આજે તો તને મારી જ નાખવો છે...કેકેવી હોલ પાસે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખના ભત્રીજા પર કારચાલકનો ધોકા વડે હુમલો

  • April 02, 2025 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના કાલાવડ રોડ પર કેકેવી હોલ ચોક પાસે શ્રીજી હોટલ નજીક રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે.સખીયાના ભત્રીજાને નંબર પ્લેટ વગરની આઇ-૨૦ કારના ચાલકે ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાહન ચલાવવા બાબતે આ હુમલો કર્યો હોવાનું માલુમ પડયું છે.ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે.સખીયાના ભત્રીજા રવિ છગનભાઈ સખીયા (ઉ.વ 34) દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં નંબર પ્લેટ વગરની આઇ- 20 કારના ચાલકનું નામ આપવામાં આવ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે તે નટરાજ નગર યુનિવર્સિટી રોડ પર રહે છે અને બાંધકામનો વ્યવસાય કરે છે.


ગઈકાલે બપોરના અઢી વાગ્યા આસપાસ તે તથા તેમના પિતા છગનભાઈ બંને ફોર્ચ્યુનર કાર નંબર જીજે 3 એન.કે 0043 લઈ કામ સબબ તેમના બાપુજીના પુત્ર રાજેશભાઈ સખીયાના ઘરે જવા માટે નીકળ્યા હતા. દરમિયાન કાલાવડ રોડ પર ક્રિશ્ના મેડિકલ પાસે પહોંચતા અહીં ડિવાઈડર ક્રોસ કરી અને સામેની તરફ આવેલ શ્રીજી હોટલ તરફ ગાડીનો વળાંક લેવા જતા કે.કે.વી. હોલ તરફથી એક આઇ-20 કાર નંબર પ્લેટ વગરની નજીક આવી અચાનક જ બ્રેક મારી ગાડી સાઈડમાં રાખી આ આઇ-20 કારનો ચાલક તેમની પાસે ધસી આવ્યો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. જેથી યુવાને ગાળો બોલવાની ના કહેતા ગાડીમાંથી ધોકો લઈ આવી યુવાનને પેટના ભાગે ધોકાના ઘા ફટકારી દીધા હતા. યુવાને હાથથી ધોકો પકડી રાખતા આ શખસે ધોકો મૂકી દે આજે તને મારી જ નાખવો છે તેવી ધમકી આપી હતી.


દરમિયાન તેની પાસે રહેલ બીજા ધોકા વડે યુવાનના માથાના ભાગે ઘા મારી દીધો હતો.અહીં લોકો એકત્ર થતાં આઇ- 20 કારનો ચાલક રોડ ક્રોસ કરી અહીંયા આવેલી દુકાનમાં જતો રહ્યો હતો. જેથી યુવાને આ બાબતે તેના ભાઈ ધવલને ફોન કરી જાણ કરી હતી. બાદમાં યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇ- 20 ના ચાલક સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application