મવડીની કરોડોની જમીન અંગેના દાવામાં પ્રાથમિક હુકમનામા સામેના વાંધા ફગાવાયા

  • April 26, 2025 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ગામ મવડીની કરોડો રૂપિયાની જમીન અંગે ચાલતા દાવામાં એક પ્રતિવાદી સાથે થયેલા સમાધાન મામલે વાદીની પ્રાથમિક હુકમનામું કરી આપવાની અરજી સિવિલ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.

આ કેસની હકીકત મુજબ, વાદી બાબુભાઈ મનજીભાઈ બાસીડા તથા દિનેશભાઈ મનજીભાઈ બાસીડાએ પ્રતિવાદીઓ (૧) રાજેશભાઈ નાથાભાઈ સોરઠીયા, (૨) ગુજ. ઉકાભાઈ પોપટભાઈ ખુંટના વારસો, (૩) વનીતાબેન અરવિંદભાઈ સોરઠીયા, (૪) વશરામભાઈ કરમણભાઈ સોરઠીયા, (૫) સવજીભાઈ હંસરાજભાઈ સોરઠીયા, (૬) વલ્લભભાઈ વિરાભાઈ મેઘાણી તથા (૭) સવિતાબેન લલીતભાઈ પટેલ તથા મામલતદાર, રાજકોટ સામે એવા મતલબનો દાવો કરેલ કે બંને વાદીઓના પિતાશ્રી "મનજી લવા" ની માલિકીની ખેતીની કરોડો રૂપિયાની કિંમતી જમીન રાજકોટ શહેરમાં સમાવિષ્ટ ગામ મવડીના જુના રેવન્યુ સર્વે નં. ૧૬૯ નવા રેવન્યુ સર્વે નં. ૩૦૧ કે જે "ભાલવાળું" તરીકે ઓળખાતું ખેતર જેના જમીન એકર ૨૨-૧૯ ગુંઠા વાદીઓના પિતાશ્રી મનજી લેવાના નામે હોવાના રાજાશાહી વખતના રેવન્યુ દસ્તાવેજો રજૂ કરી તે જમીનના વાદીઓ કાયદેસરના માલીક છે તેમ છતા પ્રતિવાદીઓ દ્વારા સદરહું જમીનનું ખોટું અને બોગસ રેકર્ડ ઉભું કરી મિલ્કત વેચાણ, બક્ષીસ, ટ્રાન્સફર, એસાઈન ઉપરોકત પ્રતિવાદીઓ કરી રહ્યા છે, જે રોકવા દાવો દાખલ કરી જાહેર નોટીસ તેમજ વ્યકિતગત લેખીત નોટીસ પ્રતિવાદીઓને આપેલ હતી.

ઉપરોક્ત દાવો દાખલ કર્યા બાદ પ્રતિવાદી નં. ૪ વશરામભાઈ કરમણભાઈ સોરઠીયાએ વાદીઓ સાથે લેખીત સમાધાન કરેલ અને અન્ય બંને વચ્ચે તે મતલબનું "સમાધાન કરાર તથા કબુલાતનામું" નોટરી સમક્ષ કરવામાં આવેલ. અને તે સમાધાનના આધારે વાદીઓ તથા પ્રતિવાદી નં. ૪એ પ્રાથમીક હુકમનામું કરી આપવા કોર્ટમાં અરજી કરી હતી. તે સામે અન્ય પ્રતિવાદીઓએ તેમનો સખત વાંધો લીધેલો અને એવું જણાવેલ કે હાલના તબકકે વાદીઓ તથા પ્રતિવાદી નં. ૪ સમાધાન કરી શકે નહીં તેમજ સમાધાન ગેરકાયદેસરનું છે. જયારે વાદીઓના વકીલ રાજેશ કે. દલ દ્વારા એવી રજુઆત કરવામાં આવેલ કે બન્ને પક્ષકારો વચ્ચે કાયદેસરનું સમાધાન છે, સમાધાન નોટરી સમક્ષ રજિસ્ટર્ડ કરવામાં આવેલ છે, સમાધાનમાં વાદીઓને રૂપિયા સીતેર લાખ પુરા કાયદેસર રીતે પ્રતિવાદી નં. ૪ દ્વારા આપવામાં આવેલ છે, આ સમાધાન અન્ય પ્રતિવાદીઓ અટકાવી શકે નહી. આ સમગ્ર દલીલો માન્ય રાખી રાજકોટના સિવિલ કોર્ટે સમાધાન મંજુર કરેલ અને વાદીઓની અરજી મંજુર કરી પ્રાથમીક હુકમનામું કરી આપવું તેવો હુકમ ફરમાવેલ છે.આ કામમાં વાદીઓ વતી રાજકોટના વકીલ રાજેશ કે. દલ, નિલેશ આર. શેઠ, શ્યામ જી. રાઠોડ, તથા આકાશ એમ. ચૌહાણ રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application