કલરના ડબ્બામાં પુટ્ટી-ભુસામાં છુપાવેલો દારૂ ઝડપાયો

  • April 22, 2025 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પોલીસથી બચવા માટે બુટલેગરો અવનવા કીમિયા અજમાવતા હોય છે. પરંતુ પોલીસ તેમના આ દરેક કીમિયાને નાકામ બનાવી રહી છે. ત્યારે તાલુકા પોલીસ મથકના સ્ટાફે પુનિતનગરમાં રહેતા શખસે ઘરમાં કલરના ડબ્બામાં પુટી અને લાકડાના ભુસાની આડમાં કારીગરીથી છુપાવેલો રૂ. 81.828 નો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. આરોપી દારૂનો આ જથ્થો દમણથી લાવ્યો હોવાની કબુલાત આપી હતી.


દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ.હરીપરાની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.એચ. મહારાજ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ શિવભદ્રસિંહ ગોહિલ, મયુરસિંહ જાડેજા અને નિકુંજ મારવીયાને મળેલી બાતમીના આધારે પુનિતનગર શેરી નંબર 4 શ્રી પેલેસની સામે રહેતા નીલ મહેશભાઈ કાલરીયા (ઉ.વ 27) ના મકાનમાં દરોડો પાડ્યો હતો.


પોલીસે અહીં તપાસ કરતા મકાનમાં અલગ અલગ ડબ્બા હોય જે પ્રાથમિક દ્રષ્ટિએ કલર કામના ડબ્બા હોય તેવું જણાતું હતું. પરંતુ પોલીસની બાતમી સચોટ હોય તેમણે આ ડબ્બા ખોલીને જોતા તેમાં પ્રથમ કલર કરવાની પુટ્ટી ભરી હતી. ત્યારબાદ લાકડાનું ભુસુ મળ્યું હતું. જેની નીચેથી દારૂની બોટલો મળી હતી પોલીસે આ ડબ્બાઓમાંથી કુલ રૂપિયા 81,828 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો.


પોલીસે જણાવ્યું હતું કે, દારૂ-બીયરના જથ્થા સાથે ઝડપાયેલ શખસ નીલ કાલરીયા છૂટક ડ્રાઇવિંગનું કામ કરે છે. દારૂના આ જથ્થા અંગે પૂછતા તે દમણથી દારૂ લાવ્યો હોવાની કબુલાત આપી હતી. પોલીસે આ શખસ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


દેશી દારૂના ધંધાર્થીઓ પર ધોંસ: ૯ સ્થળે દરોડા

પીસીબીના ઇન્ચાર્જ એમ.આર. ગોંડલીયાની રાહબરી હેઠળ ટીમે દેશી દારૂના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવી હતી. અલગ અલગ સ્થળ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ટ્રેક્ટર ચોક લાખાજીરાજ ઉદ્યોગ નગર શેરી નંબર 14 ની સામે સોનલ વિપુલભાઈ ઝાલા નામની મહિલાને આઠ લીટર, રાજમોતી મીલ પાછળ મયુરનગરમાં દિવાળીબેન ગોવિંદભાઈ બજાણીયાને 10 લીટર, બેડીપરરા શ્રમજીવી સોસાયટી પાસે જીણીબેન ચનાભાઈ પાટડીયાને 5 લીટર, ગંજીવાડામાં અજય ગોવર્ધનભાઈ રંગપરાને 15 લીટર, કુલીયાપરામાં અજય રાઠોડ અને શારદાબેન ભરતભાઈ રાઠોડને 10 લીટર તથા મનીષ ચમનભાઈ સોલંકીને 17 લીટર બેડી પરામાં મયુર નાથાભાઈ કોબીયા અને અનિલ નાથાભાઈ કોબીયાને સાત લીટર ચુનારાવાડમાં વિશાલ કિશનભાઇ સોલંકીને 10 લીટર અને કુબલીયાપરામાં બળવંત બટુકભાઈ રાઠોડને દેશી દારૂ બનાવવાના 35 કિલો અખાદ્ય ગોળના ડબ્બા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News