જામનગરને રાજાશાહી વખતમાં નવાનગરનું ઉપનામ મળ્યું હતું તે આજે પણ ચાલુ છે. રંગમતી, નાગમતી, રણમલ તળાવ, જેવા અનેક પ્રોજેકટો તે વખતે રાજાશાહી વખતમાં કરવામાં આવ્યા હતા. આજે પણ રાજાઓની દીર્ઘદ્રષ્ટિ ખુબ જ કામ આવે છે. રંગમતી નદી કેટલાક સ્થળોએ બુરાઇ ગઇ છે. રંગમતીમાં કચરો અને કેમીકલ ઠાલવવામાં આવે છે. કુલ છ વોર્ડમાં ચોમાસા દરમ્યાન પુર અને વરસાદને કારણે રૂ. ૩૦ થી ૩૫ કરોડનું દર વર્ષે નુકશાન થાય છે.
હવે રંગમતી નદીને રાજાશાહી કાળમાં લઇ જવા માટે મ્યુ. કમિશનર દિનેશ મોદીએ અધિકારીઓને સાથે રાખીને એક માસ્ટર પ્લાન કર્યો છે. અને ફરીથી આ નદી મુળ સ્વરૂપમાં આવે તે માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રોજેકટથી જામનગરને ખુબ જ લાભ થશે અને ચોમાસામાં થતુ નુકશાન અટકશે તેમ મ્યુ. કમિશનર ડી.એન. મોદીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
થોડા દિવસ પહેલા રંગમતી નદીને કેવી રીતે પહોળી અને ઉંડી કરવી તે અંગે ડી.એમ. સી.દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશભાઇ જાની, નાયબ ઇજનેર રાજીવ જાની સહિતના અધિકારીઓએ એક માસ્ટર પ્લાન ઘડીને સરકારમાં મોકલ્યો છે. શરૂઆતના તબકકામાં કોર્પોરેશને રૂ. ૪ કરોડની ફાળવણી કરી હતી. ત્યારબાદ રિલાયન્સ અને એસ્સાર જેવી માતબર કંપની તેમજ કેટલાક ઉદ્યોગ કંપનીઓએ પણ જેસીબી, હિટાચી, અને ડમ્પર સહિતની માલસામગ્રી કોર્પોરેશનને આપી હતી.
રિજુવીનેશન પ્રોજેકટ માટે સરકારે રંગમતી નદીના કામ માટે રૂ. ૧૨૫ કરોડ આપવા સહમતી આપી છે અને તેના પ્રથમ તબકકામાં રૂ. ૨૫ કરોડની ટોકન રકમ જામનગર મહાનગરને ફાળવી છે. અને આ પ્રોજેકટને સેદ્ધાંતિક મંજુરી પણ આપી દીધી છે. રંગમતી નદી કેટલાક સ્થળોએ પુરાઇ ગઇ છે. એટલે હવે આ પ્રોજેકટમાં ૫૦ થી ૧૦૦ કિ.મી. સુધી આ નદી પહોળી અને ઉંડી કરવામાં આવશે. નદીના વહેણમાં આવતા કેટલાક ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવશે.
છેલ્લા ૧૦ વર્ષમાં વરસાદનું પ્રમાણ ખુબ જ વઘ્યુ છે. ત્યારે વોર્ડ નં. ૧,૨,૪ ૧૧,૧૨,૧૬ માં દર વર્ષે ચોમાસામાં લગભગ રૂ. ૩૦ થી ૩૫ કરોડનું નુકશાન થાય છે. હજારો લોકોનાં મકાનમાં પાણી ઘુસી જાય છે. જેને કારણે અનાજ, કરિયાણા, તેમજ અન્ય જીવનજરી ચીજવસ્તુઓ અને ઇલેકટ્રીક આઇટમ નાશ પામે છે. ગયા વર્ષે લગભગ ૩૦ કરોડ જેટલું નુકશાન થયુ હતું. આ નુકશાન અટકાવવા માટે હવે કાયમી રીતે રંગમતી નદીને પહોળી અને ઉંડી કરવા માટે અધિકારીઓએ માસ્ટર પ્લાન શરૂ કર્યો છે અને તા.૩૦ જૂન સુધીમાં લગભગ વરસાદ ન આવે ત્યાં સુધી આ કામગીરી પુરજોશમાં ચાલુ રહેશે.
અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ જે કામગીરી થઇ રહી છે તેમાં અલગ અલગ સ્થળો થઇને ૧૩ હિટાચી, છ જેસીબી, ૬૦ ડમ્પર, કામગીરીમાં લાગી ગયા છે. વરસાદની સીઝન પુરી થયા બાદ પણ રૂ. ૧૨૫ કરોડના ખર્ચવાળો આ પ્રોજેકટ ચાલુ જ રહેશે તેમ મ્યુ. કમિશનર મોદીએ જણાવ્યું હતું. જામનગરને હવે આગામી દિવસોમાં રંગમતી નદીનું રૂપ નવુ જોવા મળશે. નદીની સ્વચ્છતા ઉપર ખાસ ઘ્યાન અપાશે. ટુંકમાં કોર્પોરેશનનાં ચુનંદા અધિકારીઓ આ કામ ઝડપી કરી રહ્યા છે. ચોમાસા સુધી વધુને વધુ નદીનુ ખોદકામ થાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. ટુંકમાં જામનગર માટે આ ગ્રીન પ્રોજેકટ કહી શકાય.