આયુષ્યમાન કાર્ડ હેઠળ હૃદયરોગની સારવાર પહેલી એપ્રિલથી બંધ થશે

  • March 31, 2025 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગુજરાતભરની ખાનગી હૉસ્પિટલોમાં આગામી 1થી 7 એપ્રિલ દરમિયાન આયુષ્યમાન ભારત યોજના હેઠળ કાર્ડિયોલૉજી સેવાઓ અસ્થાયી ધોરણે બંધ કરવાની ગુજરાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ્સ ફોરમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેમની માગણી છે કે કાર્ડિયોલોજી સારવાર માટે મળતા વળતરના દરો હાલની આર્થિક પરિસ્થિતિઓ મુજબ નથી. છેલ્લાં દાયકા દરમિયાન સારવાર ખર્ચ સતત વધ્યો છે. પરંતુ, પેકેજના દરોમાં તે પ્રમાણે વધારો નથી થયો, જે દર્દીઓ માટે ગુણવત્તાસભર સારવારમાં અવરોધ ઊભો કરે છે.

ગુજરાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલાજિસ્ટ્સ ફોરમે જણાવ્યું છે કે, 'PMJAY નો હેતુ આરોગ્યસંભાળ સુલભ બનાવવાનો છે. પરંતુ આર્થિક વાસ્તવિક્તાઓ-સારવાર ખર્ચની હકીકતને અવગણીને નક્કી કરાયેલા દર અવરોધરૂપ છે. PCI અને અન્ય પેકેજમાં પૂરતો વધારો નહીં થવાથી PMJAY હેઠળ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી સેવા આપવી મુશ્કેલ બની રહી છે. જો યોગ્ય સુધારો નહીં કરવામાં આવે તો પહેલી એપ્રિલથી ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી માટે PMJAY હેઠળ સેવાઓ બંધ કરવા ફરજ પડશે.


જિલ્લા કલેક્ટરોને અપાયું આવેદનપત્ર

આ અંગે વિવિધ રજૂઆતો સાથેનું આવેદનપત્ર ગુજરાતના જિલ્લા કલેક્ટરોને આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત રાજ્ય આરોગ્ય એજન્સી અને PMJAYના સત્તાધીશોને પણ રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ફોરમ દ્વારા કહેવાયું છે કે, હાલના દરો એટલા ઓછા છે કે હૉસ્પિટલો અને કાર્ડિયોલૉલોજીસ્ટ ગુણવત્તાસભર સારવાર આપવામાં નિષ્ફળ જાય છે. આ ઉપરાંત સ્થળ પર કાર્ડિયો થોરાસિક અને વેસ્ક્યુલર સર્જરીની ફરજિયાત હાજરીનો નિયમ પણ અવાસ્તવિક-અવ્યવહારુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application