બ્રહ્મા કુમારીના મુખ્ય વહીવટકર્તા દાદી રતન મોહિનીએ 101 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, આબુમાં થશે અંતિમસંસ્કાર, જાણો કોણ હતા તેઓ

  • April 08, 2025 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માઉન્ટ આબુમાં આવેલ બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય વહીવટીકર્તા દાદી રતન મોહિનીએ 101 વર્ષ વયે અંતિમ શ્વાસ લેતા તેમના અનુયાયીઓમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. તેઓનું નિધન અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં થયું હતું. સંસ્થાના પીઆરઓ બીકે કોમલે જણાવ્યું હતું કે, દાદીના પાર્થિવ શરીરને આજે અમદાવાદથી આબુ રોડ સ્થિત બ્રહ્મા કુમારી સંસ્થાના આંતરરાષ્ટ્રીય મુખ્યાલયમાં લાવવામાં આવશે. જ્યાં મૃતદેહને અંતિમસંસ્કાર માટે રાખવામાં આવશે. સંસ્થાના અધિકારીઓ દ્વારા ટૂંક સમયમાં અંતિમસંસ્કારની તારીખ જાહેર કરવામાં આવશે.


કોણ હતા દાદી રતન મોહિની

દાદી રતન મોહિની 13 વર્ષની ઉંમરે બ્રહ્માકુમારી સંસ્થામાં જોડાયા હતા. દાદીનો જન્મ 25 માર્ચ 1925ના રોજ હૈદરાબાદ, સિંધ (હાલના પાકિસ્તાન)માં થયો હતો. તેમનું નામ લક્ષ્મી હતું. માત્ર 13 વર્ષની ઉંમરે તેઓ બ્રહ્મા કુમારી સંસ્થાના સંપર્કમાં આવ્યા. બાળપણથી જ આધ્યાત્મિકતામાં રસ ધરાવતા દાદીએ સંસ્થાની સ્થાપનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દાદી રતનમોહિની તેમના જીવનના છેલ્લા દિવસો સુધી સક્રિય રહ્યા. તેઓ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન દરરોજ સવારે 3.30 વાગ્યે ઉઠતા અને રાત્રે 10 વાગ્યા સુધી દૈવી સેવાઓમાં વ્યસ્ત રહેતા હતા.


તેમના જીવનકાળ દરમિયાન 70 હજારથી વધુ કિમી ચાલ્યા

તેમણે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનો પ્રચાર કરવા માટે અનેક પદયાત્રાઓ કરી. 1985માં તેમણે 13 ટ્રેકિંગ કર્યા અને 2006માં તેમણે 31 હજાર કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી. કુલ મળીને તે 70 હજાર કિલોમીટરથી વધુ ચાલ્યા. રાજયોગિની દાદી રતનમોહિનીએ સંસ્થામાં આવતી બહેનોની તાલીમ અને નિમણૂકનો હવાલો પણ સંભાળ્યો હતો. બ્રહ્મા કુમારી સંસ્થામાં સમર્પિત થતાં પહેલાં યુવા બહેનોને દાદીના માર્ગદર્શન હેઠળ તાલીમ આપવામાં આવી હતી.


દાદીજીને અનેક વૈશ્વિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા

આ પછી જ તેઓ "બ્રહ્મકુમારી" કહેવાતા હતાં. તેમણે દેશભરના 4600 સેવા કેન્દ્રોમાંથી 46 હજારથી વધુ બહેનોને તાલીમ આપી. આ ઉપરાંત તે યુવા વિભાગના રાષ્ટ્રીય પ્રમુખ પણ રહી ચૂક્યા છે. દાદી ખાસ કરીને યુવાનોમાં માનવીય મૂલ્યો કેળવતા અને તેમને વધુ સારું જીવન જીવવા માટે પ્રેરણા આપતા. દાદી રતન મોહિનીજીના 100 વર્ષ 25 માર્ચ 2024ના રોજ પૂર્ણ થયા હતા. ત્યારે 5 દિવસનો વૈશ્વિક શતાબ્દી મહોત્સવ આબુ શાંતિવન ખાતે યોજાયો હતો. જેમાં વિશ્વના 70 દેશોના 25000 વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ ભાગ લીધો હતો. સર્વ સેવા કાર્ય સાથે બ્રહ્માકુમારીનું નેતૃત્વ સંભાળી રહ્યા હતા, સતત આદિ સનાતન ધર્મની સ્થાપના વિશ્વ શાંતિ સદભાવ માટે નિસ્વાર્થ સેવા કરતા દાદીજીને અનેક વૈશ્વિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application