જામનગરના રામેશ્ર્વરનગર વિસ્તારમાં આવેલ મધુરમ સોસાયટીમાં રહેતા એક વેપારી વ્યાજે લીધેલી રકમ ચુકવી દેવા છતા વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરીને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોય આથી મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો છે અને ચાર શખ્સ સામે ફરીયાદ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મધુરમ સોસાયટી શેરી નં. ૧, બ્લોક નં. ૧/૨ ખાતે રહેતા વેપાર કરતા વિજય જેન્તીભાઇ પિત્રોડા (ઉ.વ.૩૪) નામના યુવાનને થોડા વર્ષ પહેલા ધંધા માટે પૈસાની જરૂરીયાત હોવાથી હરદેવસિંહ પાસેથી રૂ. ૫૦ હજાર, સાડા સાત ટકા લેખે વ્યાજે લીધા હતા અને વ્યાજ પેટે રૂ. ૯૬ હજાર ચુકવી આપેલ તેમજ સુભાષ પાસેથી ૨૦ હજાર છ ટકા લેખે વ્યાજે લીધેલ અને ૧૦૮૦૦ ચુકવી આપ્યા હતા.
આ ઉપરાંત મયુરસિંહ પાસેથી ૨૦ હજાર ૧૦ ટકા લેખે વ્યાજે લીધેલ જેના રૂ. ૨૪ હજાર ચુકવેલ, પૃથ્વીરાજસિંહ પાસેથી ૨૦ હજાર ૧૦ ટકા લેખે લીધેલ જેના ૮ હજાર ચુકવી આપેલ હતા. તેમ છતા ફરીયાદી પાસે વધુ વ્યાજની માંગણી કરી ફરીયાદીના બેન્કના કોરા ચેકમાં વધુ રકમ લખી ચેક બાઉન્સ કરવાની ધમકીઓ આપી હતી.
આ ઉપરાંત આરોપીઓ ફરીયાદીના પથીક આશ્રમ તથા જી.જી. હોસ્પીટલ પાસેના ધંધાના સ્થળે આવીને હેરાન પરેશાન કરતા હોય વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી દઇ એકબીજાને મદદગારી કરી હતી.
આ અંગે વિજયભાઇ પિત્રોડાએ સીટી-બી ડીવીઝનમાં જામનગરના હરદેવસિંહ જાડેજા, સુભાષ સોલંકી, મયુરસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ જાડેજા નામના ચાર શખ્સો સામે મનીલેન્ડસ એકટ તથા બીએનએસ કલમ ૩૫૧(૩), ૫૪ મુજબ ફરીયાદ નોંધાવી હતી જેની તપાસ પીએસઆઇ બી.એલ. ઝાલા ચલાવી રહયા છે.