કૌશલ્ય આધારિત રોજગાર ક્ષમતાના મામલે ગુજરાત ઘણું પાછળ

  • February 19, 2024 10:15 AM 

ગુજરાતમાં શાળાઓને વધુ બે લાખ કોમ્પ્યુટર આપવામાં આવશે. સ્માર્ટ ક્લાસ ની સંખ્યામાં વધારો કરવામાં આવશે. ટેકનોલોજીના આ યુગમાં શિક્ષણને વધુ ટેકનોલોજી યુક્ત બનાવવામાં આવશે તેવી જાહેરાત બજેટ પ્રવચનમાં અને પબ્લિક મિટિંગમાં ભલે થતી હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે સૌથી વધુ કૌશલ્ય આધારિત રોજગાર ક્ષમતાવાળા દેશના ટોપ પાંચ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થતો નથી. ટોપ પાંચ શહેર છે તેમાં પણ ગુજરાતનું એક પણ શહેર નથી અને આ બાબત વિકાસશીલ ગુજરાતના માટે આત્મખોજનો વિષય બની રહી છે.

સ્કીલ ઇન્ડિયાના તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટમાં આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ છે. સમગ્ર દેશના યુવાનો, વિદ્યાર્થીઓમાં નોલેજ, સ્કિલ, બિહેવિયર, કમ્પોનન્ટ સ્કિલ માપદંડો સાથે વૈજ્ઞાનિક અભિગમથી તૈયાર કરાયેલા ઇન્ડિયા સ્કિલ રિપોર્ટમાં સ્કિલ ડેવલપમેન્ટ અને રોજગાર ક્ષમતા સહિતના મુદ્દે જણાવાયું છે કે દેશના ટોચના પાંચ રાજ્યમાં ગુજરાત નથી.

વિદ્યાર્થીઓની રસરૂચી, નોકરી આપનારની જરૂરિયાત, કોમ્યુનિકેશન સ્કીલ સહિતની બાબતોનો સમાવેશ આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ ક્ષેત્રમાં બે પાંચ લાખનો પગાર સામાન્ય બાબત ગણાતી હોય છે પરંતુ ગુજરાતમાં આ મુજબનો પગાર આપી શકે તેવી મોટી કંપનીઓ ઓછી હોવાનું જણાવ્યું છે.

છેલ્લા દસ વર્ષના નીચોડ સમાન રિપોર્ટમાં જણાવ્યું છે કે સૌથી વધુ રોજગારી ક્ષમતા ધરાવતા દેશના ટોપના પાંચ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન છે. સ્કિલ ડેપલોપમેન્ટના ક્ષેત્રે રોજગાર ક્ષમતા ધરાવતા દેશના ટોપના પાંચ શહેરોમાં પણ ગુજરાતનું એક પણ શહેર નથી આ પાંચ શહેરમાં મહારાષ્ટ્રમાં મુંબઈ, ઉત્તર પ્રદેશમાં લખનૌ, કર્ણાટકમાં મેંગલોર, મહારાષ્ટ્રમાં પુણે, ન્યુ દિલ્હીનું નામ આવે છે.

બેન્કિંગ, ફાઇનાન્સ, સર્વિસ, ઇન્સ્યોરન્સ, ઓઇલ, ગેસ, પાવર, સ્કીલ એન્જિનિયરિંગ, ઓટોમેટીવ, ઓટો મોબાઇલ હોસ્પિટલ કોર્સ, ટ્રાવેલ્સ, સોફ્ટવેર, ટેલિકોમ સહિતના ૧૧ થી વધુ સેક્ટરમાં યુવાનો માટે પસંદગીના રાજ્ય તરીકે ગુજરાત નથી અથવા તો ગુજરાતનું કોઈ શહેર પણ નથી. આ મામલે બહારના રાજ્યમાંથી કોઈ વિદ્યાર્થીઓ ગુજરાતમાં આવતા નથી અને ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ભવિષ્યની પોતાની કારકિર્દી માટે અન્ય રાજ્યોની પસંદગી કરી રહ્યા છે. ગુજરાતમાં દર વર્ષે સ્કિલ ડેવલોપમેન્ટ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે પરંતુ બીજી બાજુ એ પણ વાસ્તવિકતા છે કે રાજ્યના ૫૦૦ જેટલા કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં યુવાનોને કૌશલ્ય પ્રાપ્તિ કરવાના બદલે આઉટસોર્સિંગ એજન્સીને આ પ્રકારની જવાબદારી આપી સરકાર તેના પર બધું છોડી દે છે.

જ્યાં સુધી પાયાનું પ્રાથમિક શિક્ષણ અને તેની વ્યવસ્થા સુધારવામાં નહીં આવે ત્યાં સુધી લાંબા ગાળાના ફાયદા માટે કોઈ અવકાશ નથી તેવી વાત કરતા બિઝનેસ ક્ષેત્રના અને શિક્ષણ જગતના મહાનુભાવો કહે છે કે અત્યારે ગુજરાતના ૩૩ જિલ્લા ની ૧૬૫૭ સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. ગુજરાતની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના રદ કરીને કાયમી શિક્ષકોની ભરતી થવી જોઈએ. માત્ર એક શિક્ષક થી આખી શાળા ચાલતી હોય તેવા કિસ્સા રાજકોટ અમદાવાદ કચ્છ બનાસકાંઠા તાપી મહીસાગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ છે. આદિવાસી વિસ્તારની ૩૫૩ શાળામાં પણ આવી જ શિક્ષકોના વન મેન શો ની પરિસ્થિતિ છે. જે ૧૬૫૭ શાળાઓમાં એક શિક્ષક છે તેમાંથી ૧૩૬૩ શાળાઓ ગ્રામ્ય વિસ્તારની છે. બાકીની ૨૯૪ શહેરી વિસ્તારની છે. કચ્છમાં ૨૧૩ અમદાવાદમાં ૯૮ રાજકોટમાં ૮૩ બનાસકાંઠામાં ૮૧ તાપીમાં ૮૦ મહીસાગરમાં ૭૭ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવી ૭૩ શાળાઓ છે.

શિક્ષણની વધુ વાસ્તવિકતા જોઈએ તો થોડા સમય પહેલા રાજ્યની ૩૮,૦૦૦ માંથી ૫૬૧૨ સરકારી શાળાઓ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાના કારણે બંધ કરવામાં આવી છે અથવા તો નજીકની શાળાઓ સાથે મર્જ કરવામાં આવી છે. એક બાજુ શાળા પ્રવેશોત્સવ વખતે સો ટકા નામાંકનના દાવાઓ થાય છે તો બીજી બાજુ વિદ્યાર્થીઓની ઓછી હાજરીના મામલે શાળાઓ બંધ કરવાનો અથવા તો મર્જ કરવાનો નિર્ણય લેવાય છે. પરસ્પર તદ્દન વિરોધાભાસી આ પરિસ્થિતિ છે. શિક્ષકોની ૩૨,૦૦૦ જેટલી જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. ગુજરાત સરકારે આ વર્ષે તેમના બજેટમાં કરેલી જાહેરાત મુજબ નવા ૧૫,૦૦૦ વર્ક ખંડ વર્ગખંડ બાંધવામાં આવશે પરંતુ અત્યારે ૩૮,૦૦૦ ક્લાસરૂમની ઘટ છે.

શિક્ષણની અને ભણ્યા પછી નોકરીની આ પ્રકારની સ્થિતિ હોવા છતાં પ્રાથમિક શિક્ષણમાં એટલે કે પાયાના શિક્ષણમાં જે મજબૂતાઈ પ્રદાન કરવી જોઈએ તેના બદલે હજુ પણ આવા નિર્ણયો લેવામાં આવે છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જાહેર કરેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પાના નંબર ૨૨ ના મુદ્દા નંબર ૫૧૭ માં સ્પષ્ટપણે જણાવ્યું છે કે શાળાઓમાં ખાલી પડેલી જગ્યા ઉપર કાયમી શિક્ષકોની જ નિમણૂક કરવાની રહેશે. પરંતુ ગુજરાતમાં જ્ઞાન સહાયક યોજના જાહેર કરીને શિક્ષકોની કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરવામાં આવે છે. ૩૨,૦૦૦ થી વધુ જગ્યા શિક્ષકોની ખાલી છે. શિક્ષકો માટેની યોગ્ય લાયકાત ધરાવતા ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરતા ૫૦,૦૦૦ જેટલા ગુજરાતના યુવાનો અને યુવતીઓ કાયમી ભરતીના સ્વપન જોઈ રહ્યા છે.
​​​​​​​
ડિજિટલ યુગની વાતો કરવામાં આવે છે પરંતુ ૨૦૨૧ -૨૨ માં એક રિપોર્ટ જાહેર કરાયો હતો અને તેમાં જણાવાયું હતું કે ગુજરાતની ૨૦૦૦ થી વધુ સરકારી સ્કૂલોમાં ઇન્ટરનેટની સુવિધા નથી. છેલ્લા એક વર્ષ દરમિયાન પરિસ્થિતિમાં થોડો ઘણો સુધારો થયો હશે પરંતુ સંપૂર્ણપણે પરિસ્થિતિ બદલાઈ નહીં જ હોય. જયા ઇન્ટરનેટની સવલત આપવામાં આવી છે ત્યાં પણ પરિસ્થિતિ પ્રમાણમાં સારી ન હોવાનું આ રિપોર્ટમાં જણાવ્યું છે. ૨૦૦૫ -૦૬ થી ૨૦૨૨-૨૩ દરમિયાન સરકારે જુદા જુદા તબક્કે સમગ્ર રાજ્યમાં ૭૧૯૯ શાળાઓમાં કોમ્પ્યુટર લેબ ઉભી કરવા માટે મંજૂરી આપી હતી. પરંતુ અત્યારે મોટા ભાગની શાળાઓમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરનાર કોઈ નથી કારણ કે તે માટેના શિક્ષકોની સંખ્યા ઓછી છે અથવા તો નહીવત છે.
વિજ્ઞાન પ્રવાહમાં વારંવાર કરાતા ફેરફારોને કારણે અને તેમાં પણ ખાસ કરીને બી ગ્રુપ લઈને ડોક્ટર બનવા માગતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા જે પ્રકારે વારંવાર ડફણાં મારવામાં આવતા હોય છે. કાયદા અને નિયમોમાં મન પડે ત્યારે ફેરફાર થઈ જતા હોય છે. બોન્ડની રકમ માં દર વર્ષે લાખો રૂપિયાનો વધારો થતો હોય છે. મેડિકલનું ૧૨ થી ૧૩ વર્ષ સુધીનું ભણતર પૂરું કરીને બહાર નીકળનાર વિદ્યાર્થી અને તેનો પરિવાર આવા વાતાવરણથી કંટાળી જાય છે અને ધીમે ધીમે ગુજરાતમાં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ગંભીર ચિંતાજનક હદે ચોકાવનારો ઘટાડો જોવા મળ્યો છે. મોડે મોડે સરકાર જાગી છે અને હવે આ વર્ષે બજેટમાં વિજ્ઞાન પ્રવાહ લેનાર વિદ્યાર્થીને આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રકમ એટલી મામુલી છે કે વિજ્ઞાન પ્રવાહ તરફ વિદ્યાર્થીઓને પાછા વાળવાનું શક્ય જણાતું નથી. માત્ર આર્થિક સહાય વિદ્યાર્થીઓ ઇચ્છતા હોતા નથી પરંતુ સાથોસાથ યોગ્ય વાતાવરણ પણ તેમને જોઈએ છે અને જો આવું થાય તો ભવિષ્યમાં સૌથી વધુ કૌશલ્ય આધારિત રોજગાર ક્ષમતાવાળા દેશના ટોપ પાંચ રાજ્યોમાં ગુજરાત અને તેના શહેરો આવી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application