રિક્ષાના પાર્કિંગ બાબતે પડોશીઓ વચ્ચે માથાકૂટ: મહિલા સહીત બે ને ઇજા

  • April 10, 2025 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના નાણાવટી ચોક પાસે આવેલા આરએમસી ક્વાર્ટરમાં રિક્ષાના પાર્કિંગ બાબતે પડોશી દંપતીઓ વચ્ચે માથાકૂટ થતા સામસામી મારામારી થઇ હતી અને ઘરમાં વસ્તુઓ વેરવિખેર કરી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મારામારીમાં બંને પક્ષના મહિલા સહીત બે ને ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. ગાંધીગ્રામ પોલીસે બંનેની સામસામી ફરિયાદ પરથી પડોશી બંને દંપતી સહીત પાંચ વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે.


પ્રાપ્ત વિગત મુજબ નાણાવટી ચોક પાસે નંદનવન આવાસ યોજના ક્વાર્ટરમાં નં-107માં રહેતા અને રિક્ષા હંકારતા તૌસીફ હનીફભાઈ હુનાણી (ઉ.વ.30)નાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં બ્લોક નં-107માં રહેતા ગોપાલભાઈ આહીર તેની પત્ની મનીષાબેન અને અજાણ્યા શખસના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે રાત્રે હું અને મારી પત્ની બાળકો બધા માતાના ઘરેથી આવી વિંગમાં રિક્ષા પાર્ક કરવા માટે જતા ત્યાં પહેલા માળે રહેતા ગોપાલભાઈ આહીરએ પોતાની રિક્ષા પાર્ક કરી હતી આથી હું અને મારી પત્ની ઉપર જતી વખતે તેને કહેવા ગયા હતા કે, તમારી રિક્ષા ત્યાંથી લઇ લ્યો તો મારી રિક્ષા પાર્ક કરી શકું, ગોપાલભાઈએ મારી રિક્ષા ત્યાંજ રહેશે અને બીજી રિક્ષા છે એ પણ મારી જ છે અને એ પણ ત્યાં જ રહેશે તારાથી થાય એ કરી લે, અમારે ઝગડો કરવો ન હોવાથી અમે ઉપર જતા હતા ત્યારે ગોપાલભાઈની પત્ની મનીષાબેન બહાર આવી મારી પત્ની આયેશા સાથે બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમારવા લાગ્યા હતા. હું વચ્ચે પડતા ગોપાલભાઈ તેની સાથેના અજાણ્યા માણસએ મને કપડાં ધોવાના ધોકાથી તેની પત્નીએ તપેલી થી મને પણ મારમારી મારા વાળ ખેંચી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દેકારો થતા આસપાસના માણસો ભેગા થઇ જતા અમે પોલીસને પણ જાણ કરી હતી અને બાદમાં 108 મારફતે મને સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


જયારે સામાપક્ષે મનીષાબેન ગોપાલભાઈ કનારા પોતાને તૌસીફ હનીફભાઇ મુલાણી અને પત્ની આયશાબેનએ ઘરમાં ઘુસી મારા પતિને રિક્ષા સરખી રાખવાનું કહી ઘરની ચીજવસ્તુઓ જેમ તેમ ફેંકી રિક્ષા તો તમારે પાર્કીગમાંથી લેવી જ પડશે કહી અમને પતિ પત્ની અને દેર દેરાણી સાથે હાથાફાઈ કરી હતી. તૌસીફએ રિક્ષામાંથી પાઇપ કાઢી મારા હાથના કાંડામાં માર્યો હતો અને આખા ખાનદાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. બંને પક્ષની ફરિયાદ પરથી પોલીસે તૌસીફ હનીફભાઇ મુલાણી તેની પત્ની આઇશાબેન તેમજ નીચેના માળે રહેતા ગોપાલ ભાઈ કનારા તેની પત્ની મનીષાબેન અને અજાણ્યા માણસ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News