યાના આ બનાવને લઈ આરોપી વિનુ શરૂઆતથી જ પોલીસની ગેરમાર્ગે દોરી રહ્યો હતો. પ્રથમ તેણે કહ્યું હતું કે, તેના ભાઈને દારૂ પીવાની કુટેવ હોય જેથી તેના કોઈ મિત્રોએ હત્યા કરી હોઈ શકે. જેથી પોલીસે આ દિશામાં તપાસ કરી હતી પરંતુ કોઈ ઠોસ વિગત મળી ન હતી. બાદમાં પોતાના ભાઈને કહેતા પોલીસે આ મહિલાની પૂછતાછ કરી હતી પરંતુ તેમાં પણ કોઈ નક્કર વિગત મળી ન હતી. બાદમાં પોલીસે વિનુને બનાવ સમયે તે ક્યાં હતો તે બાબતે પૂછતા તેણે કહ્યું હતું કે તે પોતાના ફુવાના ઘરે હતો. જેથી પોલીસે ત્યાં ખરાઈ કરતા તે અહીં ન આવ્યો હોવાનું કહ્યું હતું. બાદમાં તેને આ બાબતે પૂછતા તે દારૂ ઉતારવા ગયાનું કહેતા પોલીસે બુટલેગર સુધી પહોંચી તેની પણ પૂછતાછ કરી હતી પરંતુ વિનુ તેની પાસે ન આવ્યો હોવાનું કહ્યું હતું. ત્યારબાદ તેણે પોલીસને પોતે દાણા જોવડાવવા ભુવા પાસે ગયાનું કહ્યું હતું. જેથી પોલીસે ભુવાનો સંપર્ક કરી પૂછતા તેણે પણ વિનુની આ વાત ખોટી હોવાનું કહેતા પોલીસને વિનું ઉપર શંકા દ્રઢ બની હતી. બાદમાં પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે વટાણા વેરી દઈ પોતે જ હત્યા કર્યાની કબુલાત આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application