કાલથી માધવપુરના પાંચ દિવસીય પંચરંગી મેળાનો થશે ભવ્ય આરંભ

  • April 05, 2025 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના માધવપુરમાં છઠ્ઠી એપ્રિલથી રાષ્ટ્રીયકક્ષાના પાંચ દિવસીય મેળાનું આયોજન થવા જઇ રહ્યુ છે ત્યારે તેની માહિતી આપવા જિલ્લા કલેકટર અને ધારાસભ્યના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં પોતાની ટેવ મુજબ ધારાસભ્યએ વડાપ્રધાનના ગુણગાન ગાયા હતા અને એવુ સિધ્ધ કર્યુ હતુ કે ગ્રામપંચાયત દ્વારા થતો મેળો રાષ્ટ્રીયકક્ષાએ લઇ જવામાં નરેન્દ્ર મોદીનું યોગદાન મહત્વનું છે.
પાંચ દિવસનું પંચરંગી આયોજન
પોરબંદરના જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે માધવપુરમાં તા. ૬ એપ્રિલે સાંજે છ વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સાંજે ૬ વાગ્યે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવીયા, ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રવાસનમંત્રી મુ‚ બેરા, પોરબંદર જિલ્લાના  પ્રભારીમંત્રી કુંવરજીભાઇ બાવળીયા, રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા, પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા, રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સહિત અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે અને પાંચ દિવસના આ આયોજન દરમ્યાન અનેક રાજ્યના ગવર્નર અને મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે જેમાં વિધિવત  રીતે જાહેરાત થઇ હોય તેવા ત્રિપુરાના ગવર્નર ૮મી એપ્રિલે મેળામાં હાજરી આપશે. આજકાલ પ્રતિનિધિ
પોરબંદર
માધવપુરના મેળામાં ઉત્તર-પૂર્વના આઠ રાજ્યના ઉત્પાદનોનું  વેચાણ થશે.
આસામ મિઝોરમ સહિતના વિસ્તારોની સાડીઓ માધવપુરના મેળામાં મળશે 
પોરબંદર નજીક માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને ‚ક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ઉત્તરપૂર્વના આઠ રાજ્યોના પરંપરાગત ઉત્પાદનોનું માધવપુરના મેળામાં વેચાણ થશે. એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ અંતર્ગત નોર્થ ઈસ્ટના રાજ્યોમાંથી ૩૨૦ કારીગરો ૧૬૦ સ્ટોલમાં હાથ શાળ - હસ્ત કલાની વસ્તુઓનું વેચાણ કરશે. જેમાં ઉત્તર પૂર્વના પહાડી વૃક્ષો માંથી બનેલી વસ્તુ, પહાડીફૂલો, પરંપરાગત પહેરવેશ, આભૂષણો, વાસ સહિતની વસ્તુઓ માધવપુરના મેળામાં આકર્ષણ જમાવશે.
માધવપુરમાં યોજાનાર  રાષ્ટ્રીય કક્ષાના મેળામાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ થીમ હેઠળ તૈયાર કરાયેલ હસ્તકલા હાટમાં ઉત્તરપૂર્વીય રાજ્યોના પરંપરાગત ઉત્પાદનોનું મેળામાં અને‚ આકર્ષણ જોવા મળશે. ભારત સરકાર દ્વારા ઇન્ડેક્ષટ - સી અંતર્ગત તમામ પ્રકારની તૈયારીઓ આ કારીગરોને પ્લેટફોર્મ આપવા માટે કરવામાં આવી રહી છે.પહાડી વૃક્ષોમાંથી બનેલા ફૂલો, પરંપરાગત પહેરવેશ, આભૂષણો, વાસ સહિતની વસ્તુઓનું હાટમાં વેચાણ થશે. સ્થાનિક લોકો ઉત્તરપૂર્વની વસ્તુઓ ખરીદવાની સાથે ત્યાંની હસ્તકલાથી વાકેફ થશે. આ સાથે કારીગરોને પ્લેટફોર્મ મળશે. આસામની હેન્ડલૂમ સાડી, ચાદર, મણિપુરથી પરંપરાગત ડ્રેસિસ, વિવિધ ઉત્સવોમાં પહેરાતા સાંસ્કૃતિક કપડાં, પહાડી ટોપી, જ્વેલરી વગેરે વસ્તુનું વેચાણ થશે.
આસામની સાથો સાથ ગુજરાત રાજ્યના સ્થાનિક જિલ્લાઓના હસ્ત કલાના કારીગરોને પણ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ભારત સરકાર દ્વારા નોર્થ ઈસ્ટની સાથોસાથ ગુજરાતના પોરબંદર, દ્વારકા, જુનાગઢ, અમદાવાદ સહિતના ૮૦ કારીગરો માટે ૪૦ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. જેમાં ગુજરાતની હેન્ડલુમ, હેન્ડક્રાફ્ટ, ભરત કામ, પેસવર્ક, બાંધણી, પટોળા, વણાટ કામ, જવેલરી વગેરેનું વેચાણ થશે. ઉપરાંત પોરબંદર મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયતના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સખી મંડળ, સ્વસહાય જૂથના બહેનોને પણ તેમના દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે સ્ટોલ આપવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના બહેનોને ૧૦ સ્ટોલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પોરબંદર જિલ્લાના બહેનો માટે ૧૦ તથા અન્ય જિલ્લાના બહેનો માટે ૧૦ મળી કુલ ૩૦ સ્ટોલ સખી મંડળ, સ્વસહાય જૂથના બહેનોને અપાયા છે. આ બહેનો પણ માધવપુરના મેળામાં તેમના દ્વારા ઉત્પાદિત થયેલ વસ્તુનું વેચાણ કરી સ્વરોજગારી મેળવશે.


આવતીકાલથી માધવપુરના ભવ્યાતિ ભવ્ય મેળાનો શુભારંભ થવા જઇ રહ્યો છે ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ આ મેળાને સાત ઝોનમાં વહેંચવામાં આવ્યો હોવાનું જિલ્લા પોલીસ વડાએ જાહેર કર્યુ હતુ અને પોલીસ બંદોબસ્ત અંગેની ઉંડાણથી માહિતી આપી હતી.
તા. ૬-૪-૨૦૨૫થી તા. ૧૦-૪-૨૦૨૫ દરમ્યાન માધવપુર ખાતે રાષ્ટ્રીયકક્ષાના મેળાનું આયોજન થનાર છે. જેમાં ગુજરાત તેમજ ઉત્તર પૂર્વીય રાજ્યના રાજ્યમંત્રી, રાજ્યકક્ષાના મંત્રીઓ  અલગ -અલગ દિવસે મુલાકાત લેનાર છે તેમજ ઉત્તર પૂર્વીય તથા ગુજરાત રાજ્યના ૨૦૦૦થી વધારે કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. જેથી સમગ્ર લોકમેળા દરમ્યાન પોરબંદર પોલીસ દ્વારા નીચે મુજબના બંદોબસ્તમાં વ્યવસ્થા કરવામાં આવેલછે.
માધવપુરના લોકમેળા બંદોબસ્તમાં ફાળવવામાં આવેલ પોલીસ અધિકારી, કર્મચારીઓમાં ૧ એસ.પી., ૮ એ.એસ.પી. અને ડી.વાય.એસ.પી., ૧૧ પી.આઇ., ૫૮ પી.એસ.આઇ. ૪૯૫ પોલીસ, ૫૧૨ જી.આર.ડી અને એસ.આર.ડી.,૩૩ ટી.આર.બી., બી.ડી.ડી.એસની ૩ ટીમ, કયુ.આર.ટી.ની ૧ ટીમ અને એસ.આર.પીની એક કંપની ઉપસ્થિત રહેશે.
માધવપુર મેળાના સમગ્ર બંદોબસ્ત અલગ-અલગ સાત ઝોનમાં વહેચવામાં આવેલ છે. જેમાં પોરબંદર શહેરથી જિલ્લાની હદ ગુંદાળી ચેકપોસ્ટ સુધી સમગ્ર વિસ્તાર આવરી લેવામાં આવેલ. સમગ્ર મેળા બંદોબસ્તનું ૮૦થી વધુ સી.સી.ટી.વી. કેમેરાની મદદથી સર્વેલન્સ રાખવામાં આવેલ છે તથા સી.સી.ટી.વી., કંટ્રોલ‚મ ઉભો કરવામાં આવેલ છે. સદરહુ સી.સી.ટી.વી. કેમેરાની મદદથી ગુમ થયેલા બાળકો તથા વ્યક્તિઓ તથા ખિસ્સા કાતરુઓ અને ચોર ઇસમો ઉપર સતત નજર રાખવામાં આવનાર છે. તેમજ વોકીટોકી તથા દુરબીન અને  એચ.એચ. એમ.ડી. તથા ડી.એફ.એમ. ડી. બોટલ લાઇટ તથા સેફટી લાઇટથી સમગ્ર મેળાનું સર્વેલન્સ કરવામાં આવશે.લોકમેળામાં આવતા નાગરિકોની સુવિધા માટે ૪ અલગ અલગ જગ્યાઓએ વાહન પાર્કિંગની સુવિધ રાખવામાં આવેલ છે. મેળામાં ફાળવેલ તમામ કર્મચારીઓના બંદોબસ્તનું ડીજીટલ એપ્લીકેશનની મદદથી સુપરવિઝન કરવામાં આવશે. બી.ડી.ડી.એસ. ટીમો દ્વારા  સમગ્ર બંદોબસ્ત દરમ્યાન એન્ટી સબોટેઝ ચેકીંગ હાથ ધરવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે ચાર સી-ટીમ દ્વારા કુલ ૨૦ મહિલા પોલીસ અધિકારી, કર્મચારીઓ તથા પાંચથી વધુ સર્વેલન્સ સ્ક્વોડ રાખવામાં આવશે.સમગ્ર મેળાની દેખરેખ ડ્રોન સર્વેલન્સથી કરવામાં આવશે. માધવપુર મેળા બંદોબસ્તમાં વોચ ટાવરથી ક્રાઉડ મેનેજમેન્ટ કરવામંાં આવશે. નાગરિકોની સુવિધા માટે કુલ બે પોલીસ બુથ રાખવામાં આવશે. માધવપુર ચોપાટી ખાતે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર બ્રિગેડની ટીમ તથા સ્થાનિ તરવૈયાની ટીમ સુસજ્જ રાખવામાં આવશે. પોલીસ વિભાગની વિવિધ યોજનાઓ માટે પોલીસ અવેરનેસ માટેના હોર્ડીંગ્સ લગાડવામાં આવેલ છે. પી.એ. સિસ્ટમ દ્વારા જાણકારી તેમજ મદદ પુરી પાડવામાં આવશે. માઉન્ટેડ પોલીસ દ્વારા ચોપાટી ખાતે ટ્રાફિક નિયમન તેમજ પેટ્રોલીંગ રાખવામાં આવશે. જિલ્લાના સમગ્ર દરિયાકિનારા પર કોસ્ટગાર્ડ તેમજ જિલ્લા પોલીસ, મરીન પોલીસ દ્વારા બોટો પેેટ્રોલીંગ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application