હનુમાન જયંતિઃ ભુરખિયા હનુમાન દાદાએ સજ્યો વિશેષ શણગાર, કરો આજની મંગળા આરતીના દર્શન, ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું

  • April 12, 2025 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે હનુમાન જયંતિ છે ત્યારે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં જાણિતા ભુરખિયા હનુમાન મંદિરે સવારથી ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું છે. પગપાળા ચાલીને હજારો લોકો પહોંચી રહ્યા છે. આ હનુમાન જયંતિએ ભુરખિયા હનુમાન દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આજે સવારે દાદાની મંગળાઆરતી કરવામાં આવી હતી. બાદમાં દર્શન માટે ભાવિકો ઉમટી રહ્યા છે. 


અમરેલીના લાઠીથી 35 કિમી દૂર આવેલા ભુરખીયા હનુમાન મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામા પદયાત્રિકો દર્શનાર્થે ઉમટ્યા છે. અહીં મંદિર ટ્રસ્ટ દ્વારા પણ યાત્રિકોની સુવિધા માટે તૈયારીઓ કરવામા આવી છે. તીર્થધામ ભુરખીયા હનુમાનજીનું મંદિર 439 વર્ષ જૂનું પ્રાચીન મંદિર છે અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અભિનેત્રી આશા પારેખના કુળદેવ હોવાથી તે પણ નિયમિત આ મંદિરે આવે છે


ભુરખીયા હનુમાન મંદિરનો ઈતિહાસ

અમરેલી જિલ્લામાં આજથી 439 વર્ષ પૂર્વે વિક્રમ સંવત 1642માં વીરમગામની ભાગોળે ગોલવાડ દરવાજા બહાર મેદાનમાં અયોધ્યાના સંત રઘુવીરદાસની જમાતના ત્રણસો જેટલા ખાખી સાધુઓ ઊતર્યા હતા. મહાત્મા દામોદરદાસજી પોતાની રાવટીમાં એક રાત્રે નિંદ્રાધીન થયા હતા ત્યારે તેમને સ્વપ્નમાં હાલમાં લાઠી અને દામનગર વિસ્તારમાં એક મોટું જંગલ હતું ત્યાં ટેકરા પર ચૈત્ર મહિનાની પૂર્ણિમા સુધીમાં પહોંચી જવાનું અને એ દિવસની રાત્રે ત્યાં હનુમાનજીનું પ્રાગટ્ય થવાનું હોવાની સૂચના મળી હતી. સંત દામોદરદાસજી અને હાજર લોકોને સાક્ષાત હનુમાન દાદાના દર્શન થયા અને તમામે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા, બાદમાં ભગવાનને પાંચ નદીઓમાંથી પાણીથી સ્નાન કર્યું અને આંકડાના ફૂલોની માળા ચડાવી. લોકોએ ત્યાં ઘણા દિવસો સુધી પ્રાર્થના કરી. દિવસો સુધી આરતી અને પૂજા-અર્ચના કરવામાં આવી. સંતે “ભુરખિયા” નામનો વિચાર કર્યો તે સૂચવવા માટે કે ભગવાન તેની આસપાસ અને ભૂમિની ભૂમિ (ભૂ)ની સુરક્ષા અને વિકાસ કરશે. સમય જતાં ભુરક્ષ્ય લોકપ્રિય રીતે ભુરખિયા બન્યું. ભગવાનને પ્રેમથી “ભુરખિયાદાદા” અને “ભૂરાકીઆહુમાન” કહેવાતા. આજે, ભગવાનના દેખાવના 439 વર્ષ પછી, આપણી પાસે દેશના વિવિધ ભાગોમાં અને બહારના લાખો વિશ્વાસીઓ છે, જેઓ ભગવાનને અનુસરે છે અને પ્રાર્થના કરે છે અને તેમના આશીર્વાદ માંગે છે. પહેલાં જે નાનું મંદિર હતું તે હવે એક વિશાળ સંકુલ બની ગયું છે જે કેન્દ્રમાં એક વિશાળ મંદિર છે. 


કવિ પીંગળશી ગઢવીને ભુરખીયા હનુમાનજીનો પરચો થયો

લોકવાયકા અનુસાર કવિ પીંગળશી ગઢવીને અહીં ભુરખીયા હનુમાન દાદાનો પરચો થયો હતો. જે-તે સમયે જંગલ હતું ત્યાં હવે આખું ગામ વિકસી ગયું છે અને ચૈત્રી પૂનમના દિવસે અહીં મોટો મેળો ભરાય છે. જેમાં દર્શન માટે એક લાખ કરતા પણ વધારે લોકો ઉમટી પડે છે. અહીંયા બ્રાહ્મણોની ચોર્યાસી કરવાનું પણ વિશેષ મહત્વ છે. મંદિર ટ્રસ્ટ અને સરકાર દ્વારા અહીં યાત્રીઓ માટે રહેવા, જમવા સહિતની તમામ આવશ્યક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application